HomeAllમકાન મળવામાં મોડું થાય તો ગ્રાહક પઝેશન લીધા બાદ પણ બિલ્ડર પાસેથી...

મકાન મળવામાં મોડું થાય તો ગ્રાહક પઝેશન લીધા બાદ પણ બિલ્ડર પાસેથી વળતર માગવાનો હકદાર: સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટે ઘર ખરીદનારાઓના હિતમાં એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. સુપ્રીમે એવી સ્પષ્ટતા કરી છે કે મકાનનો કબજો મળી જાય પણ સોંપવામાં મોડું થયું હોય તો તેવી સ્થિતિમાં ઘર ખરીદનારા આ વિલંબ બદલ વળતર માગવાને હકદાર છે. અનેક એવા મામલા રેરા કે ગ્રાહક સુરક્ષા ફોરમમાં પેન્ડિંગ છે કે જેમાં રૂપિયા ચુકવવા છતા મકાન નથી સોંપાતું, એવામાં સુપ્રીમ કોર્ટ દ્વારા અપાયેલો આ ચુકાદો મકાન ખરીદનારા તેમજ આવા પેન્ડિંગ મામલા સાથે જોડાયેલા લોકોને મોટી રાહત આપશે.

2016માં રાષ્ટ્રીય ગ્રાહક કમિશન દ્વારા ગ્રાહકની માગ ફગાવતો જે નિર્ણય લેવાયો તેને સુપ્રીમ કોર્ટે રદ કરી નાખ્યો સાથે જ એવી સ્પષ્ટતા કરી હતી કે જો કોઇ મકાન ખરીદનારને મકાન મળવામાં મોડું થયું હોય તો તે પઝેશન લીધા બાદ પણ બિલ્ડર પાસેથી વળતરની માગણી કરી શકે છે. આ તેનો અધિકાર છે. માત્ર ચાવી મળી જવા માત્રથી ગ્રાહકોનો વળતર મેળવવાનો કાયદાકીય અધિકાર ખતમ નથી થઇ જતો. કોઇ ગ્રાહકે ફ્લેટની ખરીદી કરી હોય અને તેને નક્કી કરાયેલી સમય મર્યાદામાં સોંપવામાં ના આવે બાદમાં મકાન સોંપવામાં આવે તો પછી પણ અગાઉ જે મોડું થયું તેનું વળતર માગવાનો ગ્રાહકને હક છે.

આ સમગ્ર મામલો દિલ્હીની એક કોઓપરેટિવ ગુ્રપ હાઉસિંગ સોસાયટી સાથે જોડાયેલો છે, એક હોમ બયરે વર્ષ 2003માં સોસાયટીનુ સભ્યપદ લીધુ હતું, તેને એક ફ્લેટ આપવામાં આવ્યો હતો. જોકે તેને નક્કી કરાયેલા સમય મુજબ ફ્લેટ નહોતો સોંપવામાં આવ્યો. તેથી આ ગ્રાહકે બાદમાં 2005માં ગ્રાહક કમિશન સમક્ષ ફરિયાદ કરી હતી અને ફ્લેટ સોંપવામાં મોડું થવા બદલ વળતરની માગણી કરી હતી.

જિલ્લા ગ્રાહક કમિશન પાસેથી મામલો આર્બિટ્રેશન પાસે પહોંચ્યો હતો, બાદમાં રાજ્યના ગ્રાહક કમિશન પછી રાષ્ટ્રીય કમિશન સુધી મામલો પહોંચ્યો, 2016માં એટલે કે દસ વર્ષે ફરિયાદ રદ કરી દેવામાં આવી અને એવુ અવલોકન કરાયું કે ગ્રાહકે તો વિરોધ વગર ફ્લેટ લઈ લીધો હતો તેથી તે હવે ગ્રાહક ના ગણાય, રાષ્ટ્રીય કમિશનના નિર્ણય સામે બાદમાં સુપ્રીમમાં અપીલ કરાઇ હતી. બે દસકા જુના આ મામલામાં અંતે મકાન ખરીદનારના તરફેણમાં ચુકાદો આવ્યો હતો. સુપ્રીમે એવી પણ સ્પષ્ટતા કરી હતી કે એગ્રીમેન્ટમાં આર્બિટ્રેશનનો ઉલ્લેખ છતા ઘર ખરીદનાર ગ્રાહક કમિશનમાં જઇ શકે છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments