
મોરબી : મોરબી જિલ્લા વિકાસ અધિકારી (DDO) વિદ્યાસાગરે ટંકારા તાલુકાના વિરપર ગામની મુલાકાત લઈ ગામમાં ચાલી રહેલા વિવિધ વિકાસલક્ષી કાર્યો અને સરકારી સેવાઓની કામગીરીનું સ્થળ પર નિરીક્ષણ કર્યું હતું. મુલાકાત દરમિયાન તેમણે સંબંધિત વિભાગોને જરૂરી માર્ગદર્શન આપી ગામના સર્વાંગી વિકાસ માટે સૂચનો કર્યા હતા.

જિલ્લા વિકાસ અધિકારીએ ગ્રામ પંચાયત કચેરીની કામગીરીની સમીક્ષા કરી ગ્રામજનોને વધુ અસરકારક અને સુલભ સેવાઓ ઉપલબ્ધ થાય તે દિશામાં માર્ગદર્શન આપ્યું હતું. સાથે જ ગામમાં યુવાનો માટે કાર્યરત લાઈબ્રેરીની મુલાકાત લઈ ઉપલબ્ધ સુવિધાઓ અંગે માહિતી મેળવી હતી.

મુલાકાત દરમિયાન પ્રાથમિક શાળા તથા આંગણવાડી કેન્દ્રની મુલાકાત લઈ બાળકોના શિક્ષણ, હાજરી અને પોષણ વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી હતી. ઉપરાંત આરોગ્ય સબ-સેન્ટરની મુલાકાત લઈ ગ્રામ્ય આરોગ્ય સેવાઓની સ્થિતિ અંગે માહિતી મેળવી જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.

ગામમાં શુદ્ધ પીવાના પાણીની સુવિધા સુચારૂ રહે તે હેતુથી પાણીના સંપનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. સાથે જ પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળી વિકાસ માટે ઉભા કરાયેલા પંચવટી ગાર્ડન તથા ગામના તળાવની પણ મુલાકાત લેવામાં આવી હતી.

સ્વચ્છતા અભિયાન અંતર્ગત કચરાના વૈજ્ઞાનિક નિકાલ માટે કાર્યરત ‘સેગ્રિગેશન શેડ’ની કામગીરીનું પણ નિરીક્ષણ કરી સ્વચ્છતા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ટંકારા તાલુકા વિકાસ અધિકારી ગૌતમ ભીમાણી, વિરપર ગામના સરપંચ મહેશભાઈ લિખીયા, તલાટી કમ મંત્રી ઝાલાભાઈ સહિત સ્થાનિક આગેવાનો અને વિવિધ વિભાગોના અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.























