
PM: મોદીએ ભારતની પ્રગતિ માટે સપ્તધારા શક્તિઓ વર્ણવી. મેન્યુફેક્ચરિંગ, કૃષિ-ફૂડ, ટેકનોલોજી-ઇનોવેશનમાં ગુણવત્તા અને વૃદ્ધિ. ગતિ શક્તિ, રક્ષા શક્તિ, ગ્રીન-બ્લૂ ઇકોનોમીનો સમાવેશ. ભારતની સોફ્ટ પાવર દ્વારા વૈશ્વિક ઓળખ બનાવવાનું લક્ષ્ય.PM મોદીએ મેન્યુફેક્ચરિંગ, કૃષિ અને ફૂડ પ્રોસેસિંગ, ટેક્નોલોજી અને ઇનોવેશન તથા કનેક્ટિવિટીને ભારતની નવી શક્તિ બનાવવાની દિશામાં ભાર મૂક્યો. તેમણે કહ્યું કે ભારતે ગ્લોબલ સપ્લાય ચેનનું વિશ્વસનીય કેન્દ્ર અને દુનિયા માટે ઇનોવેશન હબ બનવું પડશે. આ સાથે તેમણે ક્વોલિટીને ગ્લોબલ બ્રાન્ડ ઇન્ડિયાની ઓળખ બનાવવાનો મંત્ર આપ્યો. સપ્તધારાની પહેલી શક્તિ શું છે?

PM મોદીએ સપ્તધારાની પહેલી શક્તિ તરીકે ઉત્પાદન એટલે કે મેન્યુફેક્ચરિંગ પાવરને ગણાવી. તેમણે કહ્યું કે દેશના મેન્યુફેક્ચરિંગ સેક્ટરને ખૂબ આગળ લઈ જવું પડશે. ઉત્પાદન વધારવાની સાથે નાના-નાના પાર્ટ્સથી લઈને મોટા પ્રોડક્ટ્સ સુધીનું સમગ્ર વેલ્યુ ચેન ભારતમાં જ તૈયાર થવું જોઈએ. ડિઝાઇનથી લઈને મેન્યુફેક્ચરિંગ સુધી ભારતે ગ્લોબલ સપ્લાય ચેનનું વિશ્વસનીય કેન્દ્ર બનવું પડશે. આ માટે ત્રણ બાબતો પર વિશેષ ભાર મૂકવો પડશે—ક્વોલિટી, ક્વોલિટી અને ક્વોલિટી.

ભારતીય ફેક્ટરીઓ સ્પર્ધાત્મક હોવી જોઈએ, પ્રોડક્ટ્સ યુઝર-ફ્રેન્ડલી હોવા જોઈએ અને પેકેજિંગ પણ દુનિયાના લોકોને આકર્ષે તેવું હોવું જોઈએ. ઝીરો ડિફેક્ટ અને પ્રિસિઝન મેન્યુફેક્ચરિંગ ભારતની ઓળખ બનવી જોઈએ. PM મોદીએ દરેક મેન્યુફેક્ચરર, ઉદ્યોગસાહસિક અને MSMEને કહ્યું કે, વૈશ્વિક બજારમાં ભારતની ઓળખ વિશ્વસનીયતા અને ગુણવત્તાના આધારે થવી જોઈએ. ગુણવત્તા સાથે કોઈ સમાધાન નહીં અને આપણો મંત્ર ‘ક્વોલિટી, ક્વોલિટી, ક્વોલિટી’ હોવો જોઈએ. સપ્તધારાની બીજી શક્તિ શું છે? સપ્તધારાની બીજી શક્તિ તરીકે PM મોદીએ કૃષિ અને ફૂડ પ્રોડક્શનનો ઉલ્લેખ કર્યો.

