
મોરબી: તાલુકાના રાજપર ગામના નવા પ્લોટ વિસ્તારમાં આવેલા એક મકાનમાં સંગ્રહ કરેલા કપાસમાં અચાનક આગ લાગતાં ભારે દોડધામ મચી ગઈ હતી. આગમાં અંદાજે 70થી 80 મણ કપાસ તેમજ બે બાઈક બળીને ખાખ થઈ ગયા હતા.

રાજપર ગામના નવા પ્લોટ વિસ્તારમાં મનસુખભાઈ લોરિયાના મકાનમાં આશરે 70થી 80 મણ કપાસનો જથ્થો સંગ્રહ કરી રાખવામાં આવ્યો હતો. દરમિયાન, આસપાસમાંથી ફટાકડાનો તણખો અથવા અન્ય કોઈ સળગતી વસ્તુ ઉડીને આવતાં કપાસમાં આગ લાગી હોવાની પ્રાથમિક આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

કપાસ જ્વલનશીલ હોવાથી આગે ગણતરીની પળોમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને મકાનમાં ધુમાડાના ગોટેગોટા ફેલાઈ ગયા હતા. આગના લબકારા જોઈ આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

બનાવની જાણ થતાં જ આસપાસના ગ્રામજનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. ગ્રામજનોની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. જોકે, આગની ઘટનામાં કપાસનો મોટો જથ્થો અને બે બાઈક બળીને નાશ પામતાં નુકસાન થયું હતું.






























