
1 મેથી માત્ર નવો મહિનો જ શરૂ નથી થઈ રહ્યો, પરંતુ સામાન્ય માણસના ખિસ્સા પર સીધી અસર કરતા અનેક મહત્ત્વના નિયમો પણ બદલાઈ રહ્યા છે. બેન્કિંગ વ્યવહારોથી લઈને રસોડાના બજેટ સુધી, સરકાર અને વિવિધ સંસ્થાઓ દ્વારા અમલમાં મૂકાયેલા આ નવા નિયમોની સીધી અસર તમારી જેબ પર પડવાની છે. આજથી લાગુ થયેલા આ ફેરફારોમાં ડિજિટલ પેમેન્ટ (UPI), ATM માંથી રોકડ ઉપાડ, ક્રેડિટ કાર્ડના ચાર્જિસ અને ગેસ સિલિન્ડરની કિંમતો જેવી બાબતોનો સમાવેશ થાય છે.

- કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં ₹1000નો વધારો
આ ફેરફારોમાં સૌથી મોટો ફટકો કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં એકસાથે 1000 રૂપિયાનો ધરખમ વધારો ઝીંકીને આપવામાં આવ્યો છે. લગ્નની સીઝન અને બહાર ખાવાના શોખીનો માટે આ વધારો મુસીબત સાબિત થશે, કારણ કે કોમર્શિયલ સિલિન્ડરની કિંમત હવે 3000 રૂપિયાને પાર કરી ગઈ છે. આ ઉપરાંત, ગેસ સિલિન્ડરની ડિલિવરી વ્યવસ્થામાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. હવે ચોરી અને સંગ્રહખોરી રોકવા માટે OTP આધારિત ડિલિવરી સિસ્ટમ ફરજિયાત કરવામાં આવી છે, જેનો અર્થ છે કે OTP વગર સિલિન્ડર મળશે નહીં. ગ્રાહકોએ આ માટે આધાર ઈ-કેવાયસી કરાવવું પણ અનિવાર્ય રહેશે.

- ATMમાંથી રોકડ ઉપાડવી થઈ મોંઘી
ATM ટ્રાન્ઝેક્શનના નિયમોમાં પણ મોટો ફેરફાર થયો છે. હવે મહિનાની ફ્રી લિમિટ(પોતાની બેન્કમાં 5 અને અન્ય બેન્કમાં 3 ટ્રાન્ઝેક્શન) પૂર્ણ થયા બાદ, દરેક વધારાના ટ્રાન્ઝેક્શન પર 21 રૂપિયાને બદલે 23 રૂપિયા ચાર્જ ચૂકવવો પડશે.

- UPI ટ્રાન્ઝેક્શન માટે વધારાનું ઓથેન્ટિકેશન
ડિજિટલ પેમેન્ટને વધુ સુરક્ષિત બનાવવા અને સાયબર ફ્રોડ રોકવા માટે UPI દ્વારા કરવામાં આવતા મોટા પેમેન્ટ્સ માટે હવે વધારાના સુરક્ષા સ્ટેપ્સ(Authentication) ઉમેરવામાં આવ્યા છે. આનાથી મોટા રકમના ટ્રાન્ઝેક્શન કરતી વખતે ગ્રાહકોએ વધુ એક પ્રક્રિયામાંથી પસાર થવું પડશે.

- SBI ક્રેડિટ કાર્ડના લેટ પેમેન્ટ ચાર્જમાં ફેરફાર
SBI ક્રેડિટ કાર્ડ ધારકો માટે પણ નિયમો કડક કરવામાં આવ્યા છે. બેન્કે લેટ પેમેન્ટ ચાર્જમાં વધારો કર્યો છે, જેમાં 100થી 500 રૂપિયાના બાકી લેણાં પર 100 રૂપિયા અને 500થી 1000 રૂપિયા સુધીના બાકી પર 500 રૂપિયા ચાર્જ લાગશે. આ ઉપરાંત, BPCL SBI ક્રેડિટ કાર્ડ પર વાર્ષિક ફી માફી માટે હવે 50 હજારના બદલે વર્ષે 1 લાખ રૂપિયાનો ખર્ચ કરવો પડશે.

- આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સના ભાડામાં વધારો
ઓનલાઇન ગેમિંગ પર નિયંત્રણ રાખવા માટે સરકારે ‘ઓનલાઇન ગેમિંગ ઓથોરિટી ઓફ ઇન્ડિયા’ની રચના કરવાની જાહેરાત કરી છે. હવે જે ગેમ્સમાં પૈસાની લેવડદેવડ સામેલ હશે તેનું રજીસ્ટ્રેશન કરાવવું પડશે અને સરકારી એજન્સીઓ આ વ્યવહારો પર નજર રાખશે. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ માટે વપરાતા જેટ ફ્યુઅલના ભાવમાં 5%નો તોતિંગ વધારો કરવામાં આવ્યો છે. વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના વધતા ભાવને કારણે સતત બીજા મહિને આંતરરાષ્ટ્રીય દરોમાં વધારો થયો છે. રાહતની વાત એ છે કે ભારતની સ્થાનિક એરલાઇન્સ માટે જેટ ફ્યુઅલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, એટલે કે તે યથાવત રહ્યા છે. સરકારી ઓઇલ કંપનીઓએ સામાન્ય જનતા અને સ્થાનિક ઉડ્ડયન ક્ષેત્ર પર વધારાનો બોજ ન પડે તે માટે આ નિર્ણય લીધો છે.























