HomeAll‘જળ એ જ જીવન’ મંત્રને સાકાર કરતું લક્ષ્મીવાસ ગામ રાષ્ટ્રીય કક્ષાએ સન્માનિત

‘જળ એ જ જીવન’ મંત્રને સાકાર કરતું લક્ષ્મીવાસ ગામ રાષ્ટ્રીય કક્ષાએ સન્માનિત

આધુનિક પાણી વિતરણ વ્યવસ્થાથી મોરબી જિલ્લાના લક્ષ્મીવાસે દેશભરમાં ઉભું કર્યું આગવું સ્થાન

જળ એ જ જીવન’ ના મંત્રને સાર્થક કરતા મોરબી જિલ્લાના લક્ષ્મીવાસ ગામે જળ વ્યવસ્થાપન અને વિતરણના ક્ષેત્રમાં રાષ્ટ્રીય સ્તરે સુવર્ણ સિદ્ધિ હાંસલ કરી છે.

નવી દિલ્હી ખાતે આયોજિત ‘જલ મહોત્સવ-૨૦૨૬’ દરમિયાન લક્ષ્મીવાસ ગામને તેની આધુનિક, સુઆયોજિત અને અસરકારક પાણી વિતરણ વ્યવસ્થા બદલ રાષ્ટ્રીય કક્ષાનું સન્માન પત્ર એનાયત કરવામાં આવ્યું હતું. આ ગૌરવપૂર્ણ સન્માન રાષ્ટ્રપતિશ્રી દ્રોપદી મુર્મુજીના ઉપસ્થિતિમાં આપવામાં આવ્યું હતું. પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રીશ્રી સી. આર. પાટીલ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

લક્ષ્મીવાસ ગામે પાણી વિતરણના સુદ્રઢ અને કાર્યક્ષમ માળખા દ્વારા સમગ્ર ગુજરાતમાં આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે. ગામના દરેક ઘર સુધી શુદ્ધ અને પૂરતા પ્રમાણમાં પાણી પહોંચે તે માટે કરવામાં આવેલું સુઆયોજન, ટેકનોલોજી આધારિત વ્યવસ્થાપન અને ગ્રામજનોની સક્રિય લોકભાગીદારીની રાષ્ટ્રીય સ્તરે પ્રશંસા કરવામાં આવી છે. જળ સંચયની સાથે પાણીના બગાડને અટકાવવા તથા સુવ્યવસ્થિત વિતરણ વ્યવસ્થા ઉભી કરવા માટે ગામે અપનાવેલા મોડેલને દેશના શ્રેષ્ઠ ગ્રામ્ય જળ વ્યવસ્થાપન મોડેલોમાં સ્થાન મળ્યું છે.

વિભાગીય સંકલન અંગે મોરબી પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઈજનેરશ્રી મહેશ દામાએ જણાવ્યું હતું કે, મોરબી જિલ્લાને પ્રાપ્ત થયેલું આ રાષ્ટ્રીય બહુમાન રાજ્ય સરકારના ત્રણ મહત્વના વિભાગોના સુમેળભર્યા સંકલનનું ઉત્તમ પરિણામ છે. મોરબી પાણી પુરવઠા વિભાગ, વાસમો (WASMO) તથા ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ (GWIL) દ્વારા ખભેખભા મિલાવી કરવામાં આવેલી કામગીરીના કારણે જ છેવાડાના માનવી સુધી નળ વાટે શુદ્ધ જળ પહોંચાડવાનું લક્ષ્ય સફળતાપૂર્વક સિદ્ધ થઈ શક્યું છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વાસમો દ્વારા લોકજાગૃતિ અને આંતરિક માળખું મજબૂત બનાવવામાં આવ્યું, GWIL દ્વારા બલ્ક પાઇપલાઇન નેટવર્ક વિકસાવવામાં આવ્યું અને પાણી પુરવઠા વિભાગે ટેકનિકલ માર્ગદર્શન તથા અમલીકરણની કામગીરી સંભાળી હતી. આ ત્રિવેણી સંગમના પરિણામે લક્ષ્મીવાસ ગામને રાષ્ટ્રીય કક્ષાએ ગૌરવ પ્રાપ્ત થયું છે.

લક્ષ્મીવાસ ગામની આ ઐતિહાસિક સિદ્ધિ બદલ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આનંદ અને ગૌરવની લાગણી વ્યક્ત કરવામાં આવી છે. ગામની આ સફળતા માત્ર મોરબી જિલ્લા માટે જ નહીં પરંતુ સમગ્ર ગુજરાત માટે પ્રેરણારૂપ બની છે. આ સન્માન એ સાબિત કરે છે કે સુચારુ આયોજન, ટેકનોલોજીનો યોગ્ય ઉપયોગ અને ગ્રામજનોના સહકારથી ગ્રામ્ય સ્તરે પણ વૈશ્વિક કક્ષાનું જળ વ્યવસ્થાપન માળખું ઉભું કરી શકાય છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments