વોર્ડ નં. 8ના મુખ્ય માર્ગો પર ગંદા પાણીથી લોકો પરેશાન; કપચીની ખરીદી અને કામગીરીની સંપૂર્ણ વિગતો જાહેર કરવા મહાનગરપાલિકા સમક્ષ માંગ

મોરબી: મોરબી મહાનગરપાલિકાના મેયરના વોર્ડ નંબર 8ના મુખ્ય માર્ગો પર ભૂગર્ભ ગટરના દૂષિત પાણી ઉભરાતા સ્થાનિક રહીશો અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હોવાનો આક્ષેપ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ આગેવાન રમેશ રબારીએ કર્યો છે. તેમણે તંત્રની કામગીરી સામે સવાલ ઉઠાવતા જણાવ્યું કે મેયરના પોતાના વોર્ડમાં જ આવી સ્થિતિ હોય તો શહેરના અન્ય વિસ્તારોની હાલત અંગે પણ ગંભીર પ્રશ્નો ઊભા થાય છે.

રમેશ રબારીના જણાવ્યા મુજબ હાલમાં વરસાદ ન હોવા છતાં વોર્ડ નંબર 8માં જી.આઈ.ડી.સી. વિસ્તાર તેમજ પટેલ કન્યા છાત્રાલય તરફના મુખ્ય માર્ગ પર ભૂગર્ભ ગટરના ગંદા પાણી વહી રહ્યા છે. ગટરની યોગ્ય સફાઈના અભાવે પાણી ઉભરાતું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

ગટરના દૂષિત પાણી અને ગંદકીના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધવાની સાથે રોગચાળો ફેલાવાની ભીતિ પણ વ્યક્ત કરવામાં આવી છે. આ માર્ગ પરથી અવરજવર કરતા વિદ્યાર્થીઓ, મહિલાઓ, સ્થાનિક રહીશો તેમજ સવારે અને સાંજે વોક માટે નીકળતા સિનિયર સિટીઝનોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હોવાનું તેમણે જણાવ્યું છે.

આ ઉપરાંત શનાળા મેઈન રોડ પર શ્રીજી રેસ્ટોરેન્ટથી ચેટક પંચર સુધીના વિસ્તારમાં પણ ગટરના પાણી ભરાઈ રહેતા હોવાના કારણે સ્થાનિક વેપારીઓ અને રાહદારીઓને હાલાકી પડી રહી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

બીજી તરફ રમેશ રબારીએ મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા મીડિયામાં આપવામાં આવેલા નિવેદનને લઈને પણ સવાલો ઉઠાવ્યા છે. તેમના જણાવ્યા મુજબ પાલિકા તંત્ર દ્વારા છેલ્લા 22 દિવસમાં મોરબીના વિવિધ વિસ્તારોમાં અંદાજે ₹1 કરોડની કપચી પાથરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ કામગીરી અંગે તેમણે ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે પારદર્શિતા રાખવાની માંગ કરી છે.

તેમણે જણાવ્યું કે ₹1 કરોડની કપચી પાથરવામાં આવી હોવા છતાં વી.સી. પરા રોડ, લાતી પ્લોટ, કાલિકા પ્લોટ અને દાઉદી પ્લોટ સહિતના અનેક વિસ્તારોના રસ્તાઓની સ્થિતિ ખરાબ છે અને લોકોને અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે.

રમેશ રબારીએ મહાનગરપાલિકા સમક્ષ માંગ કરી છે કે છેલ્લા 22 દિવસમાં ₹1 કરોડની કપચી કયા વોર્ડના કયા રસ્તા પર અને કેટલી માત્રામાં પાથરવામાં આવી તેની સંપૂર્ણ વિગતો જાહેર કરવામાં આવે. સાથે જ કપચી કયા સ્ટોન સપ્લાયર પાસેથી ખરીદવામાં આવી, કેટલી માત્રામાં ખરીદી કરવામાં આવી અને પ્રતિ ટન કેટલો ભાવ ચૂકવવામાં આવ્યો તેની વિગતો પણ જાહેર કરવામાં આવે.

સમગ્ર મામલે તેમણે મહાનગરપાલિકા તંત્ર પાસેથી ગટર સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવા તેમજ કપચીની ખરીદી અને રસ્તાની કામગીરી અંગે પારદર્શક હિસાબ જાહેર કરવાની માંગ કરી છે.

















