હળવદ પાલિકાના રૂ. ૩૦ લાખના બિલ વિવાદમાં ભાજપ સંગઠન હરકતમાં, જિલ્લા પ્રમુખે તપાસની ખાતરી આપી

હળવદ પાલિકાના રૂ. ૩૦ લાખના બિલ વિવાદ અંગે નિવેદન આપતા સંબંધિત વ્યક્તિઓ

કોન્ટ્રાક્ટર દ્વારા હોદ્દેદારો સામે નાણાંની માંગણીના આક્ષેપો બાદ પ્રદેશ નેતૃત્વને જાણ : જિલ્લા ભાજપ મહામંત્રી તપન દવેનો આક્ષેપો ફગાવી નાર્કો ટેસ્ટ સહિતની તપાસનો સામનો કરવાનો પડકાર

૨૫/૧૧/૨૦૨૬: હળવદ નગરપાલિકામાં કોન્ટ્રાક્ટરના રૂ. ૩૦ લાખના બિલ અટકાવવા અને બિલ પાસ કરાવવા માટે નાણાંની માંગણી કરવામાં આવી હોવાના ગંભીર આક્ષેપોને પગલે રાજકીય માહોલ ગરમાયો છે. આ સમગ્ર મામલે મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયાએ તપાસ કરવાની ખાતરી આપતાં જણાવ્યું હતું કે, આ અંગે તેમની કક્ષાએ તપાસ ચાલી રહી છે અને પ્રદેશ ભાજપના નેતૃત્વને પણ સમગ્ર ઘટનાથી વાકેફ કરવામાં આવ્યું છે.

જિલ્લા પ્રમુખના જણાવ્યા મુજબ, સંબંધિત કોન્ટ્રાક્ટરે રૂબરૂ મુલાકાત લઈને લેખિત રજૂઆત કરી છે. જેમાં કામગીરી પૂર્ણ કરવા છતાં બિલો મંજૂર કરવામાં આવતા ન હોવા અને નાણાં આપ્યા બાદ જ બિલ પાસ કરવાની માંગણી થતી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, અગાઉ પણ હળવદ નગરપાલિકાના પ્રમુખના પતિ વિશાલભાઈ તથા જિલ્લા ભાજપ મહામંત્રી તપનભાઈ દવે અંગે છૂટીછવાઈ ફરિયાદો મળી હતી. તપાસ પૂર્ણ થયા બાદ હકીકતોના આધારે પ્રદેશ મોવડીમંડળ દ્વારા યોગ્ય નિર્ણય લેવામાં આવશે.

શું છે કોન્ટ્રાક્ટરના આક્ષેપો?: હળવદ નગરપાલિકામાં વર્ષ ૨૦૧૨થી ડ્રેનેજ મેન્ટેનન્સની કામગીરી કરતા કોન્ટ્રાક્ટર અલ્પેશ જનકપુરી ગોસાઈએ આક્ષેપ કર્યો છે કે, ભૂગર્ભ ગટર મેન્ટેનન્સ, મેનહોલ રિપેરિંગ અને લેગસી વેસ્ટની કામગીરી સંપૂર્ણ પૂર્ણ કરી હોવા છતાં છેલ્લા છ મહિનાથી તેમના રૂ. ૩૦ લાખના બિલ અટકાવી રાખવામાં આવ્યા છે.

કોન્ટ્રાક્ટરના જણાવ્યા અનુસાર, નગરપાલિકા પ્રમુખના પતિ વિશાલભાઈ અને જિલ્લા ભાજપ મહામંત્રી તપનભાઈ દવે દ્વારા નાણાંની અપેક્ષા રાખવામાં આવી હતી અને તે પૂર્ણ ન થતાં બિલોની ચુકવણી અટકાવવામાં આવી છે. આ મામલે રાજકોટ આર.સી.એમ. કચેરીમાં રજૂઆત કર્યા બાદ પણ ઉકેલ ન આવતાં તેમણે ગાંધીનગર સ્થિત પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ્ ખાતે પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી સમક્ષ પુરાવા સાથે રજૂઆત કરી ન્યાયની માંગ કરી છે.

