
મોરબી, તા. 25 જૂન : ગુજરાત સરકારના વિચરતી-વિમુક્ત જાતિના પરિવારોના પુનર્વસન અને કલ્યાણલક્ષી અભિગમને વધુ સશક્ત બનાવતા મોરબી તાલુકાના મકનસર ગામે ૫૪ જરૂરિયાતમંદ પરિવારોને રહેણાંક હેતુસર વિનામૂલ્યે પ્લોટ ફાળવી તેનો પ્રત્યક્ષ કબજો સોંપવામાં આવ્યો હતો. જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે (IAS)ના હસ્તે યોજાયેલા કાર્યક્રમમાં લાભાર્થી પરિવારોને પ્લોટના દસ્તાવેજો અર્પણ કરવામાં આવ્યા હતા.

મકનસર ગામની સરકારી ખરાબાની સર્વે નં. ૧૩૩/૧ અને ૧૩૨ પૈકીની કુલ ૧૫,૦૦૦ ચોરસ મીટર જમીનમાંથી પ્રત્યેક લાભાર્થી પરિવારને ૧૦૦ ચોરસ વારનો રહેણાંક પ્લોટ ફાળવવામાં આવ્યો છે. આ પહેલના પરિણામે વર્ષોથી સ્થાયી આવાસની રાહ જોતા વિચરતી-વિમુક્ત જાતિના પરિવારોનું ઘરનું ઘર બનાવવાનું સ્વપ્ન સાકાર થવા તરફ આગળ વધ્યું છે.

આ પ્રસંગે કલેક્ટર સ્વપ્નિલ ખરેએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર પછાત, વંચિત અને શ્રમિક વર્ગોના સર્વાંગી વિકાસ માટે સતત કાર્યરત છે. વિચરતી-વિમુક્ત જાતિના પરિવારોને સ્થાયી રહેણાંકની સુવિધા ઉપલબ્ધ કરાવવાથી તેમના જીવનમાં સામાજિક અને આર્થિક સ્થિરતા આવશે તેમજ જીવનધોરણમાં ગુણાત્મક સુધારો થશે.

આ યોજનાનો લાભ મેળવનારા પરિવારોમાં કરશનનાથ રાઠોડ, અર્જુનનાથ રાઠોડ, રમેશનાથ પરમાર, વેલનાથ પરમાર, ધીરુનાથ રાઠોડ, સિકંદરનાથ ભાટી, મુન્નાનાથ ભાટી અને ભુપતનાથ ભાટી સહિત કુલ ૫૪ લાભાર્થીઓનો સમાવેશ થાય છે. પ્લોટનો કબજો પ્રાપ્ત થતાં લાભાર્થીઓએ રાજ્ય સરકાર તથા જિલ્લા પ્રશાસન પ્રત્યે આભાર વ્યક્ત કરી આનંદની લાગણી વ્યક્ત કરી હતી.

આગામી સમયમાં નવી વસાહતમાં આવાસ નિર્માણ તેમજ રસ્તા, પાણી, વીજળી સહિતની પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે વહીવટી તંત્ર દ્વારા જરૂરી માર્ગદર્શન અને સહયોગ પૂરો પાડવામાં આવશે.

કાર્યક્રમમાં પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જૈતાવત, ગ્રામ્ય મામલતદાર સાગર ત્રાંબડીયા, તાલુકા વિકાસ અધિકારી જે.પી. વણપરીયા, સ્થાનિક આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.























