અભિયાનને સમર્થન આપતા સ્થાનિક અગ્રણીઓ અને નાગરિકોએ ગર્વભેર જણાવ્યું હતું કે, ‘આપણી એક નાનકડી ખરીદી કોઈ ગરીબ કે મધ્યમવર્ગીય પરિવારના ઘરમાં દિવાળીનો અજવાસ ફેલાવી શકે છે. મોટા શોરૂમના ડિસ્કાઉન્ટ કરતાં આપણા પોતાના વિસ્તારના સામાન્ય વેપારીના ચહેરા પર આવતું સાચું સ્મિત વધારે કિંમતી અને સંતોષકારક છે.’

આ વર્ષે હળવદવાસીઓ માત્ર માટીના દીવા પ્રગટાવીને ઘર જ નહીં, પરંતુ સ્થાનિક વેપારીઓના ધંધા-રોજગાર અને તેમની આશાઓનો દીવો પ્રગટાવી સાચા અર્થમાં દિવાળી મનાવવા જઈ રહ્યા છે.પાટિયા ગ્રુપ દ્વારા આ અભિયાન અંતર્ગત સમાજ સમક્ષ ત્રણ મુખ્ય સંકલ્પો મૂકવામાં આવ્યા છે, જેને લોકો ઉત્સાહભેર સ્વીકારી રહ્યા છે: તહેવારની બહુમતી ખરીદી સ્થાનિક સ્તરેથી જ કરવી. દેશના આર્થિક તંત્રના પાયા સમાન નાના વેપારીઓનું ઉત્થાન કરવું. સ્થાનિક રોજગારી વધારીને ‘આત્મનિર્ભર ભારત’ના સ્વપ્નને ગ્રાઉન્ડ લેવલ પર સાકાર કરવાનો સમાવેશ થાય છે.


























