

જોડિયા તાલુકાના 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી મોરાણા પ્રાથમિક શાળા ખાતે તાલુકા વહીવટી તંત્રના આયોજન હેઠળ ભવ્ય રીતે કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ માટે તાલુકા વહીવટી તંત્ર દ્વારા જરૂરી તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી હતી.કાર્યક્રમમાં જોડિયા તાલુકાના મામલતદાર ઝાલાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેમણે પ્રાસંગિક ઉદ્બોધન કરી ઉપસ્થિત સૌને સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી.

મોરાણા પ્રાથમિક શાળા, તારાણાધાર પ્રાથમિક શાળા અને મેઘપર તાલુકા શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ અને સાંસ્કૃતિક ભાવનાથી ઓતપ્રોત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. શાળાના આચાર્યો અને શિક્ષકોના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ કાર્યક્રમોની તૈયારી કરી હતી.

તાલુકાના વિવિધ ક્ષેત્રોમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર પ્રતિભાશાળી શિક્ષકો અને વિદ્યાર્થીઓનું તાલુકા વહીવટી તંત્ર દ્વારા પ્રમાણપત્ર એનાયત કરી સન્માન કરવામાં આવ્યું હતું. ચોગલે કંપની દ્વારા કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ બાળકોને વોટર બેગનું અનુદાન આપવામાં આવ્યું હતું.કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શિક્ષકો, અધિકારીઓ, પદાધિકારીઓ, રાજકીય હોદ્દેદારો તેમજ વહીવટી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મોરાણા ગામના લોકોનો ઉત્સાહ અને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલી જનમેદનીથી સમગ્ર કાર્યક્રમમાં દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો.

કાર્યક્રમનું સંચાલન પનારા ભાવેશભાઈ તથા મોરાણા પ્રાથમિક શાળાના આચાર્ય કલ્પેશભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. મોરાણા ગ્રામજનો તેમજ શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓના ઉત્સાહભર્યા સહકારને જોઈ તાલુકા વહીવટી તંત્ર દ્વારા આનંદ વ્યક્ત કરવામાં આવ્યો હતો.અંતે મોરાણા પ્રાથમિક શાળાના આચાર્ય કલ્પેશભાઈ પટેલ દ્વારા ઉપસ્થિત સૌનો આભાર વ્યક્ત કરી કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.






















