‘બેટી બચાવો બેટી પઢાઓ’ અભિયાન અંતર્ગત મોરબીમાં વિશેષ કાર્યક્રમ યોજાયો

મોરબી: ‘બેટી બચાવો બેટી પઢાઓ’ અભિયાન અંતર્ગત જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા જિલ્લા સેવા સદનના સભાખંડ ખાતે ‘કોફી વિથ કલેક્ટર’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મોરબીની વિવિધ સ્કૂલ-કોલેજની ૧૦૦ જેટલી દીકરીઓએ ભાગ લઈ જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે સાથે સીધો સંવાદ કર્યો હતો.


સંવાદ દરમિયાન જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ દીકરીઓને વહીવટી તંત્રની કાર્યપદ્ધતિ અંગે જાણકારી આપી હતી. સાથે જ શિક્ષણ અને કૌશલ્યલક્ષી અભ્યાસનું મહત્વ તેમજ બાળ સુરક્ષા અને વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

તેમણે દીકરીઓને જીવનમાં સ્પષ્ટ લક્ષ્ય નક્કી કરી આત્મવિશ્વાસ અને દૃઢ સંકલ્પ સાથે આગળ વધવા પ્રોત્સાહિત કરી હતી. દીકરીઓએ પણ વિવિધ વિષયો અંગે પ્રશ્નો પૂછી જિલ્લા કલેક્ટર સાથે સીધો સંવાદ સાધ્યો હતો.

કાર્યક્રમ બાદ દીકરીઓએ જિલ્લા સેવા સદનના વિવિધ સરકારી વિભાગોની રૂબરૂ મુલાકાત લીધી હતી. આ દરમિયાન પ્રજાલક્ષી કામગીરી, વિવિધ યોજનાઓનું આયોજન અને તેના અમલીકરણની પ્રક્રિયા અંગે પ્રત્યક્ષ જાણકારી મેળવી હતી.

મુલાકાત પૂર્ણ થયા બાદ જિલ્લા કલેક્ટરે પોતાની ચેમ્બરમાં ૧૦ દીકરીઓ સાથે રૂબરૂ ચર્ચા કરી તેમના અનુભવો, પ્રતિભાવો અને સૂચનો જાણ્યા હતા. નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચરે પણ દીકરીઓ સાથે સંવાદ કરી તેમના ઉત્સાહને બિરદાવ્યો હતો.

કાર્યક્રમમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી રશ્મિબેન રાજાવઢા, જિલ્લા પુરવઠા અધિકારી હંસરાજસિંહ ગોહિલ, જિલ્લા મહિલા અને બાળ અધિકારી જલ્પાબેન ત્રિવેદી, માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ)ના કાર્યપાલક ઈજનેર દિગ્વિજય સોલંકી સહિત વહીવટી તંત્રના અધિકારીઓ, કર્મચારીઓ અને વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહ્યા હતા.



















