પડધરીના તરઘડી સ્મશાનમાં ૩૪મા વર્ષનો રાજ્યકક્ષાનો કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન

અમદાવાદ : ૦૮-૧૧-૨૦૨૬ : ભારત જન વિજ્ઞાન જાથા દ્વારા કાળીચૌદશની સદીઓ જૂની અંધશ્રદ્ધા, માન્યતાઓ, કુપ્રથાઓ અને કુરિવાજોને દૂર કરવાના હેતુથી રાજ્યભરમાં સ્મશાનમાં યોજાયેલા જનજાગૃતિ કાર્યક્રમોને અભૂતપૂર્વ સફળતા મળી હતી. જાથાની ૩૪મા વર્ષની ઝુંબેશ અંતર્ગત રાજ્યના ૧૧૧૩ નાના-મોટા નગરોના સ્મશાનમાં મેલીવિદ્યાના વિરોધ, ભૂત-પ્રેતના સરઘસ, મશાલ સરઘસ તેમજ સ્મશાનના ખાટલે ચા, વડા-ભજીયા અને નાસ્તો આરોગી વૈજ્ઞાનિક અભિગમનો સંદેશ આપવામાં આવ્યો હતો.

પડધરી તાલુકાના તરઘડી ગામે રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. કાર્યક્રમમાં મેલીવિદ્યાની નનામીનું મશાલ સરઘસ અને ભૂત-પ્રેતના સરઘસે લોકોમાં વિશેષ આકર્ષણ જમાવ્યું હતું. તાલુકા પંચાયતના પ્રમુખ મનસુખભાઈ ભંડેરી, સરપંચ હિરેન મોલીયા, પૂર્વ સરપંચ ઘેલાભાઈ ઝાપડા, રમેશભાઈ હાપલીયા, મનસુખભાઈ રંગાણી, ન્યાય સમિતિના ચેરમેન સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સૌએ અંધશ્રદ્ધા સામે સામૂહિક જાગૃતિ લાવવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.

સ્મશાનના ખાટલે ચા, વડા, ભજીયા અને નાસ્તો આરોગીને લોકોએ સ્મશાન અંગેના ભય અને અંધશ્રદ્ધાને પડકાર્યા હતા. સમગ્ર ગ્રામજનોએ ચાર ચોકમાં કુંડાળા કરવાની પરંપરાને સામૂહિક રીતે તિલાંજલિ આપી હતી. ગામના આગેવાન સંજયભાઈ મોલીયાએ જણાવ્યું હતું કે અંધશ્રદ્ધાથી માનવજાતને નુકસાન થાય છે, તેથી તેને દૂર કરવા સૌએ સહિયારો પ્રયાસ કરવો જોઈએ. આ વિચાર સાથે સમગ્ર ગામ જાથાની ઝુંબેશમાં જોડાયું હતું.

જાથાના રાજ્ય ચેરમેન અને એડવોકેટ જયંત પંડયાએ જણાવ્યું હતું કે ૩૪મા વર્ષે રાજ્યના ૧૧૧૩ નગરોમાં કાળીચૌદશની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. લોકો પરિવાર સાથે સ્વયંભૂ સ્મશાનમાં જોડાયા હતા અને વૈજ્ઞાનિક અભિગમનો પરિચય આપ્યો હતો. રાજ્યના ઉજવણી સ્થળોએ એકપણ તાંત્રિક, માંત્રિક, સાધક કે ઉપાસક સાધના કરવા માટે હાજર થયો ન હતો. મેલીવિદ્યાથી કોઈનું નુકસાન થઈ શકે છે તેવી માન્યતાઓનો ભય દૂર કરી લોકોને લેભાગુ તત્ત્વોથી સાવધાન રહેવાની અપીલ કરવામાં આવી હતી.

જયંત પંડયાએ વધુમાં જણાવ્યું હતું કે સદીઓથી ચાલતી અંધશ્રદ્ધા, કર્મકાંડ અને ક્રિયાકાંડોથી માનવીની પ્રગતિ અવરોધાય છે. વિજ્ઞાને અનેક રહસ્યો ઉકેલી માનવજાતને જ્ઞાન અને પ્રગતિના નવા માર્ગો આપ્યા છે. ચંદ્ર અને મંગળ સુધી પહોંચવાની સિદ્ધિઓ હાંસલ કરનાર માનવીએ ૨૧મી સદીને અનુરૂપ વૈજ્ઞાનિક અને વાસ્તવવાદી અભિગમ અપનાવવો જોઈએ. ગ્રહો માનવીના જીવન અને ભાગ્યને નિયંત્રિત કરે છે તેવી માન્યતાઓ વૈજ્ઞાનિક આધાર ધરાવતી નથી. મૃત્યુ પામેલા વ્યક્તિઓથી નડતર થતું હોવાની માન્યતાઓ પણ નિરાધાર છે.

તેમણે જણાવ્યું હતું કે મેલીવિદ્યાની નનામીને અગ્નિદાહ આપી, સ્મશાનમાં મશાલ સરઘસ યોજી અને કકડાટના વડા ચાર ચોકમાં મૂકવાની કુપ્રથાને સામૂહિક રીતે તિલાંજલિ આપી લોકોએ અંધશ્રદ્ધા સામે મજબૂત સંદેશ આપ્યો હતો. કેટલાક સ્મશાનમાં રોશની કરી દિવાળીની ઉજવણી પણ કરવામાં આવી હતી. લોકો હવે અંધશ્રદ્ધા અને બિનજરૂરી વિધિ-વિધાનોથી દૂર રહી જાગૃત બનવાની જરૂરિયાત અનુભવી રહ્યા છે.

રાજ્યના વિવિધ જિલ્લાઓમાં રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, વાવ-થરાદ, ખેડા, આણંદ, નડિયાદ, વડોદરા, ભરૂચ, અંકલેશ્વર, સુરત, નવસારી, વલસાડ, વાપી, મોરબી, ભુજ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, બોટાદ, ભાવનગર, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, છોટા ઉદેપુર, ડાંગ, તાપી, દાહોદ સહિત અનેક જિલ્લાઓના ગામો અને તાલુકા મથકોમાં કાર્યક્રમો યોજાયા હતા. સ્મશાનનો ભય દૂર કરવા અને વૈજ્ઞાનિક વિચારધારા પ્રસરાવવા જાગૃત નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

કાર્યક્રમ દરમિયાન મિમિક્રી આર્ટિસ્ટ ઉમેશ રાવે મશાલ સરઘસ અને ચમત્કારિક પ્રયોગોનું નિદર્શન કર્યું હતું. ભાનુબેન શેઠીયાએ માથા ઉપર સગડી રાખી આબેહૂબ પ્રયોગનું નિદર્શન કર્યું હતું. જાથાના દિનેશ હુંબલ, નિર્ભય જોશી, નાથાભાઈ પીપળીયા, રાજુભાઈ યાદવ, વિનોદ વામજા, નિર્મળ મેત્રા, અજયભાઈ શાહ, આકાશ પંડયા, જિલ પરમાર, ભક્તિબેન રાજગોર, હર્ષાબેન પંડયા, હિનાબેન પંડયા, પ્રફુલ્લાબેન રાવ, ભાનુબેન શેઠીયા સહિતના કાર્યકરોએ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

પડધરી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સહિતના પોલીસ કર્મચારીઓએ સમગ્ર કાર્યક્રમ દરમિયાન ચુસ્ત બંદોબસ્ત જાળવ્યો હતો. રાજ્યભરમાં યોજાયેલા કાર્યક્રમોમાં કોઈ અનિચ્છનીય ઘટના કે વિક્ષેપ નોંધાયો ન હતો.

અંતમાં જાથા દ્વારા લોકોને અંધશ્રદ્ધા, ધતિંગ અને લેભાગુ તત્ત્વોથી દૂર રહી વૈજ્ઞાનિક અભિગમ અપનાવવા અપીલ કરવામાં આવી હતી. આગામી ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં રાજ્યભરમાં ‘ચમત્કારોથી ચેતોઃ’ જનજાગૃતિ કાર્યક્રમ યોજવા ઇચ્છુકોએ સંસ્થાના નિયમો જાણવા માટે મો. ૯૮૨૫૨ ૧૬૬૮૯ પર સંપર્ક કરવા જણાવાયું છે.

















