HomeAllખેડૂત આંદોલનના વોટ્સએપ ગ્રૂપ એડમિનનું એકાઉન્ટ ત્રીજી વખત સસ્પેન્ડ, સંગઠને ઉઠાવ્યા સવાલ

ખેડૂત આંદોલનના વોટ્સએપ ગ્રૂપ એડમિનનું એકાઉન્ટ ત્રીજી વખત સસ્પેન્ડ, સંગઠને ઉઠાવ્યા સવાલ

મોરબી, તા. 25 જૂન : મોરબી તાલુકાના જેતપર ગામે વીજલાઈનના વળતરના મુદ્દે ખેડૂતો દ્વારા ચાલી રહેલા આમરણાંત ઉપવાસ આંદોલન વચ્ચે ખેડૂત ક્રાંતિ સંગઠનના મુખ્ય સંચાલક અને વિવિધ ખેડૂત ગ્રૂપોના એડમિન ધવલ જાકાસણીયાનું વોટ્સએપ એકાઉન્ટ ત્રીજી વખત સસ્પેન્ડ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાને પગલે સંગઠને સવાલ ઉઠાવતાં આ મુદ્દે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે.

જેતપર ગામે ખેડૂતોના હિત અને હક્કની લડત માટે રચાયેલા ખેડૂત ક્રાંતિ સંગઠન દ્વારા વોટ્સએપ ગ્રૂપ મારફતે આંદોલનની માહિતી ખેડૂતો અને જનતા સુધી પહોંચાડવામાં આવી રહી છે. દરમિયાન સંગઠનના મુખ્ય એડમિન ધવલ જાકાસણીયાનું વોટ્સએપ એકાઉન્ટ ફરી એકવાર સસ્પેન્ડ થતાં ખેડૂતોમાં રોષની લાગણી જોવા મળી રહી છે.

ધવલ જાકાસણીયાએ જણાવ્યું હતું કે આ કોઈ પ્રથમ ઘટના નથી. અગાઉ તેમનું વ્યક્તિગત વોટ્સએપ એકાઉન્ટ તેમજ તેમના કારખાનાનું વોટ્સએપ એકાઉન્ટ પણ બંધ કરવામાં આવ્યું હતું. ઉપરાંત ખેડૂત ક્રાંતિ સંગઠનનું ફેસબુક પેજ પણ અગાઉ બંધ કરી દેવામાં આવ્યું હતું, જેને ભારે જહેમત બાદ પુનઃ શરૂ કરાવવામાં સફળતા મળી હતી. હવે ફરીથી વોટ્સએપ એકાઉન્ટ સસ્પેન્ડ થતાં અનેક પ્રશ્નો ઉભા થયા છે.

વારંવાર એકાઉન્ટ સસ્પેન્ડ થવા અંગે પૂછવામાં આવતા ધવલ જાકાસણીયાએ જણાવ્યું હતું કે તેઓ અનેક ખેડૂતલક્ષી ગ્રૂપોમાં એડમિન તરીકે જવાબદારી સંભાળે છે. આવા સંજોગોમાં આ કાર્યવાહી પાછળ કોઈ ટેકનિકલ કારણ છે કે અન્ય કોઈ કારણ, તે તપાસનો વિષય છે. જોકે સમગ્ર ઘટનાને લઈને ખેડૂતોમાં અનેક પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે.

ખેડૂત ક્રાંતિ સંગઠને સ્પષ્ટ કર્યું છે કે એકાઉન્ટ સસ્પેન્ડ થવાની ઘટના છતાં ખેડૂતોના હક્ક, ન્યાય અને વળતર માટેનો સંઘર્ષ યથાવત્ રહેશે. સંગઠને તમામ ખેડૂત સભ્યોને શાંતિ જાળવી રાખવા, ધીરજ રાખવા તથા એકજૂટ રહીને આંદોલનને સફળ બનાવવા અપીલ કરી છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments