મોરબી મનપાની સ્ટેન્ડિંગ કમિટીમાં વિકાસકાર્યો અંગે મહત્વના નિર્ણયો, બે ગાર્ડનનાં કામો રદ

મોરબી : મોરબી મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં શહેરના વિવિધ વિકાસકાર્યો, પ્રોજેક્ટ્સ અને વહીવટી બાબતો અંગે મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. બેઠકમાં અગાઉ મંજૂર થયેલા બે ગાર્ડનનાં કામો રદ કરવા તેમજ મણિમંદિર ખાતે મંજૂર 3D પ્રોજેક્ટના વિકલ્પરૂપે નવી થીમ આધારિત આકર્ષણ ઊભું કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મલય જયંતીભાઈ પડસુંબીએ જણાવ્યું હતું કે, અગાઉના વહીવટી સમયગાળા દરમિયાન ભક્તિનગર સર્કલ પાસે એલ.ઈ. રોડ કોલેજ નજીક તેમજ અગ્નેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં બે ગાર્ડન બનાવવાના કામો મંજૂર કરવામાં આવ્યા હતા. જોકે, બંને સ્થળોની પરિસ્થિતિ અને લોકેશનની સમીક્ષા કર્યા બાદ આ ગાર્ડનનાં કામો રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

મણિમંદિરની બહારના વિસ્તારમાં અંદાજે રૂ. 2.35 કરોડના ખર્ચે 3D પ્રોજેક્ટ મંજૂર કરવામાં આવ્યો હતો. જોકે, આ પ્રોજેક્ટને બદલે કોઈ નવી અને આકર્ષક થીમ આધારિત સુવિધા ઊભી કરવા માટે સંબંધિત વિભાગને વૈકલ્પિક પ્રોજેક્ટ તૈયાર કરવાની સૂચના આપવામાં આવી છે.

આ ઉપરાંત, શહેરમાં 10 દિવસ માટે યોજાનારા સ્વદેશી મેળામાં સ્ટોલ, ભાડા સહિતની વિવિધ વ્યવસ્થાઓ માટે એસઓઆરના ભાવ મુજબ કામગીરી હાથ ધરવામાં આવી છે. આ આયોજન માટે અંદાજે રૂ. 32 લાખના ખર્ચને મંજૂરી આપવામાં આવી હતી.

બેઠકમાં મહાનગરપાલિકાના કોમર્શિયલ વિભાગના ‘એ’ ગ્રેડ હેઠળ આવતા કેટલાક વિસ્તારોના પ્રશ્નો અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. શહેરની સફાઈ કામગીરી માટે 150 સફાઈ કર્મચારીઓ પૂરા પાડતી સંસ્થાની મુદત પૂર્ણ થતાં નવા ટેન્ડર પ્રક્રિયામાં એલ-1 ભાવ આપનાર બે સંસ્થાઓને કામગીરી સોંપવા અંગે વર્ક ઓર્ડરની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

મહાનગરપાલિકાની આ બેઠકમાં શહેરના વિકાસ, નાગરિક સુવિધાઓ અને વહીવટી કામગીરીને લગતા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી જરૂરી નિર્ણયો લેવામાં આવ્યા હતા.