મોરબી: વિરપર નજીક કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ દ્વારા સંચાલિત ઉમા સંસ્કારધામના દ્વિતીય પાટોત્સવ નિમિત્તે ધાર્મિક, સામાજિક અને સેવાકીય કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ૧૧ કુંડી યજ્ઞ, જપ-તપ યજ્ઞ, સત્સંગ અને સ્નેહમિલન સહિતના કાર્યક્રમો યોજાયા હતા. આ પ્રસંગે વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર સિદ્ધિ મેળવનારા ૨૬૦ જેટલા પ્રતિભાશાળીઓ તથા સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિઓમાં યોગદાન આપનારા ૨૫૦ જેટલા દાતાઓનું સન્માન કરાયું હતું.

નવેમ્બર ૨૦૨૫થી નવેમ્બર ૨૦૨૬ દરમિયાન સરકારી સેવામાં તલાટીથી ક્લાસ-૧ સુધીના હોદ્દા પર નિયુક્તિ મેળવનારા, ગ્રેજ્યુએશન, પી.જી. અને માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કરનારા તેમજ રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ વિશિષ્ટ સિદ્ધિઓ હાંસલ કરનારા પ્રતિભાશાળીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.
બપોરના સત્રમાં ભચાઉ-કચ્છ આશ્રમના સંન્યાસી આત્માનંદજી દ્વારા સત્સંગ યોજાયો હતો. વિરપર-લીલાપર રોડને જિલ્લા પંચાયત દ્વારા ઓ.આર. પટેલ માર્ગ નામ આપવામાં આવતાં, અજંતા-ઓરેવા ગ્રુપના સૌજન્યથી નિર્મિત સર્કલ ખાતે ઓ.આર. પટેલની પ્રતિમાનું અનાવરણ પણ કરવામાં આવ્યું હતું.
સાંજના સ્નેહમિલન કાર્યક્રમમાં ઉમા સંસ્કારધામ દ્વારા વર્ષ દરમિયાન હાથ ધરાતી સેવાકીય અને શૈક્ષણિક પ્રવૃત્તિઓની વિસ્તૃત માહિતી રજૂ કરવામાં આવી હતી. ઉમા આદર્શ લગ્ન પ્રકલ્પે પ્રથમ વર્ષમાં જ ૫૫૦ જેટલા લગ્નો યોજીને નોંધપાત્ર સફળતા મેળવી છે. આ સફળતાથી પ્રેરાઈને અન્ય જિલ્લાઓમાં પણ આ જ પદ્ધતિથી લગ્નોનું આયોજન થઈ રહ્યું છે.
ઉમા સંસ્કારધામના ઉમા હોલમાં લગ્ન પ્રસંગો અને રાંદલ ઉત્સવ સહિતના કાર્યક્રમો યોજાય છે. તેમાંથી પ્રાપ્ત આવકનો ઉપયોગ ઉમા આદર્શ લગ્ન પ્રકલ્પમાં કરવામાં આવે છે. સંસ્થા દ્વારા ૩૬ જેટલા એ.સી. રૂમ ધરાવતું ગેસ્ટ હાઉસ, રાહતદરે દવાઓ આપતો ઉમા મેડિકલ સ્ટોર, રાહતદરે રિપોર્ટની સુવિધા આપતી ઉમા લેબોરેટરી, રાહતદરે સારવાર આપતું ઉમા ક્લિનિક અને ઉમા રંગભવન જેવી સુવિધાઓ પણ કાર્યરત છે. કોરોના કાળ દરમિયાન સંસ્થા દ્વારા ૨૦૦૦ જેટલા દર્દીઓની સેવા-સુશ્રુષા કરવામાં આવી હતી.
દીકરીઓની સુરક્ષિત નિવાસ વ્યવસ્થાને પ્રાધાન્ય આપતાં અમદાવાદ ખાતે પ્રાઇમ લોકેશનમાં ૧૪૦ દીકરીઓ રહી શકે તેવી આધુનિક હોસ્ટેલનું નિર્માણ કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં ૭૦૦ દીકરા-દીકરીઓની નિવાસ વ્યવસ્થા થઈ શકે તેવા છાત્રાલયનું નિર્માણકાર્ય પણ પ્રગતિ હેઠળ છે.
યુવાનોને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે માર્ગદર્શન અને તાલીમ આપવા પાટીદાર કેરિયર એકેડમી કાર્યરત છે, જ્યાં અનેક વિદ્યાર્થીઓએ વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપી છે. ઇમ્પોર્ટ-એક્સપોર્ટ, બ્યુટી પાર્લર અને બેઝિક કમ્પ્યુટર તાલીમ જેવા અભ્યાસક્રમોનો પણ ભાઈ-બહેનોએ લાભ લીધો છે. સંસ્થામાં ધોરણ-૯થી સ્નાતક અને અનુસ્નાતક કક્ષા સુધી સર્વ સમાજની ૭૦૦૦ જેટલી દીકરીઓ અભ્યાસ કરી રહી છે.
સામાન્ય નાગરિકોને સરકારી યોજનાઓનો લાભ સરળતાથી મળે તે માટે પાટીદાર જનસેવા કેન્દ્ર દ્વારા વિવિધ યોજનાઓનાં ફોર્મ ભરવા સહિતની સેવાઓ અપાય છે. સંસ્થા દ્વારા સેવાકીય પ્રવૃત્તિઓ, સામાજિક ઉત્થાનના લેખો, પ્રેરક પ્રસંગો, વિશિષ્ટ પ્રતિભાઓ અને પાટીદાર સમાજની સંસ્થાઓનો પરિચય કરાવતો ‘ઉમા સંસ્કાર દર્શન’ નામનો ત્રિમાસિક અંક પણ પ્રકાશિત થાય છે.
કાર્યક્રમના પ્રારંભે દિનેશભાઈ વડસોલાએ સંસ્થાની કામગીરી અને વિકાસયાત્રાની માહિતી આપી વિવિધ સેવાકીય પ્રકલ્પોના હેતુ, જરૂરિયાત અને પરિણામો અંગે આંકડાકીય વિગતો રજૂ કરી હતી. આ પ્રસંગે ઉમિયા ધામ સિદસર તેમજ અમદાવાદથી અખિલ ભારતીય પાટીદાર સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી પરષોત્તમભાઈ રૂપાલા, પૂર્વ કેન્દ્રીય મંત્રી મોહનભાઈ કુંડારિયા, જેરામભાઈ વાંસજાળિયા, જયસુખભાઈ પટેલ, પ્રકાશભાઈ વરમોરા, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા, ગુજરાત સરકારના મંત્રી કાંતિભાઈ અમૃતિયા, પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા અને પૂર્વ મંત્રી જયંતિભાઈ કવાડિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિઓની પ્રશંસા કરી હતી.
સંસ્થાના વિવિધ સેવાકીય પ્રકલ્પોમાં આર્થિક સહયોગ આપનારા ૨૫૦ જેટલા દાતાઓનું મહાનુભાવોના હસ્તે સન્માન કરાયું હતું. મોટિવેશનલ સ્પીકર શૈલેષ સગપરિયાએ પોતાની આગવી શૈલીમાં સંસ્થાની પ્રવૃત્તિઓની માહિતી આપતાં અમદાવાદ ખાતે દીકરા-દીકરીઓ માટે સુરક્ષિત હોસ્ટેલની વધતી જરૂરિયાત અંગે પ્રેરક વિચારો રજૂ કર્યા હતા.
સમગ્ર કાર્યક્રમમાં મોરબી જિલ્લાના કડવા પાટીદાર પરિવારના શ્રેષ્ઠીઓ, સમાજના દાતાઓ, વિવિધ પાટીદાર સંસ્થાઓના અગ્રણીઓ, સિરામિક એસોસિએશનના અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા. અંતે જયસુખભાઈ પટેલના સૌજન્યથી આયોજિત મહાપ્રસાદનો ઉપસ્થિત સૌએ લાભ લીધો હતો. પાટોત્સવના આયોજનને સફળ બનાવવા કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળના તમામ ટ્રસ્ટીઓ અને સમાજના કાર્યકરોએ સંયુક્ત પ્રયાસો કર્યા હતા.







