
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ દેશના લોકોને સોનાની ખરીદી એક વર્ષ માટે મુલત્વી રાખવા કરેલી અપીલથી સરકાર સોનાની આયાતને ઘટાડવા કોઈ પ્રકારના પગલા લેવા જઈ રહી છે તેવા સંકેત છે. ખાસ કરીને ભારતનો જવેલરી ઉદ્યોગ રૂા.0.51 લાખ કરોડનો છે અને તે લાખો લોકોને રોજગારી આપે છે.

ભારત એ દુનિયાનો બીજા નંબરનો સોનાનો વપરાશકાર દેશ છે. જયારે ચાંદીમાં તે પ્રથમ ક્રમે છે પણ તે મોટાભાગે લગભગ પુરૂ ક્ષેત્ર આયાત પર નિર્ભર છે તથા ક્રુડતેલ અને સોનુ એ ભારતના આયાત બિલને સૌથી વધુ હિસ્સો ધરાવે છે.

ભારતમાં સોના પર આયાત જકાત 6% છે અને જીએસટી 3% છે. સરકારે સ્પષ્ટતા કરી છે કે આ આયાત જકાત વધારવા કોઈ યોજના નથી. જો કે સરકારને ભય છે કે જો આયાત જકાત વધુ ઉંચી 15% લઈ જવાય તો સોનાની દાણચોરી વધી જશે.

સોના ઉંચા ભાવના કારણે જે થોડુ ઘણું દાણચોરીથી પ્રવેશે છે તે વધી જશે. બીજી તરફ સરકારે એ સ્પષ્ટતા કરી છે કે ભારતીયો માટે વિદેશ નાણા લઈ જવાની જે 2.50 લાખ ડોલર (રૂા.2.10 કરોડ અંદાજે) છુટ છે તેમાં પણ કોઈ બદલાવની હાલ કોઈ યોજના નથી.

સરકાર માને છે કે, આ પ્રકારના કોઈ પગલા યોગ્ય સંકેત આપશે નહી. જો રોકાણકાર તેનું ભંડોળ વિદેશ લઈ જઈ શકે નહી તો શા માટે ભારતમાં રોકાણ કરે તે પ્રશ્ન સર્જાઈ શકે છે. ઉપરાંત દુનિયામાં મિલ્કતોના ભાવ ઘટયા છે તેનો લાભ ભારતીયોને મળે છે તે છીનવાશે નહી.
























