HomeAllમોરબી સિરામિક ઉદ્યોગની વીજ સમસ્યાનો આવ્યો કાયમી ઉકેલ રૂ. ૨૫૦ કરોડના ખર્ચે...

મોરબી સિરામિક ઉદ્યોગની વીજ સમસ્યાનો આવ્યો કાયમી ઉકેલ રૂ. ૨૫૦ કરોડના ખર્ચે વાંકડા નજીક નવું ૨૨૦ KV સબ સ્ટેશન કાર્યરત

વારંવાર પાવરકટની સમસ્યાથી રાહત, હવે ઉદ્યોગોને મળશે સતત અને પૂરતો વીજ પુરવઠો

મોરબી : સૌરાષ્ટ્રમાં સૌથી વધુ વીજ વપરાશ ધરાવતા મોરબી જિલ્લામાં સિરામિક ઉદ્યોગોને લાંબા સમયથી સતાવતી વીજ સમસ્યાના કાયમી ઉકેલ માટે ગુજરાત સરકાર દ્વારા ગ્રીન એનર્જી કોરિડોર યોજના હેઠળ મોરબી જિલ્લાના વાંકડા નજીક રૂ. ૨૫૦ કરોડના ખર્ચે નવું ૨૨૦ KV સબ સ્ટેશન કાર્યરત કરવામાં આવ્યું છે. નવા સબ સ્ટેશનના પ્રારંભથી સિરામિક ઉદ્યોગોને હવે સતત અને સ્થિર વીજ પુરવઠો મળી રહેશે.

તાજેતરમાં મોરબીના સિરામિક કલસ્ટરમાં ગંભીર વીજ સમસ્યા સર્જાતા અનેક સિરામિક એકમોને જનરેટર દ્વારા ઉત્પાદન ચાલુ રાખવું પડ્યું હતું. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જેટકો દ્વારા ઝડપી કામગીરી હાથ ધરવામાં આવી હતી અને ગુજરાત સરકારની ગ્રીન એનર્જી કોરિડોર સ્કીમ હેઠળ વાંકડા ખાતે નવું ૨૨૦ KV સબ સ્ટેશન ગણતરીના કલાકોમાં જ કાર્યરત કરવામાં આવ્યું હતું.

ગત તા. ૧૦ મેના રોજ ઊભી થયેલી પાવર સમસ્યાના નિરાકરણ માટે જેટકોની ટીમે તા. ૧૧ થી ૧૩ મે દરમિયાન સતત ૭૨ કલાક સુધી યુદ્ધના ધોરણે કામગીરી કરી હતી. અવિરત મહેનત બાદ નવું સબ સ્ટેશન સફળતાપૂર્વક શરૂ કરવામાં આવ્યું હતું.

આ સમગ્ર કામગીરી ગોંડલ જેટકોના અધિક્ષક ઈજનેર વરસડાના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી. રાજકોટ બાંધકામ વિભાગના કાર્યપાલક ઈજનેર ચિખલીયા અને તેમની ટીમે સતત દેખરેખ રાખી કામગીરી પૂર્ણ કરી હતી. ઉપરાંત મોરબી ટીમમાં તાજેતરમાં કાર્યપાલક ઈજનેર તરીકે બઢતી પામેલા જીતેન્દ્ર એમ. વિરમગામા, વાંકડા સબ સ્ટેશનના નાયબ ઈજનેર પંકજ કુંડારીયા તેમજ લાઈન વિભાગના નાયબ ઈજનેર અશ્વિન સરડવા સહિતની ટીમે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

નવા ૨૨૦ KV વાંકડા સબ સ્ટેશન ખાતે ૨૨૦/૬૬ KV ના બે ૧૯૦ MVA ટ્રાન્સફોર્મર સ્થાપિત કરવામાં આવ્યા છે, જેના દ્વારા કુલ ૩૨૦ MVA નવી વીજ ક્ષમતા ઊભી કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ અંતર્ગત નવી ૨૨૦ KV અને EHV લાઈનોનું નેટવર્ક પણ અગાઉથી તૈયાર કરવામાં આવ્યું હતું.

નવા સબ સ્ટેશનમાંથી બેલા, નીચી માંડલ, ઊંચી માંડલ, ઘુંટુ, ખરેડા અને ડુંગરપુર સહિત કુલ ૬ સબ સ્ટેશનોને આશરે ૧૩૦ મેગાવોટ જેટલો વીજ પુરવઠો સફળતાપૂર્વક આપવામાં આવી રહ્યો છે. જેના કારણે મોરબીના સિરામિક ઉદ્યોગોને લાંબા ગાળે મોટો ફાયદો થવાનો છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments