
મોરબી : મોરબી જિલ્લાના આર્થિક વિકાસને નવી ઊંચાઈએ લઈ જવા તેમજ આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપવા હેતુથી જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને વર્ષ ૨૦૨૬-૨૭ માટેના ‘વાર્ષિક ઋણ આયોજન (Annual Credit Plan – ACP)’નું વિધિવત વિમોચન કરવામાં આવ્યું હતું. જિલ્લા વહીવટી તંત્ર તથા બેંકિંગ ક્ષેત્રના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં જિલ્લાના સર્વાંગી વિકાસ માટે વિવિધ ક્ષેત્રોના લક્ષ્યાંકો નક્કી કરવામાં આવ્યા હતા.

આ અવસરે જિલ્લામાં કૃષિ, એમએસએમઈ (MSME), શિક્ષણ, હાઉસિંગ તેમજ અન્ય અગ્રતા ધરાવતા ક્ષેત્રોમાં બેંકિંગ સેક્ટર દ્વારા વધુમાં વધુ ધિરાણ ઉપલબ્ધ કરાવવા અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા હાથ ધરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટરશ્રી સ્વપ્નિલ ખરેએ ઉપસ્થિત તમામ બેંકર્સને અનુરોધ કરતા જણાવ્યું હતું કે, સરકારશ્રીની વિવિધ જનકલ્યાણકારી તથા સ્વરોજગારલક્ષી યોજનાઓનો લાભ સામાન્ય અને જરૂરિયાતમંદ લોકો સુધી સરળતાથી પહોંચે તે માટે બેંકો સકારાત્મક અભિગમ અપનાવે.

જિલ્લા વિકાસ અધિકારીશ્રી વિદ્યાસાગરે ગ્રામ્ય અર્થતંત્રને વધુ મજબૂત બનાવવા પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, ગ્રામ્ય વિસ્તારોના વિકાસ, મહિલા સશક્તિકરણ તથા સ્વરોજગારી આધારિત પ્રવૃત્તિઓમાં બેંકોની સક્રિય ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ છે. અસરકારક ધિરાણ વ્યવસ્થા દ્વારા છેવાડાના નાગરિકોને આર્થિક રીતે સશક્ત બનાવી શકાય છે. આ સાથે વર્ષ ૨૦૨૬-૨૭ના વાર્ષિક ઋણ આયોજનના લક્ષ્યાંકો સમયમર્યાદામાં પૂર્ણ કરવા માટે સંકલ્પબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી એન.એસ. ગઢવી, લીડ બેંક મેનેજર સાકીર છીપા, નાબાર્ડ મોરબીના અધિકારીશ્રી આદિત્ય નિકમ, વિવિધ બેંકોના વરિષ્ઠ અધિકારીઓ તેમજ સંબંધિત સરકારી વિભાગોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

























