
મોરબી : જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતના નવ નિયુક્ત પદાધિકારીઓ અને સભ્યો માટે જિલ્લા કક્ષાએ એક દિવસીય ક્ષમતા નિર્માણ (Capacity Building) તાલીમ કાર્યક્રમનું આયોજન રાજ્યના ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ રાજ્યમંત્રી તથા મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી ત્રીકમભાઈ છાંગાની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું. તાલીમનો મુખ્ય હેતુ ચૂંટાયેલા પ્રતિનિધિઓને પંચાયતી રાજ વ્યવસ્થા, તેમની ભૂમિકા, સત્તાઓ, જવાબદારીઓ, વિકાસલક્ષી યોજનાઓના અસરકારક અમલીકરણ તેમજ સુશાસન અંગે માર્ગદર્શન પૂરું પાડવાનો હતો.

ત્રીકમભાઈ છાંગાએ પોતાના માર્ગદર્શનમાં જણાવ્યું હતું કે તાલીમથી પ્રતિનિધિઓમાં વિકાસલક્ષી દ્રષ્ટિકોણ વિકસે છે અને ભવિષ્યમાં ઉભા થતા પ્રશ્નોના અસરકારક નિરાકરણ માટે આત્મવિશ્વાસ અને પ્રેરણા મળે છે. તેમણે તમામ નવા ચૂંટાયેલા પ્રતિનિધિઓને પંચાયત ધારા અંગે વિસ્તૃત અભ્યાસ કરવા તેમજ તેના નિયમોનું વાંચન કરવાની સલાહ આપી હતી.

તેમણે મુખ્યમંત્રીના માર્ગદર્શનનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે દરેક વિકાસકાર્યમાં ગુણવત્તા જાળવવી, કામગીરીની પૂર્ણતા સુનિશ્ચિત કરવી તેમજ જનહિતને કેન્દ્રસ્થાને રાખી પારદર્શક અને ગુણવત્તાસભર વિકાસકાર્યો હાથ ધરવા જરૂરી છે.

કાર્યક્રમ દરમિયાન પંચાયતના વિવિધ વિભાગોના અધિકારીઓ દ્વારા પૂર્ણ થયેલા તેમજ પ્રગતિ હેઠળના વિકાસકાર્યોની માહિતી રજૂ કરવામાં આવી હતી. સાથે જ ખેડૂતો અને ગ્રામજનોને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો મહત્તમ લાભ મળે તે માટે પ્રતિનિધિઓએ સક્રિય ભૂમિકા ભજવવાની અપીલ કરવામાં આવી હતી. મોરબી જિલ્લાના સર્વાંગી વિકાસ માટે તમામ પ્રતિનિધિઓએ ટીમભાવના સાથે કાર્ય કરવાની જરૂરિયાત પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો.

તાલીમ દરમિયાન પંચાયતી રાજ વ્યવસ્થાનો પરિચય, જિલ્લા તથા તાલુકા પંચાયતના પદાધિકારીઓની જવાબદારીઓ, ગ્રામસભાનું મહત્વ, ગ્રામ વિકાસ યોજનાઓ, ગ્રામ પંચાયત વિકાસ યોજના (GPDP), 16મા નાણાપંચની જોગવાઈઓ, ઇ-ગ્રામ સ્વરાજ પોર્ટલ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, નાણાકીય વ્યવસ્થાપન, પારદર્શિતા, સુશાસન તથા જનભાગીદારી જેવા મહત્વપૂર્ણ વિષયો પર વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

કાર્યક્રમના અંતે તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓને લોકકેન્દ્રિત વહીવટ, પારદર્શિતા અને વિકાસલક્ષી કાર્યોમાં સક્રિય અને જવાબદાર ભૂમિકા નિભાવવા અનુરોધ કરવામાં આવ્યો હતો.

કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ ગીતાબેન દુબરીયા, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વિપુલભાઈ ગરચર, ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, જિલ્લા પંચાયતની વિવિધ સમિતિઓના ચેરમેન, જિલ્લા વિકાસ અધિકારી વિદ્યાસાગર, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શૈલેષ ભટ્ટ, અગ્રણી જયંતીભાઈ રાજકોટિયા, અરવિંદ વાંસડિયા, વિવિધ તાલુકા પંચાયતના પ્રમુખો, જિલ્લાના પદાધિકારીઓ, અધિકારીઓ તથા ચૂંટાયેલા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.


















