શસ્ત્ર પ્રદર્શન, ડોગ શો, હોર્સ રાઈડીંગ સહિતની પ્રવૃત્તિઓથી બાળકોમાં ઉત્સાહ અને આત્મવિશ્વાસનો સંચાર

માહિતી મોરબી: ૦૭ નવેમ્બર, ૨૦૨૬, મોરબી ખાતે આવેલ ‘ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ વિકાસ વિદ્યાલય’ અને ‘શ્રી કનકેશ્વરી દેવી ગુરુ પૂજ્ય કેશવાનંદ બાપુ ટ્રસ્ટ ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ’ના કુલ ૧૧૮ બાળકોએ ગત તા. ૦૩ નવેમ્બર, ૨૦૨૬ના રોજ મોરબી પોલીસ હેડક્વાર્ટર તથા પોલીસ અધિક્ષકની કચેરીની મુલાકાત લીધી હતી. બાળકોમાં કાયદાકીય જાગૃતિ કેળવવા, પોલીસ વિભાગની કામગીરીથી માહિતગાર કરવા તેમજ તેમનામાં અનુશાસન, સાહસ અને આત્મવિશ્વાસની ભાવના વિકસાવવાના ઉમદા હેતુથી આ મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું.


મુલાકાત દરમિયાન મોરબીના પોલીસ અધિક્ષક મુકેશ પટેલે બાળકો સાથે હૂંફભર્યો અને પ્રેરણાદાયી સંવાદ કર્યો હતો. તેમણે બાળકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા, અભ્યાસમાં પૂરતું ધ્યાન કેન્દ્રિત કરવા અને જીવનમાં કોઈપણ પ્રકારના વ્યસનોથી દૂર રહેવા અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમના પ્રેરણાદાયી સંવાદથી બાળકોમાં આત્મવિશ્વાસ અને સકારાત્મક અભિગમનો સંચાર થયો હતો.

પોલીસ હેડક્વાર્ટર ખાતે બાળકોને પોલીસ વિભાગની કાર્યપ્રણાલી, ગુનાખોરી અટકાવવા માટે લેવામાં આવતા પગલાં તેમજ નાગરિકોની સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા જાળવવામાં પોલીસની મહત્ત્વપૂર્ણ ભૂમિકા અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આર્મ્સ એમ્યુનિશન વિભાગમાં વિવિધ આધુનિક હથિયારોનું પ્રદર્શન યોજી બાળકોને હથિયારોની વિશેષતાઓ અને ઉપયોગ અંગે જાણકારી આપવામાં આવી હતી.

આ ઉપરાંત બાળકો માટે રોમાંચક હોર્સ રાઈડીંગ અને ડોગ શોનું નિદર્શન કરવામાં આવ્યું હતું. વિવિધ મનોરંજક રમતો અને પ્રવૃત્તિઓ દ્વારા બાળકોને આનંદમય અનુભવ કરાવવામાં આવ્યો હતો. પોલીસ વિભાગની કામગીરીને નજીકથી નિહાળવાની તક મળતાં બાળકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

આ સમગ્ર મુલાકાત બાળકો માટે જ્ઞાનવર્ધક, પ્રેરણાદાયી અને યાદગાર બની રહી હતી. પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવેલા આ ઉમદા પ્રયાસથી બાળકોમાં કાયદા પ્રત્યે આદર, સુરક્ષા અંગે જાગૃતિ, અનુશાસન અને સાહસની ભાવના વિકસાવવામાં મહત્વપૂર્ણ યોગદાન મળ્યું હતું.






