તપન દવેએ આક્ષેપોને પાયાવિહોણા ગણાવી તપાસનો પડકાર ફેંક્યો: બીજી તરફ, સમગ્ર વિવાદમાં નામ સામે આવતાં જિલ્લા ભાજપ મહામંત્રી તપન દવેએ તમામ આક્ષેપોને સદંતર ખોટા અને પાયાવિહોણા ગણાવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, તેઓ સત્ય બહાર લાવવા માટે FSL અથવા નાર્કો ટેસ્ટ કરાવવા તૈયાર છે અને તેનો તમામ ખર્ચ પોતે ભોગવશે. જાહેરમાં હજારો લોકોની હાજરીમાં તપાસ કરવામાં આવે અને જો એક પણ રૂપિયાનો ભ્રષ્ટાચાર સાબિત થાય તો જાહેર જીવન છોડી દેવાની પણ તેમણે જાહેરાત કરી હતી.

તપન દવેએ વધુમાં જણાવ્યું હતું કે, ૨૧ વર્ષની ઉંમરથી નગરપાલિકાના સભ્ય તરીકે અને વિવિધ સમિતિઓના ચેરમેન તરીકે જવાબદારી નિભાવતી વખતે તેમણે ક્યારેય પાલિકાનો આઈસ્ક્રીમ કે નાસ્તો પણ લીધો નથી. તેમણે આધ્યાત્મિક શપથ સાથે પોતાની નિર્દોષતા વ્યક્ત કરી હતી.

કોન્ટ્રાક્ટરને ACBમાં ફરિયાદ કરવા ખુલ્લો પડકાર: તપન દવેએ કોન્ટ્રાક્ટરને પડકાર ફેંકતાં જણાવ્યું હતું કે, જો તેમની સામેના આક્ષેપો સાચા હોય તો મીડિયા સમક્ષ સામસામે બેસીને ક્યારે, ક્યાં અને કેટલી રકમની માંગણી કરવામાં આવી હતી તે સ્પષ્ટ કરે. તેમણે કોન્ટ્રાક્ટરનો પણ નાર્કો ટેસ્ટ કરાવવાની તૈયારી દર્શાવી હતી અને અન્ય કચેરીઓમાં રજૂઆત કરવાને બદલે સીધી એન્ટી કરપ્શન બ્યુરો (ACB)માં ફરિયાદ નોંધાવવા જણાવ્યું હતું. તપાસ એજન્સી દ્વારા કરવામાં આવતી કોઈપણ કાયદેસરની તપાસમાં સામાન્ય નાગરિક તરીકે સંપૂર્ણ સહકાર આપવાની ખાતરી પણ આપી હતી.

બિલ અટકાવવા પાછળ ખાતર જમા ન કરાવ્યાનો દાવો: બિલોની ચુકવણી અટકાવવા અંગે પોતાનો પક્ષ રજૂ કરતાં તપન દવેએ જણાવ્યું હતું કે, કોન્ટ્રાક્ટરે કામગીરી દરમિયાન નીકળેલું ખાતર નગરપાલિકામાં જમા કરાવવાનું હતું, પરંતુ તે જમા કરાવવામાં આવ્યું નહોતું. આ બાબતે સેનિટેશન ચેરમેન અને સ્થાનિક સભ્યો દ્વારા પાલિકાની બોડી તેમજ સંગઠનનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. ત્યારબાદ બોડી દ્વારા ગેરરીતિ ચલાવી ન લેવાના નિર્ણય સાથે બિલ મંજૂર ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું.

તેમણે ઉમેર્યું હતું કે, સંગઠન દ્વારા પણ કામગીરી નિયમ મુજબ થઈ હોય તો બિલ ચૂકવવા અને કોઈ ગેરરીતિ જણાય તો નિયમોનુસાર કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. પ્રદેશ ભાજપ દ્વારા માંગવામાં આવેલી વિગતોનો સાચો અહેવાલ મોકલી આપ્યો હોવાનું જણાવી તેમણે પાલિકા પ્રમુખ ફોરમબેન વિશાલભાઈ રાવલ અને નગરપાલિકાની બોડીની કામગીરીનો બચાવ કર્યો હતો. જ્યારે કારોબારી ચેરમેનના રાજીનામા અંગે તેમને માત્ર મીડિયા મારફતે જાણ થઈ હોવાનું અને રાજીનામું હજુ સુધી સંગઠન સુધી પહોંચ્યું ન હોવાનું પણ જણાવ્યું હતું. હાલ સમગ્ર મામલે બંને પક્ષે સામસામે આક્ષેપો અને ખુલાસાઓ થતાં હવે જિલ્લા ભાજપ તથા પ્રદેશ નેતૃત્વની તપાસમાં શું હકીકત બહાર આવે છે અને આગળ કેવા પગલાં લેવામાં આવે છે તેના પર સૌની નજર મંડાઈ છે.