
દેશમાં વિદેશી હુંડિયામણ બચાવવા તથા ઇરાન યુધ્ધના આર્થિક પટકાયાનો મુકાબલો કરવા એક વર્ષ સુધી સોનુ નહીં ખરીદવા સહિતની વડાપ્રધાનની સલાહથી સોની વેપારીઓમાં સોંપો પડી જ ગયો છે છતાં વડાપ્રદાનની અપીલને માન આપવા તથા વચલો રસ્તો કાઢવા માટે ગુજરાતના ઝવેરીઓએ નવી રણનીતિ તૈયાર કરવાનું શરૂ કરી દીધું છે.

આયાતી સોનાનો ઉપયોગ ઘટાડીને જુના સોનાને બહાર કાઢવા આકર્ષક એકસચેંજ સ્કીમ લોન્ચ કરવાની તૈયારી છે. ગુજરાતના જ્વેલર્સોએ એમ કહ્યું કે અમેરિકાના ટેરિફ વોરથી સોનાના ભાવમાં ધરખમ વધારો થયો હતો અને ત્યારથી જ ઘરાકીને મોટો ફટકો લાગી ગયો છે.

ઉંચા ભાવથી બચવા લાંબા વખતથી જુનુ સોનુ પાછુ આપીને નવા દાગીના લેવાનો ટ્રેન્ડ ચાલુ થઇ જ ગયો હતો. પ્રવર્તમાન વેપારમાં પણ 80 ટકા ગ્રાહકો જુનું સોનુ પરત આપીને નવા દાગીના લઇ જાય છે. અખાત્રીજ જેવા પવિત્ર દિવસોમાં નવી સારી ઘરાકી હોય છે. પરંતુ બાકીના સમયમાં એક્સચેંજનું ચલણ વધુ રહે છે. હવે વડાપ્રધાને આયાત બીલ ઓછું કરવાના ઇરાદે સોનાની ખરીદી રોકવાની અપીલ કરી છે. જ્યારે ઝવેરીઓ પણ જુના સોનાની અદલાબદલી કે પરત મેળવવા માટે નવી આકર્ષક સ્કીમ કાઢશે.

આયાતી સોનાની જરુર ઓછી રહે તે પ્રકારની આકર્ષક સ્કીમો તૈયાર કરીને લાગુ કરવામાં આવશે. આવતા દિવસોમાં જુના સોના પર ડીસ્કાઉન્ટ તથા એક્સચેંજ માટેની આકર્ષક આકર્ષક સ્કીમો મુકાશે જેથી ડીમાંડને પણ કોઇ અસર ન થાય અને આયાતી માલ પર બોજ ન રહે. સૂત્રોએ કહ્યું કે સંગઠિત ક્ષેત્રમાં એક્સચેંજ સ્કીમોનો ટ્રેન્ડ છે. લગ્નગાળા તથા વહેવારોમાં ટાટા ગ્રુપની કંપની તનિષ્ક દ્વારા કોઇ કપાત વિના જુનુ સોનુ પરત લેવાની સ્કીમ અમલમાં મુકી હતી.

લોકલ જ્વેલર્સો પણ હવે આવી જ સ્ટ્રેટેજી અપનાવવાની વિચારણા કરી રહ્યા છે. જ્વેલર્સ એસોસીએશન ઓફ અમદાવાદના પ્રમુખ જીગર સોનીએ કહ્યું કે સોનાની ખરીદી અટકવાના સંજોગોમાં લાખો લોકોની જરૂર પણ ન રહે તેવી સ્ટ્રેટેજી જરૂરી છે. સતાવાર આંકડા મુજબ 2025-26માં ગુજરાતમાં સોનાની આયાત 114.38 ટનની હતી. ઉંચાભાવ છતાં મોટી આયાત હતી. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સીલના રીપોર્ટ પ્રમાણે ભારતમાં જુના સોનાના એક્સચેંજનું પ્રમાણ 20 ટકા વધ્યું છે. ચાલુ વર્ષે જાન્યુઆરીથી માર્ચના ત્રિમાસિક ગાળામાં 44 ટકા વધીને 31.2 ટન થયું હતું.
























