HomeAllમોરબીમાં ‘પ્રવાસન વિકાસ સોસાયટી’ની સમીક્ષા બેઠક યોજાઈ; પ્રવાસન સ્થળોના સર્વાંગી વિકાસ અને...

મોરબીમાં ‘પ્રવાસન વિકાસ સોસાયટી’ની સમીક્ષા બેઠક યોજાઈ; પ્રવાસન સ્થળોના સર્વાંગી વિકાસ અને હેરિટેજ સંરક્ષણ પર ભાર

મોરબી, તા. 30 જૂન : મોરબી જિલ્લાને રાજ્યના અગ્રણી પ્રવાસન કેન્દ્ર તરીકે વિકસાવવા તેમજ જિલ્લાના ઐતિહાસિક, ધાર્મિક અને સાંસ્કૃતિક વારસાના સંરક્ષણ અને વિકાસને વધુ ગતિ આપવા જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે ‘પ્રવાસન વિકાસ સોસાયટી’ની સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

બેઠક દરમિયાન જિલ્લા કલેક્ટરે પ્રવાસન વિકાસ સોસાયટી હેઠળ ચાલી રહેલા વિવિધ વિકાસકાર્યોની વિસ્તૃત સમીક્ષા કરી હતી. વાંકાનેર તાલુકાના પ્રસિદ્ધ ધાર્મિક સ્થળ ‘લાલજી ભગતની જગ્યા’ના સર્વાંગી વિકાસ માટે દરખાસ્ત તૈયાર કરી ‘ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ’ને મોકલવા અંગે જરૂરી ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. ઉપરાંત, જડેશ્વર તીર્થધામ ખાતે ચાલી રહેલા પ્રવાસન વિકાસના કાર્યોની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી.

આ ઉપરાંત મોરબીના મચ્છુ ડેમ-૨ ખાતે પ્રવાસીઓ માટે આકર્ષક ‘આઈ-લેન્ડ’ વિકસાવવાની યોજનાને આગળ ધપાવવા જરૂરી વહીવટી પ્રક્રિયા, આયોજન અને મંજૂરીઓ અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જિલ્લાના પ્રવાસન સ્થળોને વધુ સુવિધાસભર અને પ્રવાસી મૈત્રીપૂર્ણ બનાવવા માટે વિવિધ મુદ્દાઓ પર વિચારણા કરવામાં આવી હતી.

બેઠક દરમિયાન રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે મોરબી જિલ્લો સમૃદ્ધ હેરિટેજ અને સાંસ્કૃતિક વિરાસત ધરાવે છે. જિલ્લાના ઐતિહાસિક અને વારસાગત સ્થળોની યોગ્ય ઓળખ કરી તેનું વ્યવસ્થિત કેટલોગિંગ કરવામાં આવે તો આવા સ્થળોનું વૈજ્ઞાનિક રીતે રિસ્ટોરેશન અને રિનોવેશન શક્ય બનશે, જેના પરિણામે જિલ્લાનો પ્રવાસન વિકાસ વધુ મજબૂત બનશે.

આ બેઠકમાં નાયબ વન સંરક્ષક ડૉ. સુનિલકુમાર બેરવાલ, નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક નવલદાન ગઢવી, પ્રવાસન વિકાસ સમિતિના સભ્યો તેમજ વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

Most Popular

Recent Comments