પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં એકતાનગર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ભરતનાટ્યમ અને કથક નૃત્ય દ્વારા ભારતીય સંસ્કૃતિ અને રાષ્ટ્રીય એકતાની ભાવનાને ઉજાગર કરી

મોરબી, ૦૭ નવેમ્બર, ૨૦૨૬: સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતાનગર ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં યોજાયેલા રાષ્ટ્રીય એકતા પર્વની ભવ્ય ઉજવણી દરમિયાન એકતા પરેડમાં મોરબીની વિદ્યાર્થીનીઓએ ભારતીય શાસ્ત્રીય નૃત્યની અદભૂત પ્રસ્તુતિ કરીને સમગ્ર મોરબી જિલ્લાનું ગૌરવ વધાર્યું હતું. વિદ્યાર્થીનીઓએ ભરતનાટ્યમ અને કથક નૃત્ય દ્વારા પોતાની કલાત્મક પ્રતિભા અને સાંસ્કૃતિક વારસાનું સુંદર પ્રદર્શન કર્યું હતું.





આ ભવ્ય કાર્યક્રમમાં ભરતનાટ્યમ ટીમમાં વિનય ઇન્ટરનેશનલ સ્કૂલની ૧૨ વિદ્યાર્થીનીઓ અને ૧ શિક્ષક, જ્યારે કથક ટીમમાં ૯ વિદ્યાર્થીનીઓ અને ૧ શિક્ષક જોડાયા હતા. આમ, કુલ ૨૧ વિદ્યાર્થીનીઓ અને ૨ શિક્ષકોએ ભારતીય શાસ્ત્રીય નૃત્યની મનમોહક રજૂઆત કરી ભારતીય સંસ્કૃતિ, પરંપરા અને રાષ્ટ્રીય એકતાના સંદેશને પ્રભાવશાળી રીતે પ્રસ્તુત કર્યો હતો.

કાર્યક્રમમાં ભાગ લેનાર વિદ્યાર્થીનીઓએ પોતાના અનુભવ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગર, મોરબી જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી તથા જિલ્લા વહીવટી તંત્રના સંકલનથી તેમના માટે રહેવા અને જમવાની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી હતી. દેશના વિવિધ રાજ્યોમાંથી પસંદગી પામેલા કલાકારો સાથે આ ભવ્ય રાષ્ટ્રીય મંચ પર પોતાની કલાનું પ્રદર્શન કરવાની તક તેમના માટે યાદગાર અને ગૌરવપૂર્ણ અનુભવ બની રહી હતી.

શિક્ષણની સાથે સંસ્કૃતિ અને કલાના ક્ષેત્રમાં પણ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી રાષ્ટ્રીય સ્તરે મોરબીનું ગૌરવ વધારનાર વિદ્યાર્થીનીઓને શાળાના આચાર્ય, શિક્ષકગણ અને તમામ કોઓર્ડિનેટરોએ હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા અને તેમની ઉજ્જવળ કારકિર્દી માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી.























