
રેલવે કર્મચારી સહિત ચારની ધરપકડ, મુંબઈથી ઉચ્ચ અધિકારીઓ વાંકાનેર પહોંચ્યા; વધુ સંડોવણી અંગે તપાસ તેજ વાંકાનેર: વાંકાનેર રેલવે કોલોની વિસ્તારમાં આવેલા નવા પંપ હાઉસ પાસેથી રેલવેના અંદાજે રૂ. 4.80 લાખના ઈલેક્ટ્રિકલ કેબલના ત્રણ ડ્રમની ચોરીના પ્રકરણમાં રેલવે સુરક્ષા દળ (RPF)ને મહત્વની સફળતા મળી છે.

ચોરીની ગંભીર ઘટનાને પગલે મુંબઈ હેડક્વાર્ટરમાંથી આઈજી કમ ચીફ સિક્યુરિટી કમિશનર અજય સદાની તથા રાજકોટ ડિવિઝનલ સિક્યુરિટી કમિશનર કમલેશ્વર સિંહ વાંકાનેર દોડી આવ્યા હતા અને સમગ્ર તપાસની સમીક્ષા કરી હતી. તપાસમાં સામે આવેલી વિગતો મુજબ ગત તા. 11ની મધ્યરાત્રિ દરમિયાન અજાણ્યા શખ્સોએ ક્રેન જેવા ભારે મશીનની મદદથી વાંકાનેર રેલવે સ્ટેશન પાછળ આવેલા નવા પંપ હાઉસ પાસે રાખવામાં આવેલા ઈલેક્ટ્રિકલ કેબલના ત્રણ ડ્રમ મિની ટ્રકમાં લોડ કરી ચોરી કર્યા હતા.

ચોરાયેલા માલમાં 25 ચોરસ મીમી ક્ષમતાનો 517 મીટર લાંબો એક કેબલ તેમજ 35 ચોરસ મીમી ક્ષમતાના 494 મીટર અને 502 મીટર લાંબા બે કેબલ મળી કુલ 1,508 મીટર લાંબા ઈલેક્ટ્રિકલ કેબલનો સમાવેશ થાય છે. આ બનાવ અંગે વાંકાનેરના સિનિયર સેક્શન એન્જિનિયરે RPF સમક્ષ લેખિત ફરિયાદ નોંધાવતા વિશેષ તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપીઓએ ચોરાયેલો સરકારી માલ વેચવા માટે ચાર અલગ-અલગ સ્થળોએ પ્રયાસ કર્યા હતા, પરંતુ સફળતા ન મળતા શક્તિનગર નજીક જાહેર સ્થળે કેબલનો જથ્થો છોડી ફરાર થઈ ગયા હતા. બાદમાં RPFએ કેબલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

RPFના PI ડામોર અને તેમની ટીમે ટેક્નિકલ તેમજ માનવસૂત્રોના આધારે તપાસ આગળ વધારી રેલવે કર્મચારી સહિત કુલ ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે. ધરપકડ કરાયેલા આરોપીઓમાં વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઇઝ યુનિયન (WREU)ના બ્રાન્ચ સેક્રેટરી અશોકકુમાર રંગમ ભડિયાસી, RPFનો આઉટસોર્સ ડ્રાઈવર કરણસિંહ જયવંતસિંહ જાડેજા, ઈસ્તિયાક અહેમદ ખાન અને રણછોડ રાયાભાઈ ટોટાનો સમાવેશ થાય છે.

તપાસ દરમિયાન ચોરીમાં ઉપયોગમાં લેવાયેલ મિની ટ્રક, ક્રેન તેમજ સ્ક્રેપના વેપારી પાસેથી સંબંધિત મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે. સમગ્ર કૌભાંડમાં અન્ય કોઈ કર્મચારીઓ અથવા વ્યક્તિઓની સંડોવણી છે કે કેમ તે દિશામાં તપાસ આગળ વધારવા માટે ચારેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરી બે દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. RPF દ્વારા સમગ્ર પ્રકરણમાં વધુ ખુલાસા માટે સઘન તપાસ ચાલુ રાખવામાં આવી છે. (રિપોર્ટ : અજય કાંજીયા)




















