
મહિલાઓને સમયસર ન્યાય અને સહાય પહોંચાડતી કામગીરીની કલેક્ટરે કરી પ્રશંસા

મોરબી, મહિલાઓને સુરક્ષા, કાનૂની માર્ગદર્શન, કાઉન્સેલિંગ અને તાત્કાલિક સહાય એક જ સ્થળે ઉપલબ્ધ કરાવવાના હેતુથી કાર્યરત મોરબી જિલ્લા સખી વન સ્ટોપ સેન્ટરે સમગ્ર દેશમાં નોંધપાત્ર કામગીરી નોંધાવી છે. દેશભરના ૮૭૧ સખી વન સ્ટોપ સેન્ટરોમાંથી મોરબી સેન્ટરને ૨૨મો ક્રમ પ્રાપ્ત થતાં જિલ્લા માટે ગૌરવની લાગણી વ્યાપી છે.

જિલ્લા કલેક્ટરે સખી વન સ્ટોપ સેન્ટરની મુલાકાત લઈ ત્યાં ઉપલબ્ધ સેવાઓ અને કામગીરીની વિગતવાર સમીક્ષા કરી હતી. મુલાકાત દરમિયાન કેસ રજિસ્ટર, કાઉન્સેલિંગ પ્રક્રિયા, પોલીસ અને કાનૂની સહાય સંબંધિત દસ્તાવેજો તેમજ મહિલાઓને આપવામાં આવતી વિવિધ સેવાઓની માહિતી મેળવી હતી.

કલેક્ટરે જણાવ્યું હતું કે, ઘરેલુ હિંસા, છેડતી, શારીરિક અને માનસિક અત્યાચાર જેવી પરિસ્થિતિમાં પીડિત મહિલાઓને તાત્કાલિક સહાય અને સુરક્ષિત વાતાવરણ પૂરૂં પાડવામાં સખી વન સ્ટોપ સેન્ટર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. મહિલાઓને સંવેદનશીલતા સાથે માર્ગદર્શન આપી સમયસર ન્યાય મળે તે માટે સેન્ટરની ટીમ સતત કાર્યરત રહે છે.
તેમણે સેન્ટરના અધિકારીઓ અને કર્મચારીઓની કામગીરીની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે, મહિલાઓની ફરિયાદોના ઝડપી નિકાલ, સંપૂર્ણ ગોપનીયતા જાળવવા અને વિવિધ વિભાગો સાથે સંકલન સાધી સહાય પહોંચાડવાની કામગીરી સરાહનીય છે.
આ પ્રસંગે સંબંધિત વિભાગોના અધિકારીઓ, સેન્ટરના કર્મચારીઓ તથા અન્ય ઉપસ્થિત રહ્યા હતા.

