તેમણે કહ્યું કે દેશમાં ફૂડ પ્રોસેસિંગને મોટા પાયે આગળ વધારવું પડશે. ભારતીય ખેડૂતો માટે હવે દુનિયાના બજારો ખુલ્યા છે અને તેમણે ખેતરથી લઈને એક્સપોર્ટ માર્કેટ સુધી પહોંચવાનું લક્ષ્ય રાખવું જોઈએ. ભારતના પરંપરાગત ખોરાક, મિલેટ્સ, મસાલા, ચોખા અને અન્ય ખાદ્ય ઉત્પાદનોને ગ્લોબલ બ્રાન્ડ બનાવવાની જરૂર છે.PM મોદીએ કેમિકલ-ફ્રી ખેતી પર પણ ભાર મૂક્યો. તેમણે કહ્યું કે દુનિયામાં આવા ઉત્પાદનોની માંગ વધવાની છે અને વૈશ્વિક માપદંડો પર ખરા ઉતરતા ભારતીય કૃષિ ઉત્પાદનો સરળતાથી દુનિયાના બજારો સુધી પહોંચી શકશે. સપ્તધારાની ત્રીજી શક્તિ શું છે?

ત્રીજી શક્તિ છે ટેક્નોલોજી અને ઇનોવેશન.PM મોદીએ કહ્યું કે આજનો સમય AI, ક્વોન્ટમ, સ્પેસ, રોબોટિક્સ અને ડેટા સેન્ટર્સનો છે. નવી અને ઉભરતી ટેક્નોલોજી સતત નવા પડકારો આપી રહી છે. તેમણે કહ્યું કે ભારતે માત્ર દુનિયા માટેનું બજાર બનવાનું નથી, પરંતુ ઇનોવેશનનું હબ બનવાનું છે. UPI અને ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા ભારતે પોતાની ક્ષમતા દુનિયાને બતાવી છે. હવે ડિજિટલ પબ્લિક ટેક્નોલોજીને દુનિયાના ખૂણે-ખૂણે પહોંચાડવી પડશે. ભારતે નેક્સ્ટ જનરેશન કમ્યુનિકેશન ટેક્નોલોજીમાં નેતૃત્વ કરવું જોઈએ અને ‘મેડ ઇન ઇન્ડિયા 6G’ દેશના દરેક ખૂણે પહોંચે તે લક્ષ્ય રાખવું જોઈએ. સપ્તધારાની ચોથી શક્તિ શું છે?

ચોથી શક્તિ છે ગતિ શક્તિ.PM મોદીએ કહ્યું કે, દેશમાં ઝડપી અને સીમલેસ કનેક્ટિવિટી પર ભાર મૂકવો પડશે. શહેરોને હાઈ-સ્પીડ રેલથી જોડવા પડશે. આ ઉપરાંત મોડર્ન હાઈવે, ઇનલેન્ડ વોટરવેઝ, એરપોર્ટ અને મલ્ટીમોડલ લોજિસ્ટિક્સની વ્યવસ્થા વિકસાવવાની જરૂર છે. દેશના બંદરો માત્ર માલ ઉતારવા-ચઢાવવાની જગ્યાઓ ન બને, પરંતુ પોર્ટ-લેડ ડેવલપમેન્ટ અને ગ્રોથને આગળ વધારવાનું માધ્યમ બને તે જરૂરી છે.સપ્તધારાની પાંચમી શક્તિ શું છે?

પાંચમી શક્તિ છે રક્ષા શક્તિ.PM મોદીએ કહ્યું કે, રક્ષા ક્ષેત્રમાં આત્મનિર્ભર બનવું હવે ભારત માટે જરૂરી બની ગયું છે. ભારતે માત્ર દુનિયા માટેનું બજાર બનીને રહેવાનું નથી, પરંતુ રક્ષા ક્ષેત્રમાં આત્મનિર્ભર બનવું પડશે. નેક્સ્ટ જનરેશન ડિફેન્સ ટેક્નોલોજી વિકસાવીને ભારતે વૈશ્વિક સપ્લાયર બનવાનું લક્ષ્ય રાખવું જોઈએ. તેમણે ડ્રોન અને કાઉન્ટર-ડ્રોન સિસ્ટમ વિકસાવવા તથા હાઇપરસોનિક ડિફેન્સ ટેક્નોલોજીમાં નેતૃત્વ મેળવવા પર ભાર મૂક્યો. PM મોદીએ સાયબર સુરક્ષાને પણ રક્ષા ક્ષેત્રનો મહત્વપૂર્ણ ભાગ ગણાવ્યો. તેમણે કહ્યું કે સાયબર સુરક્ષા આજે દરેક ઘર માટે પડકાર બની રહી છે અને આ ક્ષેત્રમાં દેશના યુવાનોની ક્ષમતાનો ઉપયોગ ભારત અને દુનિયા માટે કરી શકાય છે. સપ્તધારાની છઠ્ઠી શક્તિ શું છે?

છઠ્ઠી શક્તિ છે ગ્રીન ઇકોનોમી અને બ્લૂ ઇકોનોમી, જે ગ્રીન જોબ્સનું પણ સર્જન કરે છે. PM મોદીએ કહ્યું કે ભારતે ગ્રીન હાઇડ્રોજન, રિન્યુએબલ એનર્જી, એનર્જી સ્ટોરેજ, ગ્રીન મોબિલિટી અને ગ્રીન મેન્યુફેક્ચરિંગને વૈશ્વિક સ્તરે આગળ લઈ જવું પડશે. વિશ્વ જ્યારે ગ્લોબલ વોર્મિંગની ચર્ચા કરી રહ્યું છે. ત્યારે ભારત તેના ઉકેલો શોધી રહ્યું છે. ભારત પાસે ગ્રીન મૂવમેન્ટને આગળ વધારવાની મોટી ક્ષમતા છે. આ સાથે બ્લૂ ઇકોનોમીમાં પણ ભારત માટે મોટી તકો છે. દેશ પાસે લાંબો દરિયાકિનારો છે. ફિશરીઝ, કોસ્ટલ ટૂરિઝમ અને ટેક્નોલોજી સહિત અનેક ક્ષેત્રોમાં આગળ વધવાની સંભાવના છે. સપ્તધારાની સાતમી શક્તિ શું છે?

સાતમી શક્તિ છે ભારતની સોફ્ટ પાવર.PM મોદીએ કહ્યું કે, યોગે આજે સમગ્ર દુનિયાને ભારત સાથે જોડ્યું છે. યોગ દુનિયા માટે એક નવી ઊર્જા બની રહ્યો છે અને ભારત માટે વિશ્વાસનું મોટું કારણ બની રહ્યો છે. ભારત પાસે આયુર્વેદ, આસ્થા કેન્દ્રો, હોલિસ્ટિક હેલ્થકેર અને ‘હીલિંગ ઇન ઇન્ડિયા’ જેવી અનેક શક્તિઓ છે, જેને દુનિયા સમક્ષ લઈ જવાની જરૂર છે.

આ ઉપરાંત હેન્ડિક્રાફ્ટ, સંસ્કૃતિ, ભારતીય ફિલ્મો, ક્રિએટિવ વર્લ્ડ, VFX, એનિમેશન, ગેમિંગ અને ડિજિટલ કન્ટેન્ટ જેવા ક્ષેત્રોમાં પણ ભારત પોતાની વૈશ્વિક ઓળખ બનાવી શકે છે.PM મોદીએ વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ડ એન્ટરટેઇનમેન્ટ સમિટ (WAVES)નો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે તે ભારતની સોફ્ટ પાવર અને ક્રિએટિવ દુનિયાને વૈશ્વિક સ્તરે ઓળખ અપાવવામાં મદદ કરશે. તેમણે ભારતની વિશાળ વન્ય સંપદા અને 100થી વધુ નેશનલ પાર્કનો ઉલ્લેખ પણ કર્યો. વિદેશી પ્રવાસીઓને આકર્ષવામાં હજુ વધુ કામ કરવાની જરૂર છે. ભારત પોતાની સોફ્ટ પાવર દ્વારા દુનિયાભરના પ્રવાસીઓને આકર્ષી શકે છે.PM મોદીએ કહ્યું કે દુનિયાની મોટી સ્પોર્ટ્સ ઇવેન્ટ્સ ભારતમાં કેમ ન યોજાય? ભારતની ક્ષમતાને દુનિયા સમક્ષ રજૂ કરવાની જરૂર છે.PM મોદીની ‘શક્તિની સપ્તધારા’

માં મેન્યુફેક્ચરિંગ, કૃષિ-ફૂડ પ્રોસેસિંગ, ટેક્નોલોજી-ઇનોવેશન, ગતિ શક્તિ, રક્ષા શક્તિ, ગ્રીન-બ્લૂ ઇકોનોમી અને સોફ્ટ પાવરનો સમાવેશ થાય છે. આ સાત ક્ષેત્રોના આધારે આગામી 5-7 વર્ષમાં ભારતને નવી ઊંચાઈ અને નવી ગતિ આપવાનો રોડમેપ રજૂ કરવામાં આવ્યો છે.














