
ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય અને પેટા ચૂંટણીઓ-2026 અન્વયે મોરબી જિલ્લામાં આગામી તા. 26/04/2026ના રોજ મતદાન અને તા. 28/04/2026ના રોજ મતગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. આ ચૂંટણી પ્રક્રિયા મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તેમજ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુદ્રઢ જળવાઈ રહે તે હેતુથી જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી કે.બી. ઝવેરી (ઈંઅજ) દ્વારા ગુજરાત પ્રોહિબીશન એક્ટ હેઠળ ‘ડ્રાય ડે’ અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

આ જાહેરનામા અનુસાર, મતદાન પૂર્વેના 48 કલાક એટલે કે તા. 24/04/2026ના સાંજના 06:00 કલાકથી તા. 26/04/2026ના સાંજના 06:00 કલાક સુધી (મતદાન પૂર્ણ થતા સુધી) તેમજ તા. 28/04/2026ના રોજ મતગણતરીના આખા દિવસે સમગ્ર જિલ્લામાં ‘ડ્રાય ડે’ અમલી રહેશે. જો કોઈ સંજોગોમાં પુન: મતદાન યોજાય, તો તે દિવસે પણ આ પ્રતિબંધ લાગુ પડશે. આ સમયગાળા દરમિયાન જિલ્લામાં આવેલી ક્લબ, સ્ટાર હોટલ, રેસ્ટોરન્ટ કે અન્ય કોઈપણ લાયસન્સ ધરાવતી સંસ્થાઓ દારૂૂનું વેચાણ કરી શકશે નહીં કે પીરસી શકશે નહીં. વધુમાં, વ્યક્તિગત રીતે દારૂૂનો ઉપયોગ કે સંગ્રહ કરવા માટે પરમિટ ધરાવતી વ્યક્તિઓ પર પણ આ પ્રતિબંધ સમાન રીતે લાગુ પડશે.

જિલ્લા મેજિસ્ટ્રેટના આ હુકમનો મુખ્ય ઉદ્દેશ્ય મતદારોને દારૂૂ કે અન્ય નશાયુક્ત પદાર્થોનું પ્રલોભન આપી પ્રભાવિત થતા અટકાવવાનો છે. આ હુકમનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિ સામે ગુજરાત પ્રોહિબીશન એક્ટ મુજબ કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.
















