
મોરબી, તા. 24 : મોરબી શહેરના નવા બસ સ્ટેન્ડ વિસ્તારમાં છેલ્લા બે-ત્રણ દિવસથી ગટરના પાણી ઉભરાવાની ગંભીર સમસ્યા સર્જાતા સ્થાનિક વેપારીઓ, વાહનચાલકો અને મુસાફરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગટરના પાણી બસ સ્ટેન્ડ તરફ જવાના મુખ્ય માર્ગ તેમજ આસપાસના પાર્કિંગ વિસ્તારમાં ફરી વળતાં વાહનો પાર્ક કરવામાં મુશ્કેલી ઊભી થઈ છે. ઉપરાંત રોડ પર ગંદા પાણીના ભરાવાને કારણે રાહદારીઓને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

સ્થાનિકોના જણાવ્યા મુજબ બસ સ્ટેન્ડની આસપાસનો વિસ્તાર શહેરનો વ્યસ્ત વિસ્તાર ગણાય છે, જ્યાં દરરોજ મોટી સંખ્યામાં મુસાફરો અને વાહનચાલકોની અવરજવર રહે છે. તેમ છતાં છેલ્લા કેટલાક દિવસોથી ગટરનું પાણી સતત ઉભરાતું રહેતા સ્વચ્છતા અને આરોગ્ય સંબંધિત પ્રશ્નો ઊભા થયા છે. ગંદકી અને દુર્ગંધના કારણે દુકાનદારો તેમજ આસપાસના રહેવાસીઓ પણ પરેશાન બન્યા છે.

સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે ગટર સફાઈ અને જાળવણી પાછળ મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, છતાં યોગ્ય આયોજન અને નિયમિત દેખરેખના અભાવે આવી સમસ્યાઓ વારંવાર સર્જાઈ રહી છે. સ્થાનિકોનું કહેવું છે કે અગાઉ નગરપાલિકા સમયગાળા દરમિયાન જે પ્રકારની સમસ્યાઓ સર્જાતી હતી, તે જ પરિસ્થિતિ હવે મહાનગરપાલિકા બન્યા બાદ પણ ફરી જોવા મળી રહી છે.

ઉલ્લેખનીય છે કે હાલમાં મહાનગરપાલિકા દ્વારા શહેરમાં પ્રિ-મોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવી રહી હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે. જોકે ચોમાસાની સત્તાવાર શરૂઆત પહેલાં જ શહેરના મુખ્ય વિસ્તારોમાં ગટર ઉભરાવાની સ્થિતિ સર્જાતા કામગીરીની અસરકારકતા સામે સવાલો ઊભા થયા છે. જો હાલની સ્થિતિમાં જ ગટર વ્યવસ્થા ખોરવાઈ રહી હોય તો આગામી દિવસોમાં ભારે વરસાદ દરમિયાન પાણીના નિકાલની સ્થિતિ કેવી રહેશે તે અંગે લોકોમાં ચિંતા વ્યાપી છે.

સ્થાનિકોએ મહાનગરપાલિકા તંત્રને તાત્કાલિક અસરથી ગટરની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા, ગટર લાઈનોની યોગ્ય સફાઈ કરવા અને ચોમાસા પૂર્વે શહેરની ડ્રેનેજ વ્યવસ્થાને સુદ્રઢ બનાવવા માંગ કરી છે.
























