HomeAllઅમેરિકાથી આવશે અબજો ડોલર! 11 મેથી ટેરિફ રિફંડ, જાણો ભારતને મળશે કેટલા...

અમેરિકાથી આવશે અબજો ડોલર! 11 મેથી ટેરિફ રિફંડ, જાણો ભારતને મળશે કેટલા હજાર કરોડ

અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અનેક દેશો પર ટેરિફ ઝિંકીને અઢળક નાણાં મેળવી લીધા હતા, જોકે અમેરિકન સુપ્રીમ કોર્ટે ટેરિફને ગેરકાયદેસર જાહેર કરીને ટેરિફ પરત આપી દેવાનો આદેશ કર્યા બાદ હવે રિફંડ કરવાની પ્રક્રિયા આગળ વધી છે. આ પ્રક્રિયા મુજબ હવે ટુંક સમયમાં ભારત સહિતના દેશોના આયાતકારોને રિફંડ મળી જશે.

11 મેથી પ્રથમ હપ્તો શરૂ થવાની આશા

રિપોર્ટ મુજબ, અમેરિકન આંતરરાષ્ટ્રીય વેપાર અદાલતમાં ટેરિફ રિફંડ મામલે અરજી દાખલ કરાઈ હતી, જેમાં કોર્ટના આદેશ મુજબ, પ્રથમ હપ્તાની ચુકવણી લગભગ 11 મેથી શરૂ થવાની આશા છે. રિફંડ પ્રક્રિયાની દેખરેખ રાખી રહેલા જસ્ટિસ રિચર્ડ ઈટને કહ્યું કે, આયાતકારોએ ટેરિફના નાણાં પરત મેળવવાની અરજીઓ કર્યા બાદ, રિફંડની CAPE સિસ્ટમ દ્વારા અત્યાર સુધીમાં લગભગ 21 ટકા ઉત્પાદનોને એપ્રૂવલ આપ્યા બાદ ટેરિફ પરત કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવાઈ છે. તેમાંથી ત્રણ ટકા ઉત્પાદનોમાં સેટલમેન્ટ પણ થઈ ગયું છે અને હવે નાણાં પરત આપવાની પ્રક્રિયા શરૂ કરી દેવાઈ છે.

17 લાખ પ્રોડક્ટ એપ્રૂવલ

રિચર્ડ ઈટને એવું પણ કહ્યું કે, 26 એપ્રિલ સુધીમાં લગભગ 17 લાખ પ્રોડક્ટનું એપ્રૂવલ બાદ સેટલમેન્ટ થઈ ગયું છે અને હવે તેની રિપેમેન્ટ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. સત્તાવાર દસ્તાવેજ મુજબ, 3.30 લાખ આયાતકારોએ રિફંડ મેળવવા માટે અરજી કરી છે અને તેમાં લગભગ 5.3 કરોડ વસ્તુઓ સામેલ છે. આનું રિફંડ લગભગ 166 બિલિયન ડૉલર હોઈ શકે છે. એટલે કે અમેરિકા હવે લાખો વેપારીઓને કરોડો ડૉલર પાછા આપશે.

કોર્ટના આદેશ બાદ રિફંડ પ્રક્રિયા શરૂ કરાઈ

ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટમાં આદેશ બાદ અમેરિકન તંત્રએ ટેરિફ રિફંડ પ્રક્રિયા 20 એપ્રિલથી શરૂ કરી દીધી છે. અંદાજ મુજબ ટેરિફ પેટે લેવાયેલા 166 અબજ ડૉલર પરત કરવામાં આવશે. કોર્ટના આદેશ બાદ ટ્રમ્પના આદેશ બાદ ‘ઈન્ટરનેશનલ ઈમરજન્સી ઈકોનોમિક પાવર્સ એક્ટ’ (IEEPA) હેઠળ ટેરિફની ચૂકવણી કરનારા આયાતકારોએ રિફંડ માટે ક્લેપ શરૂ કરી દીધા છે. અંદાજે 3.30 લાખ અમેરિકન કંપનીઓએ 5.3 કરોડથી વધુ શિપમેન્ટ પર આ ટેક્સ ભર્યો હતો.

કંપનીઓ અરજી કરી રિફંડ મેળવી શકશે

રિફંડ પ્રક્રિયા ઓટોમેટિક કરાઈ નથી. રિફંડ મેળવવા માટે કંપનીઓએ અરજી કરવી પડશે. આશા છે કે, મંજૂરી મળ્યા બાદ લગભગ 60થી 90 દિવસની અંદર (મેથી જુલાઈ-2026 વચ્ચે) રિફંડ મળવાનું શરૂ થઈ જશે. ખાસ વાત એ છે કે, અમેરિકન નાગરિકો કે ગ્રાહકોને સીધું રિફંડ નહીં મળે. આ નાણાં માત્ર તે આયાતકાર અને કંપનીઓને પરત કરાશે, જેમણે સરકારને ટેક્સ આપ્યો હતો. ભલે રિફંડ પ્રક્રિયા હેઠળ કંપનીઓને અબજૉ ડૉલર પરત મળવાના હોય, પરંતુ નિષ્ણાતોના મત મુજબ, સામાન્ય ગ્રાહકોને તેનો તાત્કાલીક કોઈ લાભ મળવાની સંભાવના નથી.

ભારતને કેટલું રિફંડ મળી શકે છે?

જો ભારતની વાત કરીએ તો અંદાજ મુજબ, ભારતીય નિકાસકારોને રિફંડ પેટે 10થી 12 અબજ ડૉલર સુધીનો ફાયદો થઈ શકે છે. ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિએટિવ (GTRI)ના રિપોર્ટ મુજબ, અમેરિકન કોર્ટે ટેરિફ રદ કરવાનો આદેશ આપ્યા બાદ અમેરિકા દ્વારા 166 અબજ ડૉલરનો ટેરિફ પરત ચૂકવવાનો રસ્તો ખુલી ગયો છે. જોકે રિફંડ સીધું ભારતીય નિકાસકારોના બેંક ખાતામાં નહીં આવે. નિયમો મુજબ, માત્ર અમેરિકન આયાતકારો જ રિફંડ ક્લેમ કરી શકે છે. ભારતીય નિકાસકારોએ જે અમેરિકન કંપનીઓ સાથે વેપાર કર્યો છે, તેમની સાથે રિફંડ માટે વાતચીત કરવી પડશે. જ્યારે આયાતકાર અને નિકાસકાર વચ્ચે રિબેટ શેયરિંગ (રિફંડની પરસ્પર વહેંચણી) માટે સંમત થશે, ત્યારપછી ભારતીય નિકાસકારના એકાઉન્ટમાં પૈસા આવી શકશે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments