
કેન્દ્રની ‘પીએમ સૂર્ય ઘર યોજના’ને વેગ આપવા પેપરલેસ ઓનલાઇન પ્રોસેસ: 100 kWથી મોટી સિસ્ટમ માટે ‘બેટરી સ્ટોરેજ’ ફરજિયાત કરાયું; ડ્રાફ્ટ અંગે 30 દિવસમાં વાંધા-સૂચનો મંગાવાયા ગુજરાતમાં રૂફટોપ સોલાર ક્ષેત્રે ક્રાંતિકારી પરિવર્તન લાવવા માટે ગુજરાત વિદ્યુત નિયમનકારી આયોગ (GERC) દ્વારા ‘ડ્રાફ્ટ ડીસ્ટ્રીબ્યુટેડ રિન્યુએબલ એનર્જી સોર્સીસ રેગ્યુલેશન્સ, 2026’ પ્રસિધ્ધ કરવામાં આવ્યો છે.

જર્ક દ્વારા લેવાયેલા આ ઐતિહાસિક નિર્ણય અંતર્ગત વર્ષ-2016ના એક દાયકા જૂના રૂફટોપ સોલાર નિયમોને જડમૂળથી રદ કરી દેવામાં આવ્યા છે. આ નવા નિયમો ગેઝેડમાં જાહેર કરાયા બાદ તેનો અમલ શરૂ કરી દેવાશે. નવા ડ્રાફ્ટમાં વીજ ગ્રાહકોના હિતને સર્વોપરી રાખીને 5 અત્યાધુનિક મીટરિંગ વ્યવસ્થાઓ લાવવામાં આવી છે. આ સાથે જ વીજ કંપનીઓની મનસ્વીતા અને ઓન-પેપર વિલંબ સામે ગ્રાહકોને રક્ષણ આપવા માટે કડક સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે.

આ ડ્રાફ્ટ અંગે આગામી 30 દિવસમાં તમામ હિતધારકો પાસેથી વાંધા-સૂચનો મંગાવવામાં આવ્યા છે, ત્યારબાદ તેની આખરી સુનાવણીની પ્રક્રિયા હાથ ધરાશે. નેટ મીટરિંગ વિકલ્પમાં ગ્રાહક દ્વારા સોલાર પેનલથી ઉત્પન્ન કરાયેલી અને ઘરમાં વાપરેલી વીજળીના કુલ યુનિટ (kWh)ની મહિનાના અંતે સીધી જ બાદબાકી કરી દેવામાં આવશે.

નેટ બિલિંગ ગ્રીડમાંથી આયાત થતી અને ગ્રીડમાં નિકાસ (એક્સપોર્ટ) થતી વીજળીના અલગ-અલગ ભાવ નક્કી થશે અને તે મુજબ રૂપિયામાં જ આખું વીજ બિલ તૈયાર કરવામાં આવશે. ગ્રુપ નેટ મીટરિંગ માં જો કોઈ ગ્રાહકની એક કરતાં વધુ પ્રોપર્ટી (જેમ કે ઘર અને દુકાન) હોય, તો તે એક જગ્યાની વધારાની સોલાર વીજળી અન્ય પ્રોપર્ટીના વીજ બિલમાં સરભર કરાવી શકશે.વર્ચ્યુઅલ નેટ મીટરિંગ સુવિધા હેઠળ સોલાર પ્લાન્ટ ગમે ત્યાં દૂરના સ્થળે લગાવાયેલો હોય, તો પણ તેનો આર્થિક લાભ સોસાયટી કે એપાર્ટમેન્ટના અલગ-અલગ ફ્લેટ ધારકો વચ્ચે વહેંચી શકાશે.

ગ્રોસ મીટરિંગમાં સોલાર પેનલ દ્વારા ઉત્પન્ન થયેલી તમામ વીજળી સીધી જ ગ્રીડમાં વેચી દેવાની રહેશે અને ગ્રાહકે પોતાનો દૈનિક વીજ વપરાશ એક સામાન્ય ગ્રાહકની જેમ જ ચાલુ રાખવાનો રહેશે. સામાન્ય મધ્યમવર્ગીય પરિવારોને મોટી રાહત આપતા જર્કે જણાવ્યું છે કે, જે ગ્રાહકો 10 kW સુધીની નાની સોલાર સિસ્ટમ લગાવવા માંગે છે, તેમણે કોઈ લાંબી ટેકનિકલ પ્રોસેસની પળોજણમાં પડવું નહીં પડે.

10 kW સુધીના ગ્રાહકો માત્ર ઓનલાઈન અરજી કરીને કોઈ પણ પ્રકારની લાંબી ટેકનિકલ ફીઝીબિલીટી પ્રોસેસ વગર ગ્રીડ કનેક્ટિવિટી માટે સીધી જ મંજૂરી (લીલી ઝંડી) મેળવી શકશે. સામાન્ય રીતે એવી ફરિયાદો ઉઠતી હતી કે, સોલાર પેનલ લાગી ગયા પછી પણ UGVCL, DGVCL, MGVCL, PGVCL અથવા ટોરેેન્ટ પાવર (Torrent Power) જેવી વીજ કંપનીઓ નેટ મીટરિંગ આપવામાં કે પ્રોસેસ પૂરી કરવામાં મહિનાઓનો સમય લગાડી દે છે.

ગ્રાહકોની આ મોટી મુશ્કેલીના નિવારણ માટે જર્કે કડક જોગવાઈ કરી છે કે, જો વીજ કંપનીઓ વગર કોઈ યોગ્ય કારણે નિયત સમય મર્યાદા કરતાં મોડું કરશે, તો તેણે ગ્રાહકને પ્રતિદિન રૂ. 500 લેખે વળતર કે દંડ ચૂકવવો પડશે. જો કોઈ કોમર્શિયલ કે ઇન્ડસ્ટ્રિયલ ગ્રાહકનો મંજૂર વીજભાર 100 kWથી વધુ હશે અને તેઓ મોટી સિસ્ટમ બેસાડવા માંગતા હશે, તો તેમણે ગ્રીડ સુરક્ષા માટે ’BESS’ સિસ્ટમ લગાવવી પડશે. આ બેટરી સ્ટોરેજ ક્ષમતા વધારાના લોડના ઓછામાં ઓછા 50 ટકા હોવી જરૂરી છે. વધુમાં,

જો કોઈ ગ્રાહકે શરૂઆતમાં ‘નેટ બિલિંગ’ લીધું હોય અને બાદમાં ‘નેટ મીટરિંગ’ પર જવું હોય, તો તેઓ 25 વર્ષમાં વધુમાં વધુ 3 વખત અને એક નાણાકીય વર્ષમાં માત્ર 1 વાર મીટરિંગ સિસ્ટમ બદલી શકશે. પીએમ સૂર્યા ઘર યોજનાના ગ્રાહકો માટે કોઈ પણ લાંબા કાગળિયા કે અલગથી એગ્રીમેન્ટ વગર આખી પ્રક્રિયા ડિજિટલ મોડમાં પેપરલેસ કરાશે.





















