
તા. ૨૩/૧૧/૨૦૨૬: ખેડૂતો, ગ્રામ્ય ઉદ્યોગકારો, શ્રમિકો અને નાના વ્યવસાયકારોને નિવૃત્તિ બાદ આર્થિક સુરક્ષા પૂરી પાડવાના હેતુથી મોરબી ખાતે આગામી તા. ૨૬ નવેમ્બરના રોજ ‘એનપીએસ સંચય’ યોજનાના પ્રચાર-પ્રસાર અને જનજાગૃતિ માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ પેન્શન ફંડ રેગ્યુલેટર એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (PFRDA) તથા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) દ્વારા યોજાશે.

આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ ખેડૂતો, ખેડૂત ઉત્પાદક સંગઠનો (FPO), ગ્રામ્ય ઉદ્યોગકારો, નાના વ્યવસાયકારો, શ્રમિકો, વેપારીઓ તેમજ અસંગઠિત ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોને રાષ્ટ્રીય પેન્શન યોજના (NPS)ના લાભો અંગે માહિતગાર કરી પેન્શન વ્યવસ્થામાં જોડાવા પ્રોત્સાહિત કરવાનો છે.

સવારે ૧૦:૦૦થી બપોરે ૨:૦૦ વાગ્યા સુધી યોજાનારા કાર્યક્રમમાં ‘એનપીએસ સંચય’ યોજનાની વિશેષતાઓ, નિયમિત બચત, પેન્શન આયોજન, નિવૃત્તિ બાદ નાણાકીય સુરક્ષા તથા નોંધણી પ્રક્રિયા અંગે માર્ગદર્શન આપવામાં આવશે. સાથે જ સ્થળ પર જ પેન્શન યોજનામાં જોડાવા માટે ઓન-ધ-સ્પોટ રજિસ્ટ્રેશનની સુવિધા ઉપલબ્ધ રહેશે.

આ ઉપરાંત, બપોરે ૨:૦૦થી સાંજે ૪:૩૦ વાગ્યા સુધી PFRDA દ્વારા અધિકૃત એજન્સીના માધ્યમથી બિઝનેસ કોરસ્પોન્ડન્ટ (BC) અને કોમન સર્વિસ સેન્ટર (CSC)ના વિલેજ લેવલ એન્ટ્રપ્રિન્યોર્સ (VLE) માટે વિશેષ તાલીમ સત્ર યોજાશે. આ તાલીમમાં યોજનાની નોંધણી પ્રક્રિયા, લાભો અને ગ્રામ્ય વિસ્તારોમાં પેન્શન યોજનાનો વ્યાપ વધારવા અંગે માર્ગદર્શન આપવામાં આવશે.

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, મોરબીની લીડ બેંકના માર્ગદર્શન હેઠળ યોજાનારા આ કાર્યક્રમમાં ખેડૂતો, ગ્રામ્ય ઉદ્યોગકારો, શ્રમિકો, વેપારીઓ, BC સંવર્ગના સભ્યો, CSC VLEs તથા અન્ય સંબંધિત લોકોને ઉપસ્થિત રહી યોજનાનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.





























