
પ્રશાંત: મહાસાગરનું તાપમાન સતત વધી રહ્યું છે અને વૈજ્ઞાનિકો આ સ્થિતિને લઈને ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. અહેવાલ મુજબ, અલ નીનોની અસરથી સમુદ્રનું પાણી અસામાન્ય રીતે ગરમ થઈ રહ્યું છે. તેના કારણે પૂર્વ અને દક્ષિણ-પૂર્વ એશિયાના દેશો પર શક્તિશાળી વાવાઝોડાં અને ભારે વરસાદનું જોખમ વધી શકે છે. જાપાન, ચીન, તાઇવાન અને ફિલિપાઇન્સ જેવા દેશોમાં પૂર અને ભારે નુકસાનની આશંકા છે. આ જોખમને ધ્યાનમાં રાખીને કેટલીક સરકારોએ નાગરિકોને ઘરમાં પાણી, કરિયાણું અને જરૂરી વસ્તુઓનો પૂરતો જથ્થો રાખવાની સલાહ આપી છે.

તપી રહ્યો છે પ્રશાંત મહાસાગર – અલ નીનો એક કુદરતી હવામાન સંબંધિત ઘટના છે, જેમાં પ્રશાંત મહાસાગરનું પાણી સામાન્ય કરતાં વધુ ગરમ થઈ જાય છે. તેની અસર વિશ્વભરના વાતાવરણ અને પવનની ગતિવિધિઓ પર પડી શકે છે. અહેવાલમાં યુકેના મેટ ઓફિસના હવાલાથી જણાવાયું છે કે આ વખતે અલ નીનો અત્યાર સુધીની સૌથી શક્તિશાળી ઘટનાઓમાંની એક બની શકે છે અને માર્ચ સુધી તેની અસર રહેવાની શક્યતા છે. (પ્રતિકાત્મક તસવીર, Canva)

ફિલિપાઇન્સના રાષ્ટ્રીય હવામાન વિભાગનાં મુખ્ય વૈજ્ઞાનિક એના લિઝા સોલિસે મનીલામાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પ્રશાંત મહાસાગરની સ્થિતિની સરખામણી તાવથી પીડાતા દર્દી સાથે કરી હતી. તેમના જણાવ્યા અનુસાર, સમુદ્રનું વધતું તાપમાન શક્તિશાળી વાવાઝોડાં માટે અનુકૂળ પરિસ્થિતિ ઊભી કરી શકે છે. જાપાનની હવામાન એજન્સીના આંકડા મુજબ, ઓક્ટોબરમાં વિષુવવૃત્તીય પ્રશાંત મહાસાગરની સપાટીનું તાપમાન સામાન્ય કરતાં 4 ડિગ્રી સેલ્સિયસ વધુ નોંધાયું હતું. અહેવાલમાં જણાવાયું છે કે 1949માં રેકોર્ડ રાખવાની શરૂઆત થઈ ત્યારથી આ સૌથી વધુ તાપમાન છે. અગાઉ ડિસેમ્બર 1997માં 3.6 ડિગ્રી સેલ્સિયસનો રેકોર્ડ નોંધાયો હતો. (પ્રતિકાત્મક તસવીર, Canva)

જાપાનના પૂર્વ કિનારા તરફ જૂનમાં ‘મેકખલા’ અને ‘હિગોસ’ નામનાં બે વાવાઝોડાં આગળ વધ્યાં હતાં. તેના કારણે આશરે 10 લાખ લોકોને ઘર છોડીને સુરક્ષિત સ્થળે જવું પડ્યું હતું. બીજી તરફ, જુલાઈમાં ‘નાર્રા’ વાવાઝોડાએ ચીનના દક્ષિણ કિનારે ભારે નુકસાન પહોંચાડ્યું હતું. ઓગસ્ટમાં ‘ડોલ્ફિન’ વાવાઝોડાએ પ્રશાંત મહાસાગરમાં 16 દિવસ સુધી અસર જાળવી રાખી હતી અને ચીનમાં ભારે પૂર આવ્યું હતું. આ જ મહિનામાં ‘સૌડેલ’ વાવાઝોડાએ એક જ અઠવાડિયામાં ચીનનાં ત્રણ શહેરોમાં અસર કરી હતી. ફિલિપાઇન્સના બતાનેસ ટાપુઓમાં વિશાળ દરિયાઈ મોજાંને કારણે દરિયાકાંઠાના રસ્તાઓ બંધ કરવા પડ્યા હતા, જ્યારે જાપાનના ઓકિનાવા ટાપુઓમાં 15 હજારથી વધુ ઘરોમાં વીજળી ગુલ થઈ હતી.

વૈજ્ઞાનિકોના સંશોધનમાં શું સામે આવ્યું? – મનીલાની આબોહવા વૈજ્ઞાનિક રાફેલા જેન ડેલ્ફિનો અને તેમની સંશોધન ટીમે સમુદ્રનું તાપમાન વધતું રહે તો વાવાઝોડાં પર શું અસર થઈ શકે તે સમજવા માટે કમ્પ્યુટર સિમ્યુલેશન કર્યું હતું. આ માટે 2013માં આવેલા વિનાશક સુપર ટાઇફૂન ‘હાઇયાન’ના આંકડાઓનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. આ વાવાઝોડામાં 6 હજારથી વધુ લોકોનાં મોત થયાં હતાં. સંશોધનના સિમ્યુલેશન મુજબ, સમુદ્રનું તાપમાન વધવાથી વાવાઝોડાં દરમિયાન થતો કુલ વરસાદ 26 ટકા સુધી વધી શકે છે. ફિલિપાઇન્સ જેવા દેશમાં, જ્યાં દર વર્ષે સરેરાશ 20 વાવાઝોડાં આવે છે, ત્યાં આ સ્થિતિ ગંભીર બની શકે છે.

ખતરાથી બચવા સરકારોની તૈયારીઓ – જાપાન સરકારે નાગરિકોને ઘરમાં પૂરતું કરિયાણું, પીવાનું પાણી અને જરૂરી વસ્તુઓનો જથ્થો રાખવાની સલાહ આપી છે. બહાર રાખેલી એવી વસ્તુઓને પણ મજબૂત રીતે બાંધી રાખવા જણાવાયું છે, જે તેજ પવનમાં ઊડીને નુકસાન પહોંચાડી શકે છે. ચીને સ્થાનિક વહીવટી તંત્રને જોખમવાળા વિસ્તારોની ઓળખ કરવા અને હવામાનની આગોતરી ચેતવણી આપતી વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા સૂચના આપી છે. બીજી તરફ, ફિલિપાઇન્સ સહિતના કેટલાક દેશોમાં ખાદ્ય સંકટ ઊભું ન થાય તે માટે ચોખા અને અન્ય મુખ્ય પાકને બચાવવા ખેડૂતોને ખાતર અને બિયારણની સહાય આપવામાં આવી રહી છે.





















