HomeAllભારે વરસાદ વચ્ચે રાજ્યભરમાં 5 હજારથી વધુ લોકોનું સ્થળાંતર, 11 લોકોનું રેસ્ક્યૂ;...

ભારે વરસાદ વચ્ચે રાજ્યભરમાં 5 હજારથી વધુ લોકોનું સ્થળાંતર, 11 લોકોનું રેસ્ક્યૂ; 9 તાલુકામાં 5 ઈંચથી વધુ વરસાદ

ગુજરાતમાં: ભારે વરસાદ અને પૂરની સ્થિતિને પગલે રાજ્યભરમાં રાહત અને બચાવ કામગીરી તેજ કરવામાં આવી છે. આજના દિવસ દરમિયાન અત્યાર સુધીમાં 5,167 લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે, જ્યારે 11 લોકોનું સફળતાપૂર્વક રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. સતત વરસી રહેલા વરસાદને કારણે રાજ્યના 9 તાલુકામાં 5 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિ વચ્ચે વહીવટી તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડમાં છે. ભારે વરસાદની આગાહી અને અનેક જિલ્લાઓમાં સર્જાયેલી પૂર જેવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આજના દિવસ દરમિયાન અત્યાર સુધીમાં કુલ 5,167 લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે.

જિલ્લાવાર સ્થળાંતરના આંકડા મુજબ નવસારીમાં સૌથી વધુ 2,082 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. ત્યારબાદ તાપીમાં 1,245, સુરતમાં 1,221, વડોદરામાં 329, નર્મદામાં 178, આણંદમાં 112 અને ખેડામાં 30 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. રાહત અને બચાવ કામગીરી દરમિયાન આજના દિવસમાં અત્યાર સુધીમાં કુલ 11 લોકોનું સફળતાપૂર્વક રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. જેમાં નર્મદા જિલ્લામાં 10 લોકો અને છોટાઉદેપુર જિલ્લામાં 1 વ્યક્તિને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. દરમિયાન, સવારથી સતત વરસી રહેલા વરસાદને કારણે રાજ્યના 9 તાલુકામાં 5 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.

ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારો, નદી કાંઠાના ગામો અને પૂરગ્રસ્ત વિસ્તારોમાં તંત્ર દ્વારા સતત મોનીટરિંગ કરવામાં આવી રહ્યું છે. NDRF, SDRF અને સ્થાનિક પ્રશાસનની ટીમો સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા સતત કામગીરીમાં વ્યસ્ત છે, જ્યારે લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા અને તંત્રની સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે. આગામી ત્રણ કલાક માટે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં સક્રિય વરસાદી સિસ્ટમને પગલે હવામાન વિભાગે આગામી ત્રણ કલાક માટે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી સાથે નવું એલર્ટ જાહેર કર્યું છે. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં રેડ એલર્ટ યથાવત રાખવામાં આવ્યું છે, જ્યારે ભાવનગર, અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં પણ આગામી ત્રણ કલાક માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, નર્મદા, ભરૂચ, ખેડા, આણંદ, દાદરા અને નગર હવેલી, અરવલ્લી, સાબરકાંઠા અને ભાવનગર જિલ્લામાં ભારે વરસાદની સંભાવનાને પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહીસાગર, મહેસાણા, અમરેલી, બોટાદ, રાજકોટ, સુરેન્દ્રનગર, ગીર સોમનાથ, દીવ અને જૂનાગઢ જિલ્લામાં આગામી ત્રણ કલાક માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે બનાસકાંઠા, પાટણ, કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને ખાસ સાવચેત રહેવા, નદી-નાળા અને પાણી ભરાયેલા વિસ્તારોની નજીક ન જવા તેમજ બિનજરૂરી મુસાફરી ટાળવાની સલાહ આપી છે. સ્થાનિક પ્રશાસનને પણ સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા જરૂરી તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments