ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા દેશમાં ₹10 અને ₹20ની પોલિમર (પ્લાસ્ટિક આધારિત) ચલણી નોટો રજૂ કરવા માટે ટ્રાયલ પ્રોજેક્ટ શરૂ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. આ નવી નોટો આગામી નાણાકીય વર્ષના પ્રારંભ એટલે કે 1 એપ્રિલ 2027થી બજારમાં ઉપલબ્ધ કરાવવાની યોજના હોવાનું અહેવાલમાં જણાવાયું છે.

ટ્રાયલ અંતર્ગત ₹10 અને ₹20ની એક-એક અબજ નોટ, એટલે કુલ 200 કરોડ પોલિમર નોટો બજારમાં મૂકવાની યોજના છે. આ માટે RBIની સંપૂર્ણ માલિકીની સહાયક કંપની દ્વારા વૈશ્વિક સ્તરે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હોવાનું જણાવાયું છે.

પોલિમર નોટોની મુખ્ય વિશેષતા તેમનું લાંબું આયુષ્ય, વધુ ટકાઉપણું અને સુરક્ષા છે. કાગળની નોટો વારંવારના ઉપયોગને કારણે ઝડપથી ફાટી જતી, ભીની થતી કે ખરાબ થતી હોય છે, જ્યારે પોલિમર નોટો લાંબા સમય સુધી ઉપયોગમાં લઈ શકાય તેવી ક્ષમતા ધરાવે છે. અહેવાલ મુજબ, કેટલીક દેશોમાં પોલિમર નોટો 30 વર્ષથી વધુ સમય સુધી ટકી હોવાના ઉદાહરણો પણ જોવા મળ્યા છે.

નવી નોટો રજૂ કરવામાં આવશે ત્યારે હાલની નોટોના કદમાં કોઈ ફેરફાર કરવામાં નહીં આવે. આ નિર્ણયથી બેંકોને એટીએમ મશીનોમાં જરૂરી ફેરફાર કે રી-કન્ફિગરેશન કરાવવાનો ખર્ચ ટાળવામાં મદદ મળશે. હાલના એટીએમ માળખાને યથાવત્ રાખીને નવી નોટોનો ઉપયોગ સરળતાથી થઈ શકે તે દિશામાં RBI દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.

ખાસ નોંધનીય બાબત એ છે કે પોલિમર નોટોના ટ્રાયલ બાદ હાલની કાગળની ₹10 અને ₹20ની નોટો બંધ કરવામાં આવશે નહીં. બંને પ્રકારની નોટો એકસાથે ચલણમાં ચાલુ રહેશે. તેમજ હાલ ₹100, ₹200 અને ₹500 જેવી ઊંચી મૂલ્યની નોટોમાં પોલિમર નોટ લાવવાની કોઈ યોજના જાહેર કરવામાં આવી નથી.

પોલિમર નોટોના પ્રયોગથી નાની મૂલ્યની ચલણી નોટોની ટકાઉપણું, સુરક્ષા અને ઉપયોગિતા વધારવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. હવે આ નવી નોટો ભારતીય બજારમાં કઈ રીતે સ્થાન મેળવે છે અને સામાન્ય જનતાને તેનો કેટલો લાભ થાય છે તે જોવાનું રહેશે.





























