HomeAllમોરબી જિલ્લામાં વરસાદના વિલંબથી ખરીફ વાવેતરમાં ૮૨,૬૯૮ હેક્ટરનો ઘટાડો

મોરબી જિલ્લામાં વરસાદના વિલંબથી ખરીફ વાવેતરમાં ૮૨,૬૯૮ હેક્ટરનો ઘટાડો

ગત વર્ષની સરખામણીએ જુલાઈ મધ્ય સુધીમાં વાવેતર ૨૭.૩૮ ટકા ઘટ્યું; કપાસ, મગફળી અને સોયાબીનના વાવેતર પર સીધી અસર

મોરબી, તા. ૧૮ જુલાઈ : જિલ્લામાં ચાલુ વર્ષે મેઘરાજાની અનિયમિતતા અને વરસાદના વિલંબને કારણે ખરીફ પાકના વાવેતર પર નોંધપાત્ર અસર જોવા મળી છે. જુલાઈ માસનો અડધો સમય વીતી ગયો હોવા છતાં સંતોષકારક વરસાદ ન વરસતા અનેક ખેડૂતો હજુ સુધી વાવેતર પૂર્ણ કરી શક્યા નથી. જેના પરિણામે ગત વર્ષની સરખામણીએ જિલ્લામાં કુલ ૮૨,૬૯૮ હેક્ટર ઓછા વિસ્તારમાં વાવેતર નોંધાયું છે.

કૃષિ વિભાગના આંકડા મુજબ વર્ષ ૨૦૨૫માં જુલાઈ મધ્ય સુધીમાં જિલ્લામાં કુલ ૩,૦૨,૦૦૧ હેક્ટરમાં ખરીફ વાવેતર થયું હતું, જ્યારે ચાલુ વર્ષે આ આંકડો ઘટીને ૨,૧૯,૩૦૩ હેક્ટર રહ્યો છે. એટલે કે વાવેતર વિસ્તારમાં ૨૭.૩૮ ટકાનો ઘટાડો નોંધાયો છે.

તાલુકાવાર સ્થિતિ પર નજર કરીએ તો મોરબી તાલુકામાં સૌથી વધુ ૩૩,૬૧૫ હેક્ટરનો ઘટાડો નોંધાયો છે. જ્યારે ટકાવારીની દ્રષ્ટિએ માળીયા મિયાણા તાલુકામાં સૌથી વધુ ૭૨.૩૪ ટકાનો ઘટાડો નોંધાયો છે. અહીં ગત વર્ષે ૪૬,૨૫૫ હેક્ટરમાં થયેલું વાવેતર આ વર્ષે ઘટીને માત્ર ૧૨,૭૯૫ હેક્ટર રહ્યું છે. બીજી તરફ વાંકાનેર તાલુકો ૫૬,૪૧૯ હેક્ટર વાવેતર સાથે જિલ્લામાં સૌથી વધુ વાવેતર ધરાવતો તાલુકો રહ્યો છે.

જિલ્લામાં મુખ્યત્વે કપાસ અને મગફળીના પાકનું વાવેતર થયું છે, પરંતુ બંને પાકના વિસ્તારમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. કપાસનું વાવેતર ગત વર્ષના ૨,૦૬,૮૫૪ હેક્ટરની સરખામણીએ ઘટીને ૧,૪૭,૪૨૬ હેક્ટર થયું છે, જ્યારે મગફળીનું વાવેતર ૬૮,૮૫૦ હેક્ટરમાંથી ઘટીને ૫૭,૪૯૧ હેક્ટર રહ્યું છે. જોકે, વાંકાનેર તાલુકામાં મગફળીના વાવેતરમાં ૧૬.૬૨ ટકાનો વધારો નોંધાયો છે.

સોયાબીનના વાવેતરમાં પણ ઘટાડો નોંધાયો છે. વર્ષ ૨૦૨૫માં જિલ્લામાં કુલ ૯૨૭ હેક્ટરમાં સોયાબીનનું વાવેતર થયું હતું, જે ચાલુ વર્ષે ઘટીને ૭૫૦ હેક્ટર રહ્યું છે. વાંકાનેર તાલુકામાં સૌથી વધુ ૬૧૫ હેક્ટરમાં સોયાબીનનું વાવેતર થયું છે, જ્યારે મોરબીમાં ૧૦૦ હેક્ટર અને હળવદમાં ૩૫ હેક્ટર વિસ્તાર નોંધાયો છે. ટંકારા અને માળીયા મિયાણા તાલુકામાં સોયાબીનનું વાવેતર શૂન્ય રહ્યું છે.

વરસાદના લાંબા વિલંબને કારણે ખેડૂતો હજુ પણ ખરીફ સીઝનના વાવેતરની રાહ જોઈ રહ્યા છે. વરસાદની અછતની અસર માત્ર ખેતી પૂરતી મર્યાદિત રહી નથી, પરંતુ શાકભાજી અને ઘાસચારાના વાવેતરમાં પણ ઘટાડો થતાં સ્થાનિક બજારમાં શાકભાજીના ભાવમાં વધારો નોંધાઈ રહ્યો છે. સાથે જ પશુઓ માટેના ઘાસચારાની અછત સર્જાતા તેના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. ખેડૂતો હવે સારા વરસાદની આશા સાથે આગામી દિવસોમાં વાવેતર પૂર્ણ કરવાની રાહ જોઈ રહ્યા છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments