HomeAllગુજરાતમાં નવી ટ્રાફિક ચલણ વ્યવસ્થા લાગુ: લાયસન્સ સસ્પેન્ડથી લઈને વાહન જપ્તીની થશે...

ગુજરાતમાં નવી ટ્રાફિક ચલણ વ્યવસ્થા લાગુ: લાયસન્સ સસ્પેન્ડથી લઈને વાહન જપ્તીની થશે કાર્યવાહી, જાણો નવા નિયમો

રાજ્યમાં: ટ્રાફિક વ્યવસ્થાને વધુ પારદર્શક, ઝડપી અને સંપૂર્ણપણે ડિજિટલ બનાવવાના હેતુથી રાજ્ય સરકાર દ્વારા ‘નેક્સ્ટ જનરેશન ચલણ સિસ્ટમ’ અમલમાં મૂકવામાં આવી છે. 12મી ઑગસ્ટથી સમગ્ર રાજ્યમાં આ નવી સિસ્ટમનો સત્તાવાર રીતે પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. આ સિસ્ટમ હેઠળ ટ્રાફિક નિયમોના ભંગ બદલ ઈ-ચલણ મોકલવાથી લઈને તેના નિવારણ સુધીની સમગ્ર પ્રક્રિયા માટે ચોક્કસ સમયમર્યાદા (ટાઇમલાઇન) નક્કી કરવામાં આવી છે.

3 દિવસમાં ઈ-ચલણ અને 15 દિવસમાં મળશે ફિઝિકલ ચલણ : રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા નવા નિયમો અનુસાર, હવે ટ્રાફિક નિયમનો ભંગ કરનાર વાહનચાલકને નિયમ ભંગ કર્યાના 3 દિવસની અંદર જ ડિજિટલ માધ્યમથી(SMS કે ઈ-મેઇલ) ઈ-ચલણ મોકલી દેવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. જ્યારે કાગળ પરનું ભૌતિક(ફિઝિકલ) ચલણ મોકલવા માટે 15 દિવસની સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે. અપીલ માટે 45 દિવસ અને દંડ ભરવા વધુ 30 દિવસ મળશે : નવી વ્યવસ્થા અંતર્ગત જો કોઈ વાહનચાલકને ચલણ સામે વાંધો હોય, તો તે ચલણ સામે અપીલ કરવા કે તેને ઑથોરિટી/કોર્ટ સમક્ષ પડકારવા માટે 45 દિવસની મુદત આપવામાં આવશે.

જો 45 દિવસની અંદર વાહનચાલક દ્વારા ચલણ પડકારવામાં નહીં આવે, તો તેણે નિયમભંગ સ્વીકારી લીધો છે તેમ માની લેવામાં આવશે. ત્યારબાદ દંડની રકમ ઓનલાઇન ભરપાઈ કરવા માટે વાહનચાલકને વધારાના 30 દિવસનો સમય આપવામાં આવશે. દંડ ન ભર્યો તો ‘Not to be Transacted’ થશે વાહન, ડિટેઇન સુધીના પગલાં : જો વાહનચાલક નિર્ધારિત સમયમર્યાદામાં દંડની ચુકવણી નહીં કરે તો ટ્રાફિક પોલીસ દ્વારા અત્યંત કડક કાર્યવાહી કરવામાં આવશે. કેન્દ્રીય ‘વાહન'(VAHAN) પોર્ટલ પર તે વાહનની પ્રોફાઇલ સામે “Not to be Transacted” નોંધી દેવામાં આવશે, જેથી વાહનની લે-વેચ, નામ ટ્રાન્સફર કે RTO સંબંધિત કોઈ પણ કામકાજ અટકી જશે.

ખૂબ જ ગંભીર કેસમાં અથવા લાંબા સમય સુધી દંડ બાકી રાખનાર વાહનચાલકોના વાહનને પોલીસ દ્વારા સીધું ડિટેઇન(જપ્ત) કરી શકાશે. વાહનચાલકો સત્તાવાર પરિવહન ઈ-ચલણ પોર્ટલ પર જઈને પોતાનો વાહન નંબર અથવા ચલણ નંબર નાખીને વિગતો ચકાસી શકે છે અને દંડ ભરી શકે છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments