એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ માટે અભ્યાસ, સંશોધન અને ટેકનિકલ જ્ઞાનનું સમૃદ્ધ કેન્દ્ર બની લાઇબ્રેરી

મોરબી, તા. ૨૫ નવેમ્બર, ૨૦૨૬: મોરબીની લખધીરસિંહજી એન્જિનિયરિંગ (એલ.ઈ.) કોલેજમાં શૈક્ષણિક સુવિધાઓની સાથે વિદ્યાર્થીઓના જ્ઞાનવર્ધન અને સંશોધનને પ્રોત્સાહન આપવા માટે સમૃદ્ધ લાઇબ્રેરી કાર્યરત છે. કોલેજની લાઇબ્રેરીમાં ઉપલબ્ધ વિશાળ પુસ્તકસંગ્રહ વિદ્યાર્થીઓ માટે અભ્યાસની સાથે ટેકનિકલ જ્ઞાન અને સ્વઅધ્યયનનું મહત્વપૂર્ણ માધ્યમ બન્યો છે.

કોલેજના પ્રિન્સિપાલ રાજુભાઈ કે. મેવાડાએ લાઇબ્રેરીની મુલાકાત દરમિયાન તેની વિવિધ વિશેષતાઓ અને શૈક્ષણિક ઉપયોગિતા અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, કોલેજની લાઇબ્રેરીમાં અંદાજે ૪૨ હજારથી વધુ પુસ્તકોનો વિશાળ સંગ્રહ ઉપલબ્ધ છે, જેમાં એન્જિનિયરિંગ ઉપરાંત વિવિધ શૈક્ષણિક વિષયોને લગતાં પુસ્તકોનો સમાવેશ થાય છે.

લાઇબ્રેરીમાં વિદ્યાર્થીઓને અભ્યાસક્રમને અનુરૂપ પુસ્તકો ઉપરાંત ટેકનિકલ વિષયો, સંશોધન અને અન્ય શૈક્ષણિક ક્ષેત્રોનું સાહિત્ય પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. આ પુસ્તકસંગ્રહ વિદ્યાર્થીઓને વિષયનું ઊંડાણપૂર્વકનું જ્ઞાન મેળવવા, સ્વતંત્ર રીતે અભ્યાસ કરવા તેમજ સંશોધનાત્મક અભિગમ વિકસાવવામાં મદદરૂપ બને છે.

ઉલ્લેખનીય છે કે, આ કોલેજમાંથી અત્યાર સુધીમાં 15 હજારથી વધુ વિદ્યાર્થીઓ એન્જિનિયરિંગનો અભ્યાસ પૂર્ણ કરી ચૂક્યા છે. આવા વિશાળ શૈક્ષણિક વારસા સાથે કોલેજની લાઇબ્રેરી જ્ઞાનસંપદા જાળવવા અને નવી પેઢીના વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શૈક્ષણિક સંસાધનો ઉપલબ્ધ કરાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે.






























