HomeAllમોરબીમાં UPSC-GPSC પરીક્ષાની તૈયારી માટે માર્ગદર્શન સેમિનાર યોજાયો

મોરબીમાં UPSC-GPSC પરીક્ષાની તૈયારી માટે માર્ગદર્શન સેમિનાર યોજાયો

કલેક્ટર સ્વપ્નિલ ખરે અને જિલ્લા વિકાસ અધિકારી વિદ્યાસાગરે વિદ્યાર્થીઓને સફળતા માટે આપ્યું માર્ગદર્શન

મોરબી: યુવાનોને સિવિલ સર્વિસ ક્ષેત્રે કારકિર્દી બનાવવા પ્રેરણા અને યોગ્ય દિશા પૂરી પાડવાના હેતુથી એલ.ઈ. ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજ ખાતે જિલ્લા રોજગાર કચેરી દ્વારા UPSC અને GPSC સહિતની સ્પર્ધાત્મક પરીક્ષાઓ અંગે વિશેષ માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. સેમિનારમાં કલેક્ટર સ્વપ્નિલ ખરે અને જિલ્લા વિકાસ અધિકારી વિદ્યાસાગર ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું.

કલેક્ટર સ્વપ્નિલ ખરેએ પોતાના અનુભવો રજૂ કરતાં જણાવ્યું હતું કે, કોઈ પણ પરીક્ષા નાની કે મોટી હોતી નથી. યોગ્ય અભ્યાસ શિડ્યુલ, પરીક્ષાના પેપર પેટર્નની સમજ અને શ્રેષ્ઠ પુસ્તકોની પસંદગી સફળતાની દિશામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેમણે વિદ્યાર્થીઓને નિષ્ફળતાથી નિરાશ થયા વિના સતત પ્રયત્નશીલ રહેવા પ્રેરિત કર્યા હતા.

જિલ્લા વિકાસ અધિકારી વિદ્યાસાગરે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં સેલ્ફ સ્ટડીનું મહત્વ સમજાવી દૈનિક અખબાર વાંચવા અને અભ્યાસને પ્રથમ પ્રાથમિકતા આપવા પર વિશેષ ભાર મૂક્યો હતો. તેમણે નિયમિતતા અને યોગ્ય આયોજન સાથે તૈયારી કરવા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.

સેમિનારમાં હળવદ પ્રાંત અધિકારી ધાર્મિક ડોબરીયા તેમજ ડેપ્યુટી કલેક્ટર અને મોરબી શહેર મામલતદાર તુષાર ગોરવાડીયાએ પણ વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મેળવવા માટેની પરીક્ષાલક્ષી વ્યૂહરચના અંગે માર્ગદર્શન આપ્યું હતું.

કાર્યક્રમના પ્રારંભે જિલ્લા રોજગાર અધિકારી મનીષા સાવનિયાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. અંતમાં કોલેજના પ્રિન્સિપાલ ડૉ. આર.કે. મેવાડાએ આભારવિધિ કરી હતી.

આ માર્ગદર્શન સેમિનારમાં વિદ્યાર્થીઓ તેમજ UPSC, GPSC સહિતની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા પરીક્ષાર્થીઓ ઉત્સાહભેર જોડાયા હતા.

RELATED ARTICLES

Most Popular

Recent Comments