HomeAllચોમાસાની પૂર્વતૈયારીઓને લઈ કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્તરીય પ્રિ-મોન્સૂન બેઠક યોજાઈ

ચોમાસાની પૂર્વતૈયારીઓને લઈ કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્તરીય પ્રિ-મોન્સૂન બેઠક યોજાઈ

મોરબી, તા. 30 જૂન : આગામી ચોમાસાની ઋતુ દરમિયાન સંભવિત ભારે વરસાદ, પૂર કે અન્ય કુદરતી આપત્તિની સ્થિતિમાં નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા તેમજ જાનમાલના નુકસાનને અટકાવવા માટે જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે જિલ્લા સ્તરીય પ્રિ-મોન્સૂન સમીક્ષા બેઠક યોજાઈ હતી.

બેઠક દરમિયાન કલેક્ટરે પાછલા વર્ષોના વરસાદના આંકડા તથા અગાઉના અનુભવોના આધારે સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોની રૂબરૂ મુલાકાત લેવા તેમજ તાલુકા લાયઝન અધિકારીઓને વધુ સક્રિય બની કામગીરી કરવા સૂચના આપી હતી. માળિયા વિસ્તારમાં મચ્છુ નદીના પાણીના સુચારુ નિકાલ માટે રેલ્વે નાળાની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. ઉપરાંત જિલ્લાના તમામ ડેમોની ભયસૂચક સપાટી પર સતત નજર રાખવા અને ડેમમાંથી પાણી છોડતા પહેલાં સ્થાનિક લોકોને સમયસર એલર્ટ કરવાની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આપત્તિ વ્યવસ્થાપનને વધુ અસરકારક બનાવવા માટે જિલ્લા, તાલુકા અને સ્થાનિક કક્ષાએ ઉપલબ્ધ બચાવ અને રાહત સાધનો, આશ્રયસ્થાનો, કંટ્રોલ રૂમની કાર્યક્ષમતા, પીજીવીસીએલની પૂર્વ તૈયારીઓ તેમજ આરોગ્ય વિભાગ પાસે જરૂરી દવાઓના પૂરતા જથ્થાની સમીક્ષા કરવામાં આવી હતી.

કલેક્ટરે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ ટાળવા તમામ નગરપાલિકાઓને ડી-વોટરિંગ પંપ કાર્યરત સ્થિતિમાં રાખવા, નદી-નાળા અને ડ્રેનેજની સમયસર સફાઈ કરાવવા, હાઈવેની બંને બાજુના ડ્રેનેજ તંત્રને સ્વચ્છ રાખવા તેમજ રસ્તા અને પુલોની ચકાસણી કરીને જરૂરી સ્થળોએ ચેતવણીરૂપ સાઇનબોર્ડ લગાવવાની સૂચના આપી હતી.

ભયજનક અને જર્જરિત ઇમારતોને તાત્કાલિક દૂર કરીને ત્યાં વસતા લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતરિત કરવાની કામગીરી હાથ ધરવા પણ સૂચના આપવામાં આવી હતી. ઉપરાંત ફિલ્ડ સ્ટાફ અને અધિકારીઓએ પૂર્વ મંજૂરી વિના હેડક્વાર્ટર ન છોડવા તેમજ તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ આપત્તિ સમયે ઝડપી માહિતી અને સંકલન માટે ‘સચેત (Sachet)’ મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની સૂચના આપવામાં આવી હતી.

બેઠકમાં ટંકારાના ધારાસભ્ય દુર્લભજી દેથરીયા, જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશ પટેલ, નાયબ વન સંરક્ષક ડૉ. સુનિલકુમાર બેરવાલ, નિવાસી અધિક કલેક્ટર એસ. જે. ખાચર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક નવલદાન ગઢવી, એનડીઆરએફ ટીમના પ્રતિનિધિઓ, આપત્તિ વ્યવસ્થાપન સમિતિના સભ્યો તેમજ સંબંધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

Most Popular

Recent Comments