HomeAllમોરબી કલેક્ટર કોર્ટમાં ‘ઓપન કોર્ટ’ અભિગમથી વધશે પારદર્શિતા, ‘iRCMS’ પોર્ટલ અને SMS...

મોરબી કલેક્ટર કોર્ટમાં ‘ઓપન કોર્ટ’ અભિગમથી વધશે પારદર્શિતા, ‘iRCMS’ પોર્ટલ અને SMS એલર્ટથી કેસ પ્રક્રિયા બની ઝડપી અને પ્રજાભિમુખ

મોરબી : મોરબી જિલ્લા કલેક્ટર કોર્ટમાં ચાલતા વિવિધ ન્યાયિક અને મહેસૂલી કેસોની કામગીરીને વધુ ઝડપી, સરળ, પારદર્શક અને ન્યાયી બનાવવા જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના માર્ગદર્શન હેઠળ હકારાત્મક અને આધુનિક અભિગમ અપનાવવામાં આવ્યો છે. કલેક્ટર કોર્ટ હેઠળ ચાલતા મહેસૂલી અપીલ-રિવિઝન કેસ, જમીન શાખાના શરતભંગના કેસ તેમજ મેજિસ્ટ્રિયલ શાખાના ટેલિગ્રાફ એક્ટ હેઠળના તમામ કેસોમાં હવે ‘ઓપન કોર્ટ’ પદ્ધતિ અમલમાં મૂકવામાં આવી છે.

આ અંગે જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ જણાવ્યું હતું કે, કોર્ટની કામગીરીમાં વધુ પારદર્શિતા લાવવી અને પેન્ડિંગ કેસોનો ઝડપી નિકાલ કરવો એ ‘ઓપન કોર્ટ’નો મુખ્ય હેતુ છે. તમામ પ્રકારના કેસોમાં આ અભિગમ અમલમાં મૂકવામાં આવ્યો છે, જેથી વાદી અને પ્રતિવાદી બંને પક્ષોને સમાન અને પૂરતો ન્યાય મળી રહે. ડિજિટલ પોર્ટલ અને SMS એલર્ટ જેવી આધુનિક સુવિધાઓના ઉપયોગથી અરજદારોનો સમય બચશે તેમજ સમગ્ર વહીવટી પ્રક્રિયા વધુ પ્રજાકેન્દ્રિત અને લોકાભિમુખ બનશે.

ઓપન કોર્ટની આ નવતર વ્યવસ્થા અંતર્ગત તમામ પક્ષકારોને રૂબરૂ સાંભળવામાં આવે છે અને વાદી તેમજ પ્રતિવાદી બંને પક્ષોને પોતાની રજૂઆત કરવાની સમાન અને પૂરતી તક આપવામાં આવે છે. સરકારની ડિજિટલ નીતિ અનુસાર અપીલ અને રિવિઝનના કેસોની તમામ પ્રક્રિયા હવે iRCMS (Integrated Revenue Court Management System) પોર્ટલ પર ઓનલાઈન અપડેટ કરવામાં આવે છે.

આ ટેકનોલોજીના માધ્યમથી સંબંધિત પક્ષકારો પોતાના કેસની હાલની સ્થિતિ, આગામી સુનાવણીની તારીખ અને અન્ય માહિતી સમયાંતરે ઓનલાઈન મેળવી શકે છે. ઉપરાંત અરજદારોને મુદત અને નોટિસ અંગેની જાણકારી નિયમિતપણે SMS મારફતે સીધી તેમના મોબાઈલ ફોન પર મોકલવામાં આવે છે.

આ સુધારાવાદી વ્યવસ્થા હેઠળ સુનાવણી દરમિયાન જે કેસો ઠરાવ માટે લેવામાં આવે છે, તેમાં અરજી મંજૂર કે નામંજૂર થયાની માહિતી તથા ઠરાવ પ્રસિદ્ધિની તારીખ ઓપન કોર્ટમાં જ જાહેર કરવામાં આવે છે. નિયત તારીખે પક્ષકારોને ઓપન કોર્ટમાં રૂબરૂ હુકમની નકલ પણ સોંપવામાં આવે છે.

વહીવટી સુગમતાને વધુ મજબૂત બનાવવા માટે ઓપન કોર્ટમાં પ્રસિદ્ધ કરાયેલા હુકમની ફેરફાર નોંધ પણ હક્કપત્રકમાં હુકમના દિવસે જ દાખલ થઈ જાય તેવો આધુનિક અને અસરકારક અભિગમ અમલમાં મૂકવામાં આવ્યો છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments