HomeAllમોરબીમાં મહિલાઓને આત્મનિર્ભર બનાવવા પાંચ દિવસીય ‘મહિલા વૃત્તીકા તાલીમ’ કાર્યક્રમનું આયોજન

મોરબીમાં મહિલાઓને આત્મનિર્ભર બનાવવા પાંચ દિવસીય ‘મહિલા વૃત્તીકા તાલીમ’ કાર્યક્રમનું આયોજન

મોરબી, તા. ૨૭ જૂન: મોરબી જિલ્લાની મહિલાઓમાં સ્વરોજગારલક્ષી કૌશલ્યનો વિકાસ થાય અને તેઓ આર્થિક રીતે આત્મનિર્ભર બને તેવા હેતુથી મોરબી નાયબ બાગાયત નિયામકની કચેરી દ્વારા પાંચ દિવસીય ‘મહિલા વૃત્તીકા તાલીમ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તાલીમ કાર્યક્રમમાં મહિલાઓને બાગાયતી પાકોના મૂલ્યવર્ધન તેમજ ફળ અને શાકભાજીના પરિરક્ષણની આધુનિક પદ્ધતિઓ અંગે પ્રાયોગિક અને તકનીકી માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.

તાલીમ દરમિયાન બહેનોને ઘરઆંગણે સ્વરોજગાર શરૂ કરી શકાય તે માટે ગુલકંદ, કરમદાનો સ્કવોશ, કરમદાનું અથાણું, પપૈયાની ટુટીફૂટી તથા લીંબુનું અથાણું જેવી વિવિધ બનાવટો તૈયાર કરવાની પ્રાયોગિક તાલીમ આપવામાં આવી હતી. સાથે જ ઉત્પાદનોની ગુણવત્તા લાંબા સમય સુધી જળવાઈ રહે તે માટે સ્વચ્છતા, વૈજ્ઞાનિક સંગ્રહ પદ્ધતિઓ અને બજારની માંગ મુજબ આકર્ષક પેકિંગ અંગે પણ નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ ઉપરાંત તાલીમાર્થી બહેનોને બાગાયત વિભાગની વિવિધ સહાયલક્ષી અને કલ્યાણકારી યોજનાઓની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી તેમજ તેનો મહત્તમ લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો હતો. ફળ અને શાકભાજીના પરિરક્ષણ આધારિત લઘુઉદ્યોગો દ્વારા મહિલાઓ પોતાના પરિવારની આવકમાં વધારો કરી આત્મનિર્ભર બની શકે તે માટે કચેરીના અધિકારીઓએ માર્ગદર્શન અને પ્રેરણા પૂરી પાડી હતી.

આ અંગે મોરબી નાયબ બાગાયત નિયામકની કચેરી દ્વારા જાહેર કરાયેલી યાદીમાં જણાવાયું છે કે આવા તાલીમ કાર્યક્રમો મહિલાઓને સ્વરોજગાર તરફ પ્રોત્સાહિત કરવા અને સ્થાનિક સ્તરે રોજગારીની નવી તકો ઊભી કરવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યા છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments