25 ટકા એલપીજી અમેરિકાથી આયાત કરશે ભારત !

ટૂંક: સમયમાં ટેન્ડર બહાર પાડવામાં આવે તેવી શક્યતા: ખાડી દેશો ઉપર નિર્ભરતા ઘટાડવા માટે પગલું : નવી દિલ્હી, તા.28: રાંધણગેસ-એલપીજી માટે ખાડી દેશો ઉપરની નિર્ભરતા ઘટાડવા ભારત અમેરિકાથી એલપીજીની આયાત વધારવા વિચારણા કરી રહ્યું છે. અહેવાલો ભારત વર્ષ 2027માં અન્ય દેશો પાસેથી ખરીદવામાં આવનાર એલપીજીમાંથી લગભગ ચોથો ભાગ (2પ ટકા) અમેરિકા પાસેથી આયાત કરવાની યોજના બનાવી રહ્યું છે. ભારતની સરકારી રિફાઇનરી કંપનીઓ ઇન્ડિયન ઓઇલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ આગામી એક-બે મહિનામાં વર્ષ 2027 માટે અમેરિકાથી એલપીજી પુરવઠો મેળવવા માટે ટેન્ડર બહાર પાડી શકે છે.

સૂત્રોનાં હવાલેથી આવતાં અહેવાલ અનુસાર એલપીજીની ખરીદી અંગે ચર્ચા કરવા માટે આ કંપનીઓનું એક પ્રતિનિધિમંડળ આગામી મહિને અમેરિકા જઈ શકે છે. ભારતે નજીકના ભવિષ્યમાં અમેરિકાથી ઊર્જાની ખરીદી 10 અબજ ડોલરથી વધારીને 25 અબજ ડોલર કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. બંને દેશો વર્ષ 2030 સુધીમાં દ્વિપક્ષીય વેપારને 500 અબજ ડોલર સુધી પહોંચાડવા માટે સંમત થયા છે.