HomeAllમોરબીમાં ભારે વરસાદથી મહેન્દ્રનગરના ધાયડી વિસ્તારમાં જળબંબાકાર, અનેક મકાનોમાં વરસાદી પાણી ઘૂસ્યા

મોરબીમાં ભારે વરસાદથી મહેન્દ્રનગરના ધાયડી વિસ્તારમાં જળબંબાકાર, અનેક મકાનોમાં વરસાદી પાણી ઘૂસ્યા

મોરબી: શહેર અને તાલુકામાં શનિવારે સવારથી સાંજ સુધી પડેલા ધોધમાર વરસાદના કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. મહેન્દ્રનગર ગામના ધાયડી વિસ્તારમાં કુદરતી વરસાદી પાણીના નિકાલમાં અવરોધ ઉભો થતાં સમગ્ર વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં વિસ્તાર જાણે બેટમાં ફેરવાઈ ગયો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.

ધાયડી વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ જતાં સ્થાનિક રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અનેક ઘરોમાં વરસાદી પાણી ઘૂસી જતાં ઘરવખરીને નુકસાન પહોંચ્યાની પણ માહિતી મળી રહી છે. પાણી ભરાવાના કારણે વાહનવ્યવહાર તેમજ દૈનિક જીવન પણ પ્રભાવિત બન્યું હતું.

મોરબી શહેર અને તાલુકામાં અંદાજે આઠ ઇંચથી વધુ વરસાદ નોંધાતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા વધુ ગંભીર બની હતી. સ્થાનિકોના જણાવ્યા મુજબ ધાયડી વિસ્તારમાં વરસાદી પાણીના કુદરતી નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે દર વર્ષે આવી પરિસ્થિતિ સર્જાય છે.

સ્થાનિક રહેવાસીઓએ વરસાદી પાણીના કાયમી નિકાલ માટે તંત્ર દ્વારા અસરકારક આયોજન કરવામાં આવે તેવી માંગ ઉઠાવી છે. દર ચોમાસામાં સર્જાતી પાણી ભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ ક્યારે આવશે તે સ્થાનિકો માટે હજુ પણ મોટો પ્રશ્ન બની રહ્યો છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments