છ નવરચિત મનપા, પાંચ પાલિકા, બે મહાનગરોના કામોને એક સાથે મંજૂરી આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ : શહેરી વિકાસ વર્ષ-2025 માં જન સુખાકારી વધુ સુવિધાયુક્ત બનાવવાનો અભિગમ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકાર દ્વારા ઉજવાઈ રહેલા શહેરી વિકાસ વર્ષ 2025માં શહેરી જન સુખાકારી વધુ સુવિધાસભર બનાવવાનો મહત્વપૂર્ણ અભિગમ અપનાવ્યો છે.

આ સંદર્ભમાં 6 નવરચિત મહાનગર પાલિકાઓ, 5 નગર પાલિકાઓ અને અમદાવાદ તથા ગાંધીનગર મહાનગર પાલિકાઓમાં વિવિધ વિકાસ કામો માટે એક સાથે એક જ દિવસમાં 1700.57 કરોડ રૂપિયા થી વધુના કામોની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મુખ્યમંત્રી તરીકે અસરકારક અને આયોજનબદ્ધ શહેરી વ્યવસ્થાપનની શરુઆત 2005માં શહેરી વિકાસ વર્ષની ઉજવણીથી કરી હતી. તેમની દૂરંદેશીથી શહેરીકરણને વિકાસ માટેની એક અનોખી તક તરીકે સ્વીકારીને જનભાગીદારીથી સુંદર, સ્વચ્છ અને ગતિશીલ શહેરોના વિકાસને પગલે રાજ્યના શહેરો વેલપ્લાન્ડ ડેવલપ સિટી તરીકે પ્રસ્થાપિત થયા છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગત 27મી મેના રોજ આ શહેરી વિકાસ વર્ષ ની ઉજવણીનો પ્રારંભ કરાવતા શહેરોને આર્થિક પ્રવૃત્તિઓના ગતિશીલ કેન્દ્રો બનાવવાના આપેલા વિઝનને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત 1700.57 કરોડ થી વધુ રૂપિયાના કામોની સૈદ્ધાંતિક મંજૂરી આપીને સાકાર કર્યું છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વિકાસ કામો માટે મંજૂર કરેલી આ રાશિમાંથી અમદાવાદ મહાનગર પાલિકાને 546 કરોડ, ગાંધીનગરને 32 કરોડ તેમજ નવરચિત મહાનગર પાલિકાઓમાં આણંદ 148 કરોડ, મોરબી 270.08 કરોડ, સુરેન્દ્રનગર 257.60 કરોડ, નડિયાદ 71.91 કરોડ તથા વાપી 251.91 કરોડ અને નવસારીને 90.35 કરોડ રૂપિયા મળશે.

આ ઉપરાંત વડનગર નગર પાલિકાને 16.37 કરોડ, હિંમતનગરને 7.33 કરોડ, સિદ્ધપુરને 3.74 કરોડ, હળવદને 4.02 કરોડ અને ભરૂચ નગર પાલિકાને 85.52 લાખ રૂપિયા વિકાસ કામો માટે પ્રાપ્ત થશે.

આંતર માળખાકીય સુવિધા
મુખ્યમંત્રીએ સ્ટ્રીટલાઇટ, સોલાર સુવિધા, સિટી બ્યુટીફિકેશન, ડેવલપમેન્ટ ઓફ પબ્લિક ગાર્ડન, ડ્રેનેજ, ટ્રાફિક સર્કલ, રેન વોટર હાર્વેસ્ટિંગ, સ્ટોર્મ વોટર ડ્રેનેજ લાઇન, સિટી સિવિક સેન્ટર, ફાયર ઉપકરણો વગેરે મળીને આંતરમાળખાકીય સુવિધાના 247 જેટલા કામો 6 નવરચિત મહાનગર પાલિકાઓમાં હાથ ધરવા માટે 676.28 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે.

મુખ્યમંત્રી શહેરી સડક યોજના અંતર્ગત રોડ નવીનીકરણ, રીસરફેસિંગ, વ્હાઇટ ટોપિંગ તથા 60 ફુટથી મોટા માર્ગોના રિપેરિંગ માટે તેમણે આણંદ, સુરેન્દ્રનગર, વાપી અને મોરબીની નવરચિત મહાનગર પાલિકાઓ તેમજ અમદાવાદ અને ગાંધીનગર મહાનગર પાલિકા માટે કુલ 652.78 કરોડ રૂપિયાના કામોની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

એટલું જ નહીં, ફિલ્ટર પ્લાન્ટ રિપેરિંગ, રોડ-રસ્તા, ગટર અને સ્ટોર્મ ડ્રેન તથા પાણીની સુવિધા જેવા મૂળભૂત માળખાકીય સુવિધાના કામો માટે સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે કુલ 191.91 કરોડ રુપિયાના કામો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સુરેન્દ્રનગર, વાપી અને આણંદ મહાનગર પાલિકાઓ માટે મંજૂર કર્યા છે.

તેમણે આણંદ અને સુરેન્દ્રનગર મહાનગર પાલિકાઓને આઇકોનિક રોડના નિર્માણ માટે 31 કરોડ રૂપિયા તથા ખાનગી સોસાયટી જનભાગીદારી યોજના હેઠળ ભરૂચ નગર પાલિકા વિસ્તારની સોસાયટીઓમાં કોમન પ્લોટ પેવર બ્લોકના કામો માટે 85.52 લાખ રૂપિયાના કામોની અનુમતિ આપી છે.

નગરો અને મહાનગરોમાં નવા સમાવાયેલા વિસ્તારોને પીવાના પાણીની સુવિધા સરળતાએ ઉપલબ્ધ કરાવવા સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી પાણી પુરવઠાનાં કામો માટે હિંમતનગર અને સિદ્ધપુર નગર પાલિકા તથા મોરબી મહાનગર પાલિકાને કુલ 67.35 કરોડ રૂપિયા મુખ્યમંત્રીશ્રીએ મંજૂર કર્યા છે.

આઉટગ્રોથ
આ ઉપરાંત, આઉટગ્રોથ વિસ્તારોમાં પીવાના પાણીની લાઇન, ભૂગર્ભ ગટર, ડામર રોડ, સીસી રોડ, ફાયર સ્ટેશન નિર્માણ જેવા કામો માટે પણ મોરબી અને વાપી મહાનગર પાલિકા તથા હળવદ નગર પાલિકાને કુલ મળીને 64.02 કરોડ રૂપિયાના કામોની મંજૂરી આપવામાં આવી છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે શહેરો અને શહેરી વિસ્તારોના સુઆયોજિત વિકાસ સાથે નાગરિકો ‘અર્નિંગ વેલ-લિવિંગ વેલ’નો ધ્યેય સાકાર કરી શકે તે હેતુથી શહેરી જન સુખાકારીના વિકાસ કામો માટે ફાળવેલી આ રકમ આવનારા દિવસોમાં રાજ્યના શહેરી વિકાસમાં નવુ બળ ઉમેરશે.
















