

મોરબી, તા. 25 જૂન : મોરબી જિલ્લાના મોરબી તાલુકાના શાપર, જેતપર અને રંગપર ગામની પ્રાથમિક શાળાઓ ખાતે નાયબ વન સંરક્ષક ડો. સુનિલકુમાર બેરવાલ (ભા.વ.સે.)ના અધ્યક્ષસ્થાને ‘શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન નવા શૈક્ષણિક સત્રમાં પ્રવેશ મેળવનારા નવપ્રવેશી વિદ્યાર્થીઓનું ઉષ્માભેર સ્વાગત કરી તેમને શાળા પ્રવેશ અપાવવામાં આવ્યો હતો.

આ પ્રસંગે વિદ્યાર્થીઓને સંબોધતા ડો. સુનિલકુમાર બેરવાલે જણાવ્યું હતું કે, વિકસિત ભારતના નિર્માણ માટે દરેક બાળકનું શિક્ષિત, સંસ્કારી અને જવાબદાર નાગરિક તરીકે ઘડતર અત્યંત આવશ્યક છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે જીવનમાં સફળતા માટે ભણતર અને ગણતર બંનેનું સમાન મહત્વ છે. સાથે જ શિક્ષકોને બાળકોને સ્નેહ, સમર્પણ અને જવાબદારી સાથે શિક્ષણ આપી તેમના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહેવા અનુરોધ કર્યો હતો.

મહોત્સવ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે નવપ્રવેશી વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત અભ્યાસ, રમતગમત અને વિવિધ પ્રવૃત્તિઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. શાળાના વિદ્યાર્થીઓએ પોતાના પ્રેરણાદાયી વક્તવ્યો રજૂ કરી કાર્યક્રમને જીવંત બનાવ્યો હતો.

કાર્યક્રમમાં જેતપરના સરપંચ જયંતીભાઈ બોચિયા, રંગપરના સરપંચ મેઘરાજસિંહ ઝાલા, શાપરના સરપંચ રવીરાજસિંહ જાડેજા, તાલુકા પંચાયત સદસ્ય દિલીપભાઈ દલસાણીયા, જેતપર કન્યા શાળાના એસ.એમ.સી. અધ્યક્ષ મનોજભાઈ ભીમાણી, તાલુકા પંચાયત સદસ્ય કૈલાશબેન મહેશભાઈ કાલરિયા, નાયબ મામલતદાર (મધ્યાહન ભોજન) કલ્પેશભાઈ બુસા, સી.આર.સી. કો-ઓર્ડિનેટર ચેતનભાઈ જાકાસણીયા, શિક્ષકો, વાલીઓ, આંગણવાડી કાર્યકરો, ગ્રામજનો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
























