HomeAllમોરબી જિલ્લાની સરકારી કચેરીઓમાં ‘POSH Act–2013’ અન્વયે સઘન જાગૃતિ સેમિનાર સંપન્ન: કાર્યસ્થળે...

મોરબી જિલ્લાની સરકારી કચેરીઓમાં ‘POSH Act–2013’ અન્વયે સઘન જાગૃતિ સેમિનાર સંપન્ન: કાર્યસ્થળે મહિલા સુરક્ષા માટે તંત્રની કટિબદ્ધતા

મોરબી જિલ્લામાં મહિલા કર્મચારીઓ માટે સુરક્ષિત, સમાનતા આધારિત અને સકારાત્મક કાર્યશૈલીનું નિર્માણ થાય તેવા ઉમદા હેતુથી જિલ્લા કલેક્ટરશ્રી સ્વપ્નિલ ખરેના માર્ગદર્શન હેઠળ એક વિશેષ જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા તા. ૧૬ થી ૩૦ જૂન દરમિયાન મોરબી જિલ્લા પંચાયત, પોલીસ અધિક્ષકશ્રીની કચેરી, મહાનગરપાલિકા કમિશનરશ્રીની કચેરી તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીની કચેરી ખાતે “કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી (અટકાવ, પ્રતિબંધ અને ફરિયાદ નિવારણ) અધિનિયમ, ૨૦૧૩” (POSH Act) અન્વયે વિશેષ તાલીમ અને જાગૃતિ સેમિનારો સફળતાપૂર્વક યોજવામાં આવ્યા હતા.

આ સેમિનારોમાં કાયદાના નિષ્ણાતો દ્વારા ઉપસ્થિત અધિકારીઓ અને કર્મચારીઓને કાનૂની માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. જેમાં મુખ્યત્વે નીચેની બાબતો પર ભાર મૂકવામાં આવ્યો હતો:

POSH Act ની કાનૂની જોગવાઈઓ: કાયદાની કલમો અને તેના અમલીકરણની પ્રક્રિયા.

આંતરિક ફરિયાદ સમિતિ (ICC): દરેક કચેરીમાં ICC ની રચના અને તેની કામગીરી.

ગોપનીયતા અને સંવેદનશીલતા: ફરિયાદ નિવારણની ગોપનીય પ્રક્રિયા અને લિંગ સંવેદનશીલતા (Gender Sensitivity).

સરકારી યોજનાઓની માહિતી: મિશન શક્તિ, સંકલ્પ હબ, ૧૮૧ મહિલા હેલ્પલાઈન, વન સ્ટોપ સેન્ટર અને ‘શી-બોક્સ’ (SHe-Box) પોર્ટલ વિશે વિસ્તૃત જાણકારી.

કાર્યક્રમના અંતે ઉપસ્થિત તમામ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓએ કાર્યસ્થળને મહિલાઓ માટે વધુ સુરક્ષિત અને સન્માનજનક બનાવવા માટે કાયદાના ચુસ્ત પાલન અંગે કટિબદ્ધતા દર્શાવી હતી.

જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની સત્તાવાર યાદીમાં વધુમાં જણાવાયું છે કે, મહિલા સુરક્ષા સુનિશ્ચિત કરવાના ભાગરૂપે આગામી સમયમાં મોરબી જિલ્લાના અન્ય તમામ વિભાગોમાં પણ આવા જાગૃતિ કાર્યક્રમોનું નિરંતર આયોજન કરવામાં આવશે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments