HomeAllFSSAI નો મોટો નિર્ણય : પેપ્સી અને રેડબુલ સહિતની કંપનીઓ હવે બોટલ...

FSSAI નો મોટો નિર્ણય : પેપ્સી અને રેડબુલ સહિતની કંપનીઓ હવે બોટલ પર `એનર્જી ડ્રિંક’ નહીં લખી શકે

નવી દિલ્હી: તા. 28 દેશનાં ફૂડ રેગ્યુલેટર FSSAI (ફૂડ સેફ્ટી એન્ડ સ્ટેન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા) એ વધુ પડતું કેફીન ધરાવતાં પીણાં (હાઈ-કેફીન બેવરેજીસ) પર મોટો નિર્ણય લેતા તમામ કંપનીઓને તેમનાં કેન અને બોટલના લેબલ પરથી `એનર્જી ડ્રિંક’ શબ્દ હટાવવાનો નિર્દેશ આપ્યો છે. આ આદેશ રેડબુલ, મોન્સ્ટર, પેપ્સી, રિલિઅન્સ અને હેલ એનર્જી સહિતની તમામ અગ્રણી કંપનીઓ પર લાગું થશે.

FSSAI નું કહેવું છે કે, ભારતમાં હાલમાં `એનર્જી ડ્રિંક’ નામની કોઈ અધિકૃત ખાદ્ય શ્રેણી કે ધોરણ અસ્તિત્વમાં નથી, તેથી આ શબ્દનો ઉપયોગ ગ્રાહકોને ભ્રમિત કરે છે. આ ઉપરાંત `શરીર અને મગજને ઉર્જા આપે છે’ કે `નબળાઈ દૂર કરે છે’ જેવા દાવાઓ પણ ગેરમાર્ગે દોરનારા ગણાવ્યા છે. રેગ્યુલેટરે કંપનીઓને પોતાનાં ઉત્પાદનોનાં પેકિંગ પરથી `એનર્જી ડ્રિંક’ અને તેને મળતાં આવતાં અન્ય તમામ શબ્દો દૂર કરવા માટે 90 દિવસનો સમય આપ્યો છે.

FSSAI ના મુખ્ય કારોબારી અધિકારી રાજિત પુનહાનીએ ઉદ્યોગ જગતની વાંધા અરજીઓને ફગાવી દેતાં સ્પષ્ટ કર્યું હતું કે જો કંપનીઓ ઈચ્છે તો આ નિર્ણયને કોર્ટમાં પડકારી શકે છે. જોકે, પાછળથી પીણાં ઉદ્યોગનાં પ્રતિનિધિઓએ આ નવા નિયમનું પાલન કરવા સંમતિ દર્શાવી હતી.

સાથોસાથ, ઇન્ડિયન બેવરેજ એસોસિએશન (IBA) એ FSSAI ને પત્ર લખીને રજૂઆત કરી હતી કે પૂરતી ચર્ચા વગર આવા નિર્ણયો લેવાથી કંપનીઓની શાખ અને વેપાર પર અસર પડે છે. બીજી તરફ, ભારતમા એનર્જી ડ્રિંક્સનો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે. વર્ષ 2017 માં પેપ્સી દ્વારા `સ્ટિંગ’ લોન્ચ કરાયાં બાદ ખાસ કરીને યુવાનો અને ગ્રામીણ વિસ્તારોમાં આ પ્રકારનાં ડ્રિંક્સનું આકર્ષણ ખૂબ વધ્યું છે.

માર્કેટ રિસર્ચ સંસ્થા યુરોમોનિટરના અંદાજ મુજબ, ભારતમાં આ માર્કેટ 2028 સુધીમાં 1.6 અબજ ડોલર (આશરે રૂા.13,000 કરોડથી વધુ) પર પહોંચી શકે છે અને તેમાં દર વર્ષે લગભગ 12.6 ટકાના દરે વૃદ્ધિ થઈ રહી છે. આટલા મોટા માર્કેટને કારણે ગ્રાહકોના સ્વાસ્થ્ય અને સાચી માહિતીને ધ્યાનમાં રાખીને સરકારે આ પગલું ભર્યું છે. FSSAI ના આ આદેશ બાદ રાજ્ય સ્તરે પણ કડક કાર્યવાહી શરૂ થઈ ગઈ છે.

રાજસ્થાનમાં વહીવટીતંત્રે કાર્યવાહી કરીને સ્ટિંગ, કેમ્પા એનર્જી અને રેડબુલની હજારો બોટલો જપ્ત કરી છે. આ ઉપરાંત, રાજસ્થાન સરકારે એમેઝોન, ફ્લિપકાર્ટ અને સ્વિગી ઇન્સ્ટામાર્ટ જેવા ઇ-કોમર્સ અને ઓનલાઇન ડિલિવરી પ્લેટફોર્મ્સને પણ કડક સૂચના આપી છે કે તેઓ પોતાનાં પ્લેટફોર્મ પર આ પ્રોડક્ટ્સનું પ્રમોશન કે વેચાણ `એનર્જી ડ્રિંક’ તરીકે ન કરે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments