રાજકોટના જીવનનગરમાં તુલસી વિવાહ ભાવપૂર્ણ રીતે સંપન્ન, પર્યાવરણ સંરક્ષણનો સંદેશ અપાયો

માનવતાલક્ષી પ્રવૃત્તિઓ બદલ મહાદેવધામની પ્રશંસા, તુલસી વિવાહમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા

અમદાવાદ : જીવનનગર વિકાસ સમિતિ, રામેશ્વર મહાદેવ મંદિર, મહાદેવધામ સમિતિ, વોર્ડ નં. ૧૦ જાગૃત નાગરિક મંડળ અને મહિલા સત્સંગ મંડળના સંયુક્ત ઉપક્રમે રાજકોટના જીવનનગર ખાતે તુલસી વિવાહનું ધાર્મિક અને ભાવસભર આયોજન કરવામાં આવ્યું હતું. મંદિરના પટાંગણમાં યોજાયેલા આ પ્રસંગે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા. ધાર્મિક વિધિ સાથે પર્યાવરણ સંરક્ષણ, વૃક્ષોનું જતન અને માનવતાલક્ષી સેવાકાર્યોનો સંદેશ આપવામાં આવ્યો હતો.

તુલસી વિવાહ પ્રસંગે મંગલદીપ પ્રાગટ્ય ધારાસભ્ય ડૉ. દર્શિતાબેન શાહના હસ્તે કરવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ભગવાન ઠાકોરજીના વિવાહની પરંપરા સમાજને પર્યાવરણની રક્ષા અને પ્રકૃતિ પ્રત્યેની જવાબદારીનો ઉદાત્ત સંદેશ આપે છે. તુલસી વિવાહ ભારતીય સંસ્કૃતિ અને શ્રદ્ધાની આગવી ઓળખ છે. તેમણે જીવનનગરના રહીશોને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી તેમજ જયંત પંડ્યાના નેતૃત્વમાં થઈ રહેલી કામગીરીને બિરદાવી હતી.

વોર્ડના પ્રભારી ધ્યેય દોશીએ જીવનનગર સમિતિના સર્વાંગી કાર્યોની પ્રશંસા કરી મહિલા મંડળને અભિનંદન પાઠવ્યા હતા. નગરસેવિકા નીતાબેન લાલે મહાદેવધામની પ્રવૃત્તિઓ માનવતાલક્ષી અને સેવાભાવનાથી પ્રેરિત હોવાનું જણાવી વિવિધ સામાજિક કાર્યોમાં સંસ્થાની ભૂમિકાને બિરદાવી હતી. વોર્ડના મહામંત્રી મનિષભાઈ દેડકીયાએ નૂતન વર્ષ નિમિત્તે સરકારની વિવિધ યોજનાઓ અંગે માહિતી આપી હતી.

સમિતિના પ્રમુખ એડવોકેટ જયંત પંડ્યાએ તુલસી વિવાહની વિધિ-વિધાન અને ધાર્મિક પરંપરાના મહત્ત્વ અંગે જણાવ્યું હતું કે, પર્યાવરણનું જતન કરવું દરેક નાગરિકની ફરજ છે. વૃક્ષો માનવજીવન માટે જરૂરી ઓક્સિજન પૂરો પાડે છે, તેથી પ્રકૃતિનું સંરક્ષણ અને વૃક્ષોનું જતન રાષ્ટ્રહિત સાથે જોડાયેલી જવાબદારી છે.

આ પ્રસંગે મહાદેવધામ મહિલા મંડળના વ્યવસ્થાપક સુનિતાબેન વ્યાસ, શોભનાબેન ભાણવડિયા, યોગિતાબેન જોબનપુત્રા, હર્ષાબેન પંડ્યા, ભારતીબેન ગંગદેવ, નેહાબેન મહેતા, ભક્તિબેન ખખ્ખર, કીર્તિબેન કગથરા અને ભારતીબેન રાવલનું ધારાસભ્ય ડૉ. દર્શિતાબેન શાહના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.

પુનમબેન આકાશભાઈ સોલંકી અને પ્રિયંકા હિરેનભાઈ પીઠડીયાએ પૂજનવિધિમાં ભાગ લીધો હતો. મહામંત્રી મનિષભાઈ દેડકીયા, દર્શિતભાઈ જોષી, વિનોદરાય ભટ્ટ, પાર્થ ગોહેલ, નગરસેવિકા નીતાબેન લાલ અને વોર્ડ પ્રભારી ધ્યેય દોશીએ આરતીમાં ભાગ લીધો હતો.

તુલસી વિવાહ પ્રસંગે જીવનનગર, જ્ઞાનજીવન, દેશળદેવ પરા, અમી પાર્ક, શિવ પરા, બ્રહ્મસમાજ, તિરૂપતિનગર તેમજ રૈયા–વાજડી ગામ સહિતના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન સુનિતાબેન વ્યાસ, નેહાબેન મહેતા, પાર્થ ગોહેલ અને વિનોદરાય ભટ્ટે સફળતાપૂર્વક કર્યું હતું. આ પ્રસંગે મહિલા મંડળ દ્વારા આગામી સમયમાં દ્વારકા અને સોમનાથ યાત્રાનું આયોજન કરવાની જાહેરાત પણ કરવામાં આવી હતી.

તસવીરોમાં જીવનનગર ખાતે યોજાયેલા તુલસી વિવાહ પ્રસંગે ધાર્મિક વિધિ, મહિલા મંડળના સન્માન અને ભાજપના હોદ્દેદારો વિવિધ તસવીરોમાં નજરે પડે છે.