મોરબી-રાજકોટ હાઈવેનાં ખરાબ રોડના વિરોધમાં ટ્રાફિક રોકાયો – પોલીસે ટ્રાફિક ક્લિયર કરી કેસ નોંધ્યો

ટંકારા : મોરબી-રાજકોટ નેશનલ હાઈવે પર લજાઈ ચોકડી ખાતે આજે સવારે પૂર્વ મંજૂરી વગર ચક્કાજામ કરાતા ટંકારા પોલીસે ગુનો નોંધી 3 લોકોને અટકમાં લઈને ધરપકડ કરી છે. પોલીસ મુજબ ખરાબ રોડના વિરોધમાં કેટલાક લોકોએ વાહનો રોકી બેનર સાથે પ્રદર્શન કર્યું હતું, જેથી ટ્રાફિક જામ થયો.

મોરબી જિલ્લા કંટ્રોલ રૂમ તરફથી માહિતી મળતાં પોલીસ દળ સ્થળ પર પહોંચ્યું. તપાસમાં જાણવા મળ્યું કે લજાઈ ચોકડી પાસે હાઈવેએ પર વાહનો અટકાવવામાં આવ્યા હતા અને એવી રીતે જામ સર્જાયો હતો કે અકસ્માતનો ભય ઊભો થતો હતો. પોલીસે સંકળાયેલા લોકોને તાત્કાલિક ડિટેઈન કર્યા.

પોલીસે ટ્રાફિક ક્લિયર કરીને વાહનવ્યવહાર ફરી શરૂ કરાવ્યો. પોલીસ મુજબ હળવદ તાલુકાના રાયધ્રા, પાંડાતીરથ, સરભંડા અને રણછોડગઢ વિસ્તારમાં તાલુકા પંચાયત સદસ્યની પેટાચૂંટણી ચાલતી હોઈ અન્ય વિસ્તારમાં તેની અસર ન પડે તે હેતુથી પણ ત્વરિત પગલાં લેવાયા.

પૂર્વ મંજૂરી લીધા વગર અને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, મોરબીના જાહેરનામાનો ભંગ કર્યાને આધારે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 223 તથા 285 મુજબ ગુનો નોંધાયો છે અને કાયદેસરની કાર્યવાહી ચાલુ રાખવામાં આવી છે.

આ કેસમાં હાર્દિકભાઈ નાનજીભાઈ ઘોડાસરા (ઉં. 35, રહે. મોરબી-01, રવાપર ચોકડી, દર્પણ સોસાયટી), બંસીભાઈ દિનેશભાઈ દલસાણીયા (ઉં. 29, રહે. મોરબી-01, કન્યા છાત્રાલય રોડ) અને પંકજભાઈ દયારામભાઈ મસોત (ઉં. 55, રહે. લજાઈ ગામ, તા-ટંકારા, જી-મોરબી)ની ધરપકડ કરવામાં આવી છે.


























