
મોરબી : રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મોરબી ખાતે ભાજપના ઉમેદવારો અને કાર્યકરોને માર્ગદર્શન આપતાં જણાવ્યું હતું કે, જનપ્રતિનિધિ બન્યા બાદ અહંકાર નહીં પરંતુ જનસેવાનો ભાવ રાખવો જરૂરી છે. કોર્પોરેટર બન્યા પછી લોકોના દુઃખ-દર્દને સમજી દિલથી સેવા કરવી જોઈએ. રાત્રે મોડે કે વહેલી સવારે કોઈ નાગરિક પોતાની સમસ્યા લઈને આવે તો હંમેશા હસતા મુખે મદદ માટે તૈયાર રહેવું જોઈએ.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ડ્રેનેજ, પાણી, રસ્તા કે સામાજિક પ્રસંગો જેવા નાના-મોટા પ્રશ્નોમાં પણ જનપ્રતિનિધિઓએ લોકોને સહકાર આપવો જોઈએ. ભારતીય જનતા પાર્ટીમાં સામાન્ય બૂથ લેવલનો કાર્યકર પણ કોર્પોરેટર બની શકે છે અને યુવાન વયે ધારાસભ્ય જેવી જવાબદારી સંભાળી શકે છે, જે પક્ષની આંતરિક લોકશાહી અને કાર્યકરો પ્રત્યેના વિશ્વાસનું પ્રતિબિંબ છે.

કાયદો અને વ્યવસ્થા અંગે કડક વલણ દર્શાવતા તેમણે જણાવ્યું હતું કે, મોરબીમાં અસામાજિક તત્વો અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગેરકાયદેસર કબજાઓ દૂર કરવા સરકારનું બુલડોઝર સતત કાર્યરત છે અને આવનારા સમયમાં પણ સમગ્ર રાજ્યમાં આવા તત્વો સામે કાર્યવાહી ચાલુ રહેશે.

વિપક્ષ પર પ્રહાર કરતા હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ગુજરાતભરના વિવિધ વિસ્તારોના પ્રવાસ દરમિયાન જનસમર્થન સ્પષ્ટ રીતે ભાજપ તરફ જોવા મળ્યું છે. અનેક વિસ્તારોમાં વિપક્ષ નબળો પડ્યો છે અને લોકો વિકાસની રાજનીતિને સમર્થન આપી રહ્યા છે. મોટી સંખ્યામાં ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા અનેક બેઠકો પર ભાજપને સીધી જીત મળી છે, જે પ્રજાના વિશ્વાસનું પ્રતિબિંબ છે.

વેપારીઓના પ્રશ્નોને સ્પર્શતા તેમણે જણાવ્યું હતું કે, તાજેતરના સમયમાં વેપારીઓને પડેલી મુશ્કેલીઓ દરમિયાન રાજ્ય સરકારે હંમેશા સંવેદનશીલ અભિગમ અપનાવ્યો છે. મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ વિવિધ વિભાગોને વૈકલ્પિક વ્યવસ્થાઓ માટે સૂચનાઓ આપવામાં આવી હતી. ગેસના ભાવનો મુદ્દો હોય કે અન્ય કોઈ સમસ્યા, રાજ્ય સરકાર હંમેશા વેપારીઓની સાથે મજબૂતીથી ઉભી રહી છે.

અંતમાં તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, મોરબી નગર અને જિલ્લામાં ભાજપ ઐતિહાસિક જીત નોંધાવશે. મોરબીની એકપણ બેઠક ભાજપથી દૂર ન રહે તે માટે કાર્યકરોને સઘન મહેનત કરવા અપીલ કરતાં તેમણે જણાવ્યું હતું કે, મોરબીમાં આવનારા સમયમાં માત્ર વિકાસની રાજનીતિ જ ચાલશે.













